Gujarati News

Gujarati News

News of Friday, 31st July 2020

રેમડેસીવીર ઇન્જેક્શન કૌભાંડ મામલે એક યુવતી સહીત ચાર આરોપીઓની ધરપકડ

આરોપીઓ બાંગ્લાદેશથી એજન્ટ મારફતે ઇન્જેક્શન લાવીને ગેરકાયદેસર રીતે વેચાણ કરતા હતા

અમદાવાદ : કોરોના મહામારીમાં કેટલાક આરોપીઓ બાંગ્લાદેશથી એજન્ટ મારફતે ઇન્જેક્શન લાવીને ગેરકાયદેસર રીતે તેનું વેચાણ કરતા હોવાની ફરિયાદ નોંધાતા જ ક્રાઇમ બ્રાન્ચે એક યુવતી સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ પાસે કોઇપણ જાતની આયાત કરવાનું લાયસન્સ ન હતું છતાં પણ ઊંચા ભાવે કાળા બજારી કરીને દર્દીઓને આરોપીઓ આ ઇન્જેક્શન વેચતા હતા. ક્રાઇમબ્રાન્ચે હાલમાં નીલકંઠ એલિક્ષરના વૈશાલી ગોયણી, પાર્થ ગોયાણી, કમિશન એજન્ટ સંદીપ માથુકિયા અને દર્શન સોની નામના આરોપીની અટકાયત કરી છે.


ક્રાઇમબ્રાન્ચના અધિકારીનું કહેવું છે કે પાર્થ ગોયાણી નામનો આરોપી છેલ્લા દોઢ વર્ષથી બાંગ્લાદેશના શબ્બીર અહેમદને ઓળખે છે અને તે તેને અહીંથી બાંગ્લાદેશ દવાઓ એક્સપોર્ટ કરતો હતો. હાલમાં કોરોનાની મહામારીના સમયમાં રેમડેસીવીર દવાની ખૂબ જ માંગ હોવાથી પાર્થે તેને આ બાબતની વાત કરી હતી. સબીર અહેમદે પાર્થ ગોયાણીને આ દવાનો જથ્થો પૂરો પાડવા માટેની ખાતરી આપી હતી. જોકે પાર્થ પાસે ઈમ્પોર્ટ લાયસન્સ ન હોવા છતાં તેણે બીલ અને ખાત્રી કર્યા વગર શબ્બીર પાસેથી બે તબક્કામાં 209 રેમડેસીવીર ઇન્જેક્શન મંગાવ્યા હતા અને આ ઇન્જેક્શન લેવા માટે સંદીપ માથુકિયા નામનો વ્યક્તિ ફ્લાઇટમાં ગયો હતો.

અમદાવાદ ક્રાઇમબ્રાન્ચની તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ દ્વારા 5 હજારની કિંમતના ઇન્જેક્શનને માર્કેટમાં 15 થી 18 હજારમાં દર્દીઓને આપવામાં આવતા હતા. આરોપી સબીર અહેમદને શોધવા માટેકવાયત હાથ ધરી છે. જ્યારે આરોપીના શબ્બીર અહેમદ સાથેના નાણાકીય વ્યવહાર થયા હોવાના પુરાવા ક્રાઇમ બ્રાંચના હાથે લાગ્યા છે

(11:12 pm IST)