Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

રાજ્યમા વિશ્વ સ્તનપાન સપ્તાહ ઉજવણી : સ્તનપાન થકી રક્ષણ સૌની જવાબદારીની થીમ આધારિત વિવિધ કાર્યક્રમો

તા.7 મી ઓગષ્ટ સુધીમાં સંભવિત સુવાવડ થનાર તમામ સગર્ભાઓની તથા ધાત્રી માતાઓની ટેલિફોનિક અને રૂબરૂ મુલાકાત લઈને સ્તનપાન અંગે કાઉન્સેલિંગ કરશે

ગાંધીનગર : "સ્તનપાન થકી રક્ષણ સૌની જવાબદારી" થીમ આધારિત રાજ્યભરમાં વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી આવતીકાલ થી શરૂ થશે. તા.7મી ઓગષ્ટ સુધીમાં સંભવિત સુવાવડ થનાર તમામ સગર્ભાઓની તથા ધાત્રી માતાઓની ટેલિફોનિક અને રૂબરૂ મુલાકાત લઈને સ્તનપાન અંગે કાઉન્સેલિંગ કરશે

દર વર્ષે તા. ૧ થી ૭ ઓગસ્ટ વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. બાળકના જન્મના પ્રથમ કલાકથી છ માસ સુધી સ્તનપાન કરાવી તેની ટકાવારીમાં સુધારો આવે તો બાળકના આરોગ્ય અને પોષણ સ્તરમાં સુધારો થઈ શકે. વર્ષ ૨૦૨૧માંસ્તનપાન થકી રક્ષણ : સૌની જવાબદારી'' થીમ આધારિત રાજ્યમાં સ્તનપાન સપ્તાહની ઉજવણીનું આયોજન રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.

જન્મના એક કલાકની અંદર માત્ર 3૭.૮ ટકા નવા જન્મેલા બાળકોને સ્તનપાન કરાવવામાં આવે છે અને છ માસ સુધી ૬૫ ટકા બાળકોને ફક્ત સ્તનપાન આપવામાં આવે છે. નવજાત બાળકને જન્મના એક કલાકમાં માતાનું પહેલું ઘટ્ટ પીળું દૂધ અતિ આવશ્યક હોય છે જે નવજાત શિશુને રોગ પ્રતિકારક શક્તિ આપે છે. બાળકને છ માસ સુધી ફક્ત માતાનું ધાવણ જ આપવું જોઈએ. છ માસ પૂરા થતાં તરત જ સ્તનપાનની સાથે ઉપલબ્ધ પૌષ્ટિક નરમ અને પોચા ખોરાકની શરૂઆત કરવી જોઈએ.

આ સ્તનપાન સપ્તાહ અંતર્ગત તમામ જિલ્લાઓમાં તમામ સગર્ભાઓ જેની સંભવિત સુવાવડ તા. ૧ થી ૭ ઓગસ્ટ ૨૦૨૧ સુધીમાં થનાર હોય તેવા જન્મ લેનાર નવજાત બાળકોને એક કલાકમાં સ્તનપાન કરાવવા અને બાળકને કોઈ પણ પ્રકારના બાહ્ય દૂધ (ગાય, ભેંસ અને બકરી) અથવા દૂધ પાવડરનો ઉપયોગ ન કરવા પ્રોત્સાહિત કરાશે. સમગ્ર રાજ્યમાં સ્તનપાન સપ્તાહ દરમિયાન પ્રોગ્રામ ઓફીસર, સીડીપીઓ, એનએનએમ ઓડિનેટર મુખ્યસેવિકા અને આંગણવાડી કાર્યકરોને કોવિડના ચેપથી રક્ષણ માટે તમામ સાવધાની રાખી સગર્ભા માતાઓ અને નવજાત બાળકોના જન્મ થાય તેની ગૃહ મુલાકાત લઇ જરૂરી પરામર્શ કરાશે. સ્તનપાન વિશે જનજાગૃતિ માટે જન સમુદાય સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી વિશાળ ફલક ઉપર જોડાઈને સ્તનપાનના મહત્વ વિશે સંદેશો અપાશે. જિલ્લા, તાલુકા અને સેજાકક્ષાએ આરોગ્ય અને આઇસીડીએસના અધિકારીઓ ખાનગી અને સરકારી પ્રસૃતિ કેન્દ્રોની મુલાકાત લઇ સ્તનપાન થીમ ઉપર પ્રચાર-પ્રસાર કરશે.

આ સપ્તાહની ઉજવણી દરમિયાન ૨થી ૩ સંભવિત પ્રસ્‍ૃતિ ધરાવતા અથવા ધાત્રી માતાઓ સાથે દરેક જિલ્લાઓમાં પ્રભારીમંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, પ્રોગ્રામ ઓફિસર વિડીયોકોલ અથવા ટેલિફોનિક સંવાદ કરશે. સ્તનપાનથી નવજાતને થતા ફાયદા અને બાહરી ખાદ્ય પદાર્થોનો ઉપયોગ નહીં કરવા જન જાગૃતિ કેળવાશે. સપ્તાહ દરમિયાન રાજ્યકક્ષાએથી મોકલવામાં આવતા સંદેશા જિલ્લા ઘટક, સેજા અને આંગણવાડી કેન્દ્રોના બનેલા તમામ વૉટ્સએપ ગ્રુપમાં મૂકી સોશિયલ મીડિયા ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ દ્વારા વ્યાપક પ્રચાર પ્રસારનું આયોજન કરાયુ છે એમ મહિલા અને બાળવિકાસના પોષણ અભિયાનના મિશન ડાયરેક્ટર શ્રી રાકેશ વ્યાસે જણાવ્યુ છે.

(8:27 pm IST)