Gujarati News

Gujarati News

News of Friday, 31st July 2020

શહેરમાં વધુ ૧૫ ખાનગી કોવિડ હોસ્પિટલ નિયુક્ત

રિવરફ્રન્ટ હાઉસ ખાતે મળેલી બેઠક નિર્ણય : હોસ્પિટલ દ્વારા ખાનગી ક્વોટાના દર્દીઓ માટે ૧ જૂનથી નક્કી કરવામાં આવેલા સારવારના રેટ મુજબ જ વસુલાશે

અમદાવાદ, તા.૩૧ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનએ ૧૫ નવી ખાનગી હોસ્પિટલોને 'કોવિડ હોસ્પિટલલ્લ તરીકે નિયુક્ત કરવાનો નિર્ણય લીધો છે. એએમસી દ્વારા નવી જાહેર કરાયેલી કોવિડ હોસ્પિટલ દ્વારા ખાનગી ક્વોટાના દર્દીઓ માટે ૧ જૂનના હુકમથી નક્કી કરવામાં આવેલા સારવારના રેટ મુજબ જ ચાર્જીસ લેવાના રહશે. ગુરુવારે રિવરફ્રન્ટ હાઉસ ખાતે મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજીવ ગુપ્તાએ જણાવ્યું હતું કે, આ હોસ્પિટલને ખાનગી ધોરણે ૧૦૦% દર્દીઓને દાખલ કરવાની પરવાનગી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કારણ કે, અમદાવાદના દર્દીઓ સિવાય અન્ય જિલ્લાના દર્દીઓમાં વધારો થતો હતો. જિલ્લા અને રાજ્યના અન્ય ભાગોથી વધુ દર્દીઓની સારવાર માટે સુવિધાઓ છે તેની ખાતરી કરવા માટે  એએમસીએ વધુ ૧૫ ડેઝિગ્નેટેડ કોવિડ હોસ્પિટલમાં ૫૦૦ બેડ ઉમેર્યા છે. જે હાઈ ડીપેન્ડેન્સી યુનિટ્સ, આઇસીયુ અને વેન્ટિલેટરથી સજ્જ છે.

          આ હોસ્પિટલ અમદાવાદ બહારના દર્દીઓને દાખલ કરી શકે છે, પરંતુ આવા દર્દીઓ વિશે એએમસીને જાણ કરવી પડશે. અધિકારીઓએ કહ્યું કે આ નિર્ણય પછી આવ્યો જ્યારે એએમસીને સમજાયું કે ૫૯ ડેઝિગ્નેટેડ કોવિડ હોસ્પિટલોમાં ૫૦% ખાનગી ક્વોટામાં દાખલ દર્દીઓની સંખ્યા વધી રહી છે. એક અધિકારીએ કહ્યું કે ૧૦૦% બેડ પર દર્દીઓને ખાનગી રીતે પ્રવેશ આપવા માટે આ હોસ્પિટલોને મંજૂરી આપવી એ ખાલી બેડ અને એડવાન્સ ગ્રાન્ટ માટેના એએમસીના ખર્ચની પણ બચત કરશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, એક કલમનો સમાવેશ કરવામાં આવ્યો છે કે જો એએમસીએ શહેરના દર્દીઓને પ્રવેશ આપવાની જરૂર પડે તો આવા દર્દીઓને કોર્પોરેશન દ્વારા નક્કી કરાયેલા દરે સારવાર આપવામાં આવશે. જો દર્દીઓ પ્રાઈવેટ પેશેન્ટસ તરીકે દાખલ થવા માંગતા હોય તો આ ૧૫ હોસ્પિટલ્સ કોર્પોરેશનની હદના દર્દીઓને પણ દાખલ કરી શકે છે.

(7:55 pm IST)