Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

રાજ્ય સરકારના કમર્ચારીઓને સાતમા પગારપંચ અંતર્ગત અન્ય તમામ ભથ્થાઓ -તફાવતની રકમનો આપો : પેટાસમિતિ બની પણ પાંચ વર્ષથી કોઈ પ્રગતિ નહીં

ઘી ગુજરાત સચિવાલય ફેડરેશને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પત્ર પાઠવ્યો

ગાંધીનગર : ઘી ગુજરાત સચિવાલય ફેડરેશને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પત્ર પાઠવી જણાવ્યું છે કે રાજ્ય સરકાર આપના માર્ગદર્શન હેઠળ અને કુશળ વહીવટના પરિપ્રેક્ષમાં આગામી સપ્તાહથી  સેવાસેતુ કાર્યક્રમની ઉજવણી કરવા જઈ રહી છે. રાજય સરકારના પારદર્શક વહીવટના પરિણામ સ્વરૂપ પ્રજાક્ષી કાર્યોના લક્ષ્યાંકો સિદ્ધ  કરવામાં સફળતા હાંસલ કરેલ છે. આ સિધ્ધિઓ હાંસલ કરવામાં રાજય સરકારના કર્મચારી અધિકારીઓનુ પણ અમુલ્ય યોગદાન રહેલ છે.

કેન્દ્ર સરકારના ઘોરણે સમયાંતરે જાહેર કરવામાં આવતા પગારપંચ અને તેને આનુષાંગિક લાભો રાજ્ય સરકારના કર્મચારીઓને આપવાની ગુજરાત સરકારે સૈધ્ધાંતિક સ્વીકાર કરેલ છે. આ સંજોગોમાં  વર્ષ ૨૦૧૬ થી જાહેર કરવામાં આવેલ સાતમાં પગારપંચ મુજબના પગાર ધોરણ જ રાજ્યના કર્મચારીઓને આપવામાં આવેલ છે તે સરાહનીય બાબત છે. પરંતુ સાથોસાથ કેન્દ્રના ઘોરણે સાતમા પગારપંચ અંતર્ગત સૂચવવામાં આવેલ અન્ય તમામ ભથ્થાઓનો લાભ રાજ્યના કર્મચારીઓને આપવામાં આવેલ નથી. જેને આજે પાંચ વર્ષ જેટલો લાંબો સમય વીતી ગયેલ છે. આ સંદર્ભમાં રાજય સરકાર નાણા વિભાગના અનુક્રમે તા.૧૦/૧૦/૨૦૧૬ અને ૭/૬/૨૦૧૮ નો હુકમોથી કેન્દ્રીય સાતમાં પગારપંચની ભલામણોને અનુલક્ષીને રાજય સરકારના કર્મચારીઓના ભથ્થાઓ -તફાવતની રકમની ચૂકવણી અંગે અધિકારીઓની સમિતિ અને મંત્રીમંડળની પેટામિતિની રચના કરેલ છે પરંતુ તેમાં આજદિન સુધી કોઇ પ્રગતિ થઇ હોવાનું ધ્યાને આવેલ  નથી. આમ,આ તમામ સુચિત ભથ્થાથી વંચિત રહેવાના કારણે કર્મચારી આલમમાં આ અંગેની વ્યાપક નારાજગી અને અસંતોષની લાગણી પ્રવર્તી રહી છે.

 કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ સાતમા પગારપંચ  અંતર્ગત સુધારેલ પગારધોરણને અનુરૂપ  H.R.A., .LA, Medicallowance, Transport allowance, Edu. Allowance વગેરે એલાઉન્સીઝનો લાભ રાજય સરકારના કર્મચારીઓને  આજદિન સુધી આપવામાં આવેલ નથી. તેમજ કેન્દ્ર સરકારમાં હાલ જે રીતે મોંઘવારી ભથ્થાની ટકાવારી સાથોસાથ HRA અને ટ્રાન્સપોર્ટ એલાઉન્સમાં પણ માં વધારો કરવામાં આવેલ છે તે મુજબની ફોર્મયુલાના અન્ય શહેરોની કેટેગરી મુજબ રાજ્ય સરકારમાં પણ કરવામાં આવે તેમજ અન્ય તમામ ભથ્થાઓનો લાભ તા.1-1.2016ની અસરથી જાહેર કરવામાં આવે તેવી આ ફેડરેશનની નમ્ર માંગણી છે

 કોરોના મહામારીની અસરો માર્ચ -2020થી વ્યાપકપણે સમગ્ર દેશમાં જોવા મળેલ  હોવાથી, કેન્દ્ર સરકારે તેઓના કમચારીઓ માટે જાન્યુઆરી-2020થી મોંઘવારી ભથ્થુ સ્થગિત કરેલ,જેની ચૂકવણી જુલાઇ 2021થી  તેઓના કર્મચારીઓને કરવા નિર્ણધ કરેલ છે,પરંતુ રાજય સરકાર ધ્વારા કેન્દ્રના ઘોરણે સાતમાં પગારપંચ મુજબના વિવિધ ભથ્થાઓનો લાભ તથા કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થાનો લાભ હજુ સુધી આપવામા આવેલ નથી. ગુજરાત રાજ્યની ગણના સમગ્ર દેશમાં પ્રથમ હરોળનું રાજય અને વિકાસ મોડેલ તરીકે થઇ રહી છે. તેમ છતાં સમૃધ્ધ ગણાતા ગુજરાત રાજ્યના કર્મચારીઓને પ્રસ્તુત ભથ્થાઓથી વંચિત રાખવામાં આવેલ છે.

આમ, રાજ્ય સરકારના કર્મચારીઓના ભથ્થાઓની તફાવતની રકમની ચૂકવણી અંગે અધિકારીઓની અને મંત્રીમંડળની સમિતિની જે રચના કરવામાં આવેલ છે તેની બેઠક સત્વરે બોલાવવા તેમજ ઉપર સૂચવ્યા મુજબના મોંઘવારી ભથ્થા સહિતના તમામ ભથ્થાઓનો લાભ આપવા અંગે ત્વરિત નિર્ણય લેવા વિનંતી છે.

આથી આ ફેડરેશનની નમ્ર લાગણી અને માંગણી છે કે ગુજરાત સરકાર આગામી સપ્તાહથી સુશાસનના પાંચ વર્ષ પૂર્ણ થતા સેવસેતુ કાર્યક્રમની ઉજવણી કરવા જઇ રહી છે તેની સાથોસાથ રાજ્યના કર્મચારીઓ-અધિકારીઓને કેન્દ્ર સરકારના ધોરણે સાતમા  પગારપંચ અને તેને આનુસાંગિક ભથ્થા  તા.૧/૧/૨૧૬ની અસરથી જાહેર  કરવામાં આવે તેવી પુન આગ્રહભરી વિનંતી છે.

(7:43 pm IST)