Gujarati News

Gujarati News

News of Friday, 31st July 2020

ઇ-સ્ટેમ્પીંગ કેન્દ્રોમાં ડમી ગ્રાહકો મોકલી તપાસ કરાઇઃ એક સ્થળેથી ગેરરીતિ પકડાઇ...

પ૦ અને ૩૦૦ રૂ.ના સ્ટેમ્પ દીઠ ર૦ થી પ૦ રૂ. વધારે લેવાતા હોવાની ફરિયાદો બાદ :સ્ટેમ્પ ડયુટી મુલ્યાંકન તંત્રના ડે. કલેકટર પુજાબેન જોટાણીયાના માર્ગદર્શન હેઠળ ૪ ટીમો દ્વારા તપાસઃ હજુ પણ ગમે ત્યારે ચેકીંગ કરાશે :સ્ટેમ્પ દીઠ વધારે રૂપિયા લેતા પકડાયેલ સ્ટેમ્પ વેન્ડર સામે પગલા લેવા રીપોર્ટ કરાશેઃ લોકો નિયત રકમ કરતા વધારે રૂપિયા ન આપે અને સ્ટેમ્પ વિક્રેતા વધારે રૂપિયા માંગે તો ફરીયાદ કરોઃ ડે. કલેકટર પુજાબેન જોટાણીયા

રાજકોટ તા. ૩૧ :.. રાજય સરકાર દ્વારા ફિઝીકલ સ્ટેમ્પ બંધ કરી ઇ-સ્ટેમ્પીંગ ચાલુ કરાયા બાદ ઇ-સ્ટેમ્પીંગ કેન્દ્રોમાં સ્ટેમ્પ દીઠ ર૦ થી પ૦ રૂ.ના ઉઘરાણા થતા હોવાની ઉઠેલ વ્યાપક લોક ફરીયાદો બાદ સ્ટેમ્પ ડયુટી મુલ્યાંકન તંત્રના ડે. કલેકટર  પુજાબેન જોટાણીયાના માર્ગદર્શન હેઠળ ચાર ટીમો દ્વારા ઇ-સ્ટેમ્પીંગ વિક્રેતાને ત્યાં તપાસ કરાઇ હતી જેમાં એક સ્થળેથી વધારે રૂપિયા લેવાતા હોવાની ગેરરીતિ પકડાતા સ્ટેમ્પ વિક્રેતા સામે પગલા લેવા રીપોર્ટ કરાયો છે.

સ્ટેમ્પ ડયુટી મુલ્યાંકન વિભાગના ડે. કલેકટર પુજાબેન જોટાણીયાના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ૪ ટીમો ઇ-સ્ટેમ્પીંગ કેન્દ્રોમાં તપાસ કરાઇ હતી. મોચી બજાર કોર્ટ સામે આવેલ કોમ્પલેક્ષમાં બે ઇ-સ્ટેમ્પીંગ વિક્રેતા તથા અન્ય બે સ્ટેમ્પ  વિક્રેતાને ત્યાં ડમી ગ્રાહક મોકલી તપાસ કરાઇ હતી. જેમાં એક સ્થળેથી સ્ટેમ્પ વેન્ડર નિયત ઇ-સ્ટેમ્પ કરતા વધારે રૂપિયા લેતા પકડાઇ ગયા હતાં. ડે. કલેકટરની ટીમ દ્વારા આ સ્થળે રોજકામ કરી સ્ટેમ્પ વિક્રેતા વિરૂધ્ધ પગલા લેવા ઉચ્ચ કક્ષાએ રિર્પો કરાયો છે.

સ્ટેમ્પ ડયુટી મુલ્યાંકન વિભાગના ડે. કલેકટર પુજાબેન જોટાણીયાએ જણાવ્યું હતું કે, ઇ-સ્ટેમ્પીંગ  વિક્રેતાઓને ત્યાં હજુ પણ ગમે ત્યારે ચેકીંગ કરાશે. નિયત સ્ટેમ્પ કરતા વધારે રૂપિયા લેતા ઇ-સ્ટેમ્પીંગ વિક્રેતા પકડાશે તો તેનું લાયસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરાશે. લોકો પણ ઇ-સ્ટેમ્પની નિયત રકમ કરતા વધારે રૂપીયા ન આપે અને જો ઇ-સ્ટેમ્પીંગ વિક્રેતા વધારે રૂપિયા માંગે તો સ્ટેમ્પ ડયુટી મુલ્યાંકન વિભાગની ઓફીસ બહુમાળી ભવન ખાતે લેખીત ફરીયાદ મોકલે અથવા તો મારો મોબાઇલ નં. ૯૯૭૪૯ ૪૮૬૪૩ ઉપર ફરીયાદ કરવા અપીલ કરી હતી.

(4:47 pm IST)