Gujarati News

Gujarati News

News of Sunday, 31st May 2020

સોસાયટીના સભ્યોએ ચેરમેન મહિલા પ્રોફેસરના કપડાં ફાડયાં

અમદાવાદના બોપલનો શરમજનક કિસ્સો ! : સોસાયટીમાં દારૂની મહેફીલ ચાલે છે એવા મેસેજ બાદ પ્રોફેસર સોસાયટીની સિક્યુરિટી સાથે ત્યાં પહોંચ્યા હતા

અમદાવાદ, તા. ૩૧ : શહેરના બોપલ વિસ્તારમાં કેટલાક નરાધમોએ એક મહિલા પ્રોફેસરની લાજ લૂંટવાનો પ્રયાસ કરતા પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. મહિલાની ફરિયાદ પ્રમાણે ઉશ્કેરાયેલા યુવકો પૈકી એકે તેમની છાતી ઉપર હાથ માર્યો હતો. જ્યારે એકે તેમના કપડા ખેંચીને ફાડ્યા હતા. જ્યારે એકે તેમની કમર પકડીને ઘસેડ્યા હતા. મહિલાએ ફરિયાદ ન કરી પરંતુ એક યુવકે તેમને ફોન ઉપર ધમકી આપતા મહિલા પ્રોફેસરે પોલીસ ફરિયાદ કરી હતી. ફરિયાદી મહિલા આ સોસાયટીમાં છેલ્લા એક વર્ષથી ચેરમેન છે. જેમના સોસાયટીના સભ્યોનું એક વ્હોટસએપ ગ્રૂપ છે. જે ગ્રૂપમાં સોસાયટીને લગતા મેસેજ કરવામાં આવે છે. ૨૮મી મેના દિવસે રાત્રિના ૧૨ વાગ્યાની આસપાસ ગ્રૂપમાં એક મેસેજ આવ્યો હતો કે સોસાયટીના કોમ્યુનિટી હોલમાં દારૂની મહેફિલ  ચાલી રહી છે.  જેથી મહિલા પ્રોફેસર સોસાયટીની સિક્યુરિટી સાથે ત્યાં પહોંચ્યા હતા તો સોસાયટીના લોકોના ટોળા ત્યાં જોવા મળ્યા હતા.

           જેથી તેમને અહીં એકઠા થયેલા લોકોને સોસિયલ ડિસ્ટન્સ જાળવવા માટે કહ્યું હતું અને લોકોને ઘરે જવા માટે કહ્યું હતું. જો કે ફરિયાદીનો આરોપ છે કે  આ દરમિયાન સોસાયટીના છ જેટલા સભ્યો ઉશ્કેરાઈ ગયા અને તેમને ધમકી આપી હતી કે તમે હિન્દી છો, છતાં સોસાયટીનો વહીવટ કરો છો. રાજીનામું આપી દો નહિતર તમને જીવવા નહિ દઈએ તેમ કહી ને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જો કે, ફરિયાદીએ આમ ના કરવાનું કહેતા ધવલ નામનો આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને મહિલાના છાતી પર હાથ માર્યો હતો. એટલું જ નહિ જયપાલસિંહ નામના આરોપી એ તેમના કપડા ખેંચીને ફાડી નાખ્યા હતા. જ્યારે ભાવેશ નામના આરોપી એ તેમની કમર પકડી તેમને ઘસેડ્યા હતાં. આ સમયે મહિલાએ આરોપી ઓ સામે કોઈ ફરિયાદ કરી ના હતી. પરંતુ બાદમાં જયપાલસિંહ નામના વ્યક્તિઅ તેમને ફોન કરી ડરાવ્યા હતા. જેથી મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. હાલમાં પોલીસએ આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

(9:46 pm IST)