Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

પ્રાથમિક શાળાઓમાં 10,000થી વધુ શિક્ષકોની જગ્યા ખાલી : TET પાસ બેરોજગાર: અર્જુનભાઈ મોઢવાડિયા

રાજ્યમાં TET પાસ કરી બેઠેલા 47000થી વધારે ઉમેદવારો ભરતી થાય એની રાહમાં

અમદાવાદ :  ગુજરાત રાજ્ય સરકારની પ્રાથમિક શાળામાં 10,000થી વધારે શિક્ષકોની જગ્યા ખાલી હોવાથી ભરતી કરવાની વાત વિપક્ષના મોટા નેતા અર્જુન મોઢવાડિયાએ કરી છે. આ ભરતી ન થવાને કારણે અનેક એવી શાળાઓમાં શિક્ષકોની ઘટ વર્તાય રહી છે. માત્ર બે શિક્ષકોના સહારે સ્કૂલ ચાલી રહી છે. જ્યારે રાજ્યમાં TET પાસ કરી બેઠેલા 47000થી વધારે ઉમેદવારો ભરતી થાય એની રાહમાં છે.

રોજગારી અને ભરતીના અભાવે આવા ઉમેદાવરોમાં ડિપ્રેશનનું પ્રમાણ વધી રહ્યું છે. તેમ છતાં રાજ્ય સરકાર તરફથી કોઈ પ્રકારની શિક્ષકોની ભરતી કરવામાં આવતી નથી. આવા અનેક આક્ષેપો સાથે અર્જુન મોઢવાડિયાએ રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને પત્ર લખ્યો છે. વિદ્યા સહાયકોની ભરતીને લઈને વિપક્ષ નેતાએ રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને પત્ર લખ્યો છે.

 અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં સરકારી પ્રાથમિક શાળાઓમાં હજારો શિક્ષકોની જગ્યાઓ ખાલી પડી છે. બીજી તરફ TET પાસ ઉમેદાવારો ભરતીની રાહ જુવે છે. 47000 ઉમેદવારો ભરતી ન થવાને કારણે બેકાર બન્યાં છે. તેમ છતાં સરકાર તરફથી કોઈ પ્રકારની ભરતી કરવામાં આવતી નથી. આ દુઃખદ બાબત છે. શિક્ષણમંત્રીને લખેલા પત્રમાં વિદ્યાસહાયકોની ભરતી કરવા માટે માગ કરવામાં આવી છે. જ્યારે TETના પ્રમાણપત્રની વેલિડિટી આજીવન કરી દેવા માટે રજૂઆત કરી દીધી છે. વર્ષ 2018માં રાજ્ય સરકાર તરફથી 6000 વિદ્યા સહાયકોની ભરતી કરવામાં આવી હતી. એ પછી વિદ્યાસહાયકોની કોઈ ભરતી થઈ નથી. એ સમયે કહ્યું હતું કે, બાકીની ભરતી પાછળથી કરીશું. પણ એવું થયું નથી. આ વર્ષે 3900 વિદ્યાસહાયકોની ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. પણ આજ દિવસ સુધી ગુજરાતી માધ્યમના 3300 વિદ્યા સહાયકોની કોઈ ભરતી નથી થઈ

સરકાર તરફથી તા.9 જુન 2021ના રોજ એક પરિપત્ર બહાર પાડીને TETનું પ્રમાણપત્રની વેલિડિટી આજીવન કરી દેવામાં આવી છે. જ્યારે ગુજરાતમાં આની વેલિડિટી માત્ર પાંચ વર્ષની છે. ગુજરાત રાજ્ય સરકાર તરફથી સમયસર ભરતી કરવામાં ન આવતી હોવાથી વેલિડિટી મર્યાદાને કારણે ભરતીમાં ભાગ લઈ શકતા નથી. જેના કારણે અનેક એવા ઉમેદવારનું શિક્ષણ બનવાનું સપનું સપનું રહી જાય છે. ગુજરાતના યુવાનો માટે એના ભવિષ્યને ધ્યાને લઈને આ વેલિડિટીને આજીવન કરી દેવામાં આવે એ જરૂરી છે

(9:04 pm IST)