Gujarati News

Gujarati News

News of Sunday, 31st May 2020

સરકાર કોરોનાના મૃત્યુના આંકડા છુપાવે છે : શંકરસિહ વાઘેલા

આરોગ્ય સચિવ પર હત્યાનો ગુનો દાખલ થવો જોઈએ : પૂર્વ મુખ્યમંત્રી શંકરસિહ વાઘેલાના મહામારી અંગે કેન્દ્ર અને ગુજરાત સરકાર સામે આકરા વાકપ્રહાર કર્યા

અમદાવાદ, તા. ૩૧ :  કોરોનાની મહામારી વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિહ વાઘેલાએ કેન્દ્ર અને ગુજરાત સરકાર સામે વાકપ્રહાર કર્યા છે. એનસીપી નેતા શંકરસિંહ વાઘેલાનો આરોગ્ય અગ્રસચિવ પર પણ આરોપ લગાવ્યા છે. બીજી તરફ શંકરસિંહ વાઘેલાએ સરકારને અપીલ કરી છે કે, તેઓ લોકોના ટેસ્ટ કરાવે જેના કારણે લોકો માનસિકને તણાવમાંથી મુક્તિ મળે અને તેમને સારવાર કરવાની ખબર પડે. શંકરસિંહ વાઘેલાએ આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ પર આરોપ લગાવતા કહ્યું કે, કોરોનાથી દર્દીઓના મૃત્યુ માટે આરોગ્ય સચિવ જવાબદાર ગણાય. આરોગ્ય સચિવ પર હત્યાનો ગુનો દાખલ કરવો જોઈએ. ટેસ્ટ વિના અનેક દર્દીઓ મોતને ભેટ્યા છે. સરકાર ટેસ્ટિંગ કરતી ન હોવાના એનસીપી નેતા શંકરસિંહ વાઘેલાએ આક્ષેપ કર્યા છે. તેમણે કહ્યું કે, સિવિલમાં જીવતો માણસ જાય તો તેની બોડી જ પાછી આવે છે. સિવિલ હોસ્પિટલ અમદાવાદનું ગેસ ચેમ્બર બની ગયું છે.

        કોરોનાની મહામારીમાં સરકાર પોતાની ભૂમિકા નિભાવવામાં નિષ્ફળ રહ્યું છે.  એન્ટી બોડી ટેસ્ટિંગ કિટ આપવાની શંકરસિંહે તૈયારી દર્શાવી છે. અમદાવાદ સિવિલ અને પોલીસ કમિશનરને કોરોના ટેસ્ટિંગ કિટ આપીશ. ટેસ્ટિંગ કિટથી ટેસ્ટ કરવા માટે સરકારે લેબોરેટરીને ના પાડી. ગુજરાત સરકાર ટેસ્ટિંગ કરવાથી ડરી રહી છે. ટેસ્ટ કર્યા વગર કોરોનાના પોઝિટિવને કેવી રીતે ખબર પડશે. માત્ર ૧૫ મિનિટમાં ખાતરી થઈ જશે કે કોરોના છે કે નહીં. રેપિડ કીટ કોરોનાના માર્ગદર્શક તરીકે કામ કરશે.  ગુજરાત સરકાર કોરોના મૃત્યુના આંકડા છુપાવી રહી છે. કોરોના ફેલાવવામાં ગુજરાત સરકાર નહીં પણ કેન્દ્ર સરકાર જવાબદાર છે. ગુજરાત સરકાર રિમોટ કંટ્રોલથી ચાલી રહી છે. રિમોટ કંટ્રોલથી ચાલતી સરકાર પ્રજાનું ભલુ ન કરી શકે. ગુજરાત સરકારનો અધિકારીઓ પર કોઈ જ કંટ્રોલ રહ્યો નથી.

(9:48 pm IST)