Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

વિસનગરમાં રેલવે લાઈનના વિકાસમાં પસાર થતા અંડરપાસમાં વરસાદી પાણી ભરાઈ જતા ખેડૂતોને હાલાકી

વિસનગર: રેલ્વે તંત્ર દ્વારા મહેસાણાથી વરેઠા બ્રોડગેજ લાઈનો ચાલુ કરવામાં આવી છે પરંતુ આ લાઈનના કારણે લોકોને પડતી મુશ્કેલીઓનો વિચાર નહી કરતા રેલ્વેનો વિકાસ સ્થાનિક ખેડૂતો માટે નડતરરૂપ બની ગયો છે. વિસનગરમાં રેલ્વે અંડરપાસમાં વરસાદી પાણી ભરાઈ રહેતા ખેડૂતોને ખેતરમાં જવાનું મુશ્કેલ બની ગયું છે.
કેન્દ્ર સરકાર દ્વારા જ્યાં રેલ્વે લાઈનનો વિકાસ થાય છે ત્યાં માનવ રહીત ફાટકનો અભિગમ અપનાવ્યો છે. જે અંતર્ગત મહેસાણા વડનગર વરેઠા બ્રોડગેજ રેલ્વે લાઈનના વિકાસમાં ગ્રામ્ય વિસ્તારમાંથી પસાર થતા ફાટકમાં અંડરપાસ બનાવવામાં આવ્યા છે. અંડરપાસના નિચાણ ધરાવતા ભાગમાંથી પાણી નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નહી હોવાથી આ રેલ્વે લાઈનના મોટાભાગના અંડરપાસમાં પાણી ભરાવાની સમસ્યા ઉભી થઈ છે.
વિસનગરમાં પીંડારીયાથી જોગણી માતાના મંદિર વાળા વડનગર હાઈવેને જોડતા રોડ ઉપર રેલ્વેના એલ.સી.નં.૨૩ના અંડરપાસમાં છેલ્લા ઘણા સમયથી ત્રણ ફૂટ જેટલુ પાણી ભરાયુ છે. આર.સી.સી. નાળુ હોવાથી જમીનમાં પાણી શોષાતુ નથી. થોડુ ઘણુ પાણી સુકાય એમાં ફરી વરસાદ પડતા ફરી ભરાઈ જાય છે. આમ આખા ચોમાસા દરમ્યાન નાળામાં બેથી ત્રણ ફૂટ જેટલુ વરસાદી પાણી ભરાયેલુ રહે છે. અંડરપાસની બીજી તરફ ૪૦૦ વિઘા જેટલી ખેતીની જમીનો આવેલી છે. જ્યાં ખેડૂતો અંડરપાસમાં પાણી ભરાવાના કારણે વાહનો લઈ અવરજવર કરી શકતા નથી. વડનગર રોડથી વિજાપુર તરફ જતા નાના વાહન ચાલકો પણ આ રોડનો ઉપયોગ કરી રહ્યા છે. અંડરપાસમાં પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને અધવચ્ચેથી પરત ફરવુ પડે છે. ગત ચોમાસામાં પણ આ સમસ્યા સર્જાઈ હતી. ત્યારે રેલ્વે તંત્રએ પંપ મુકીને અંડરપાસમાંથી વરસાદી પાણીનો નિકાલ કર્યો હતો. અંડરપાસમાં ભરાતા વરસાદી પાણીનો નિકાલ કરવાની કાયમી વ્યવસ્થા થાય તેવી ખેડૂતોની માગણી છે.

 

(4:33 pm IST)