Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

હિંડોળા પર્વે રાજધાની દિલ્હીમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સૌ પ્રથમ સ્વામિનારાયણ મંદિરે શ્રી ઘનશ્યામ મહારાજ સમક્ષ કલાત્મક સજાવટ યુક્ત ફળોત્સવ દર્શન...

ભારત રાષ્ટ્રની રાજધાની દિલ્હીમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સૌપ્રથમ સ્વામિનારાયણ મંદિરે સ્વામિનારાયણબાપા સ્વામીબાપા અને વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના દિવ્ય સાનિધ્યમાં ભક્તિભાવથી ફળોત્સવ - અનેકવિધ લીલા મેવાની મનોરમ્ય દર્શન - ઉજવણી કરવામાં આવી હતી.

સુંદર રીતે જુદી- જુદી વિવિધ વસ્તુઓ વડે શણગારેલાં હિંડોળામાં શ્રી સ્વામિનારાયણ ભગવાનને બિરાજમાન કરી સંતો અને હરિભક્તો ઝુલાવતા હોય અને શાસ્ત્રીય રાગો સાથે હિંડોળાનાં કીર્તનો ગવાતાં હોય ત્યારે કેવું સુંદર વાતાવરણ ઊભું થાય છે

અષાઢ અને શ્રાવણ એ બે માસ એટલે ભગવાનની ભક્તિમાં તલ્લીન થવાના 

માસ. દર વર્ષે અષાઢ- શ્રાવણ માસની વરસાદી મોસમમાં હિંડોળાનો ઉત્સવ ઉજવાય છે. હિંડોળા ઉત્સવ એટલે ભગવાનને સ્વહસ્તે ઝુલાવાનો અણમોલ સુઅવસર. ભક્તિની રીત જ એવી છે કે હરિ સંગાથે લાડ કરવાં, એમને જમાડવા- પોઢાડવા અને એમને ઝુલાવવા. હિંડોળાની રચના કરવામાં સૌ ભક્તો પોતાની ઊર્મિઓ ઠાલવે છે. કળા અને કસબ, ધન અને શ્રમ એમાં સીચે છે. હૃદય આનંદથી વિભોર બની જાય છે.

આ દિવસો દરમિયાન મંદિરોમાં વિધવિધ હિંડોળા તૈયાર કરવામાં આવે છે. ભગવાનના હિંડોળાને ફૂલોથી, સુકામેવાથી, ફ્રૂટથી, પવિત્રાંથી, રાખડીઓથી, મીણબત્તી, પેન, કોડી, શૃંખલા, છીપલાં, મોરપીંછ, સિક્કાઓથી, અગરબત્તી, આદિથી શણગારવામાં આવે છે. 

સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન, જીવનપ્રાણ અબજીબાપાશ્રી, જીવનપ્રાણ સ્વામીબાપા તથા વિશ્વવાત્સલ્યમહોદધિ આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજને આ વર્ષે હિંડોળા પર્વમાં પ્રેમથી અને ભક્તિભાવથી ઝુલાવીએ અને તે હિંડોળાની સેવામાં તન, મન અને ધનથી સેવા કરીને પ્રસન્ન કરીએ.

હિંડોળા ઉત્સવ પ્રારંભે શ્રી સ્વામિનારાયણ ગાદીના પ્રવર્તમાન આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની પ્રેરણાથી ભારત રાષ્ટ્રની રાજધાની દિલ્હીમાં શ્રી સ્વામિનારાયણ મંદિરના

મહંત શ્રી ધર્મનંદનદાસજી સ્વામી, શ્રી સહજાનંદપ્રસાદદાસજી સ્વામી, શ્રી સચ્ચિદાનંદદાસજી સ્વામી, શ્રી શ્રીજીપ્રિયદાસજી સ્વામી વગેરે પૂજનીય સંતોએ વિવિધ પ્રકારના ફળોથી હિંડોળો સજાવ્યો હતો. જેનાં દર્શનથી દિલ્હીના ભાવિકો કૃતાર્થ થયા હતા.

સંતો - ભક્તોએ સાથે મળીને આજે લીલા મેવાનું સુદર્શન કર્યું છે. પ્રદર્શન નહિ; ભક્તિનાં પ્રદર્શન હોતા નથી પરંતુ ભકિતનાં તો દર્શન હોય છે. જેમાં સફરજન, દાડમ, મોસંબી, સંતરાં, પપૈયું, કેળાં, ખારેક, કિવી, ડ્રેગન, નાસપત્તિ, રાસબરી, ચેરી... વગેરે ફળો - લીલા મેવાથી કલાત્મક મનોરમ્ય શણગાર કરીને હિંડોળો સજાવવામાં આવ્યો હતો. તેનું દર્શન સહુ ભક્તો પ્રેમથી, લાગણીથી કરે અને તેનાં દર્શનથી આધ્યાત્મિક આનંદ મળે તે હેતુસર આયોજન કરવામાં આવ્યું હતું. વળી, આપણાં વૈદિક સનાતન ધર્મમાં લીલા મેવાનું ખુબ ખુબ મહત્વ જણાવેલું છે. 

 પ્રભુના ભક્તો માટે ખાસ વાત એ છે કે આ વર્ષે તેમને સવિશેષ ભક્તિ કરવા મળી છે. પ્રભુ ભક્તિ કરી અને પુણ્યનું ભાથું બાંધવામાં વ્યસ્ત થયા છે. આવી વૈશ્વિક મહામારી કોરોનાની વિકટ પરિસ્થિતિમાં પણ સંતો ભકતો ઉત્સાહ અને ભક્તિમાં તરબોળ થઈ તે તે ઉત્સવનો આનંદ ઘરબેઠા માણે છે.

મહંતશ્રી ધર્મનંદનદાસજી સ્વામીએ આરતી ઉતારી હતી. તેનાં ઓનલાઇન દર્શન કરી સૌ ભકતો તથા ભાવિકો પણ પ્રસન્ન થઈ ગયા હતા.

(12:55 pm IST)