Gujarati News

Gujarati News

News of Sunday, 31st May 2020

નિસર્ગ વાવાઝોડું ગુજરાત પર ત્રાટકે તેવી સંભાવના

અરબી સમુદ્રમાં ડિપ્રેશન ઊભું થયું : નિસર્ગ વાવાઝોડું ચાર અથવા પાંચ જૂનના રોજ ગુજરાતના દરિયાકિનારા ઉપર ત્રાટકી શકે છે : સતર્ક રહેવા સૂચના

અમદાવાદ, તા. ૩૧ : કોરોના વાયરસના ખતરા વચ્ચે ગુજરાત પર વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે. ઓમાન તરફ સર્જાયેલું ડિપ્રેશન વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરીને ગુજરાત પર ત્રાટકી શકે છે એવી આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે કે, આગામી સમયમાં બનનારું નિસર્ગ વાવાઝોડું ચાર અથવા પાંચ જૂનના રોજ ગુજરાતના દરિયાકિનારા પર ત્રાટકી શકે છે. આ પછી વાવાઝોડાની અસર રાજસ્થાનમાં પણ જોવા મળશે તેવી સંભાવના ખાનગી હવામાન એજન્સી દ્વારા વ્યક્ત કરાઈ રહી છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે વરસાદની માહોલ સર્જાવાની આગાહી વ્યક્ત કરાઈ છે. ૪-૫ જૂન દરમિયાન અરબી સમુદ્રમાં સર્જાયેલું ડિપ્રેશન વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરી શકે છે. આ નિસર્ગ વાવાઝોડાની અસર ગુજરાતના દ્વારકાથી ઓખા, મોરબી અને કચ્છ તરફ ફંટાશે તેમ માનવામાં આવી રહ્યું છે. કચ્છથી પછી આ વાવાઝોડું રાજસ્થાન તરફ જશે તેવી સંભાવના પણ ખાનગી હવામાન એજન્સી દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સાથે જ ત્યાં વાવાઝોડું વિખેરાઈ જશે તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

                ગુજરાત વાવાઝોડું આવશે તો ૧૨૦ કિમી ઝડપે પવન ફૂંકાશે તેવી પણ સંભાવના વ્યક્ત કરાઈ છે. ભારતીય હવામાન વિભાગ અનુસાર હાલ ડિપ્રેશન યમન અને ઓમાન પાસે કેન્દ્રિત છે. જે ગુજરાત તરફ ફંટાય તેવી સંભાવના છે. જો કે, તે વાવાઝોડામાં પરિવર્તિત થશે તે અંગે કોઈ સત્તાવાર જાહેરાત નથી કરાઈ. અરબી સમુદ્રમાં ઉભા થયેલા ડિપ્રેશનની સામાન્ય અસર સૌરાષ્ટ્રના દરિયામાં જોવા મળી શકે છે. હવામાના વિભાગ દ્વારા રાજ્યમાં આગામી દિવસોમાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેમાં આજે એટલે કે ૩૧મી મેના રોજ દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, દમણ, દાદરનગર હવેલીમાં હળવા વરસાદની સંભાવના છે. આ પછી આગામી બે દિવસ ૧ અને ૨ જૂન દરમિયાન સુરત, વલસાડ, નવસારી અને દમણ, દાદરા અને નગર હવેલી સાથે સોરાષ્ટ્રના અમરેલી, ભાવનગરમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. ૩-૪ જૂન દરમિયાન સુરત, વલસાડ, નવસારી, નર્મદા, ભરૂચ, વડોદરા સાથે સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ અને દીવમાં હળવા વરસાદની સંભાવના દેખાઈ રહી છે. આ સાથે દાહોદ અને પંચમહાલમાં પણ કડાકા ભડાકા સાથે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

(9:49 pm IST)