Gujarati News

Gujarati News

News of Wednesday, 31st May 2023

રાજ્યમાં RTE હેઠળ કુલ 1291 જેટલા ખોટા પ્રવેશ રદ્દ :બીજા રાઉન્ડમાં વધુ 4966 બાળકોને પ્રવેશ અપાયો

ઓનલાઇન પ્રક્રિયામાં પાનકાર્ડ, આઇ.ટી. રીટર્ન અને એકરાર નામાની શરતોના પરિણામે મર્યાદીત સંખ્યામાં અને ખરા લાભાર્થીઓ જ પ્રવેશ માટે અરજી કરી શક્યા

ગાંધીનગર: RTE એક્ટ-2009 હેઠળ શૈક્ષણિક વર્ષ 2023-24 માં પ્રવેશ મેળવવા માટેની ઉપલબ્ધ 82,853 જગ્યાઓ સામે કુલ 98,650 અરજીઓ મળી છે. જેમાંથી બીજા રાઉન્ડમાં વધુ કુલ 4,966 બાળકો પ્રવેશ મેળવવા પાત્ર બન્યા છે. આ વર્ષે આર.ટી.ઇ. એક્ટ અંતર્ગત પ્રવેશ મેળવવાની ઓનલાઇન પ્રક્રિયામાં પાનકાર્ડ, આઇ.ટી. રીટર્ન અને એકરાર નામાની શરતોના પરિણામે મર્યાદીત સંખ્યામાં અને ખરા લાભાર્થીઓ જ પ્રવેશ માટે અરજી કરી શક્યા છે. 

   શૈક્ષણિક વર્ષ 2022-23 મા 2.18 લાખ અરજીઓની સામે આ ઓનલાઇન પ્રક્રિયામાં પાનકાર્ડ સાથેના અન્ય ડોક્યુમેન્ટના વિકલ્પ ઉમેરાતા વર્ષ 2023-24 માટે 98,650 અરજીઓ મળી હતી. વધુમાં આર.ટી.ઇ. હેઠળ બોગસ ડોક્યુમેન્ટ રજુ કરીને પ્રવેશ મેળવેલ 1291 જેટલા એડમીશન રદ્દ કરવામાં આવ્યા છે.

    અત્રે ઉલ્લેખનીય છે કે, RTE ACT-૨૦૦૯ની કલમ ૧૨.૧(ક) અન્વયે બિન-અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૫ ટકા લેખે ધોરણ-૧માં નબળા અને વંચિત જૂથનાં બાળકોને પ્રવેશ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા સઘન પ્રયત્નો હાથ ધરી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે પ્રવેશ પ્રક્રિયાની કામગીરી સંપૂર્ણ પારદર્શી રીતે ચાલી છે. જેમાં આગામી શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪માં ૯,૮૬૩ જેટલી બિન-અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં જુદા-જુદા માધ્યમમાં ૨૫ ટકા મુજબ ૮૨, ૮૫૩ જગ્યાઓ ઉપલબ્ધ હતી. જેની સામે કુલ ૯૮, ૬૫૦ અરજીઓ મળી છે. તે પૈકી વિધાર્થીઓની પસંદગી અને ૬ કિમીની ત્રિજયાના વિસ્તારમાં ઉપલબ્ધ શાળાઓમાં નિયમોને ધ્યાનમાં લઇ પ્રથમ રાઉન્ડમાં ૫૪,૯૦૩ જેટલા વિધાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્યો છે. જેમાંથી નિયત સમયમર્યાદામાં ૪૮,૮૯૦ જેટલા વિદ્યાર્થીઓએ જે-તે શાળામાં રૂબરૂ જઇ પ્રવેશ નિયત કરાવ્યો હતો. 

  પ્રથમ રાઉન્ડમાં નિયત થયેલ પ્રવેશો પૈકી ૧,૧૩૦ જેટલા બાળકો અગાઉના શૈક્ષણિક વર્ષમાં ધો-૧/ધો-૨માં અભ્યાસ કરેલ હોય તેમ જ અન્ય કારણોસર નિયમાનુસાર જિલ્લા કક્ષાએથી RTE હેઠળ પ્રવેશો રદ કરવામાં આવ્યાં છે. જ્યારે બીજો રાઉન્ડ તા. ૨૯/૦૫/૨૦૨૩, સોમવારનાં રોજ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં વધુ ૪,૯૬૬ જેટલા બાળકોને પ્રવેશ અપાયો છે. બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓએ તા.૦૫/૦૬/૨૦૨૩, સોમવાર સુધીમાં જે તે શાળામાં શાળા સમય દરમિયાન રૂબરૂ જઈ જરૂરી આધાર પુરાવા રજૂ કરી પ્રવેશ સુનિશ્ચિત કરાવી લેવાનો રહેશે. 

(11:43 pm IST)