Gujarati News

Gujarati News

News of Sunday, 31st May 2020

એશિયાની નંબર-૧ સિવિલ છબરડાંમાં પણ નંબર વન

અંતિમસંસ્કાર બાદ કોરોના નેગેટિવનો મેસેજ આપ્યો : દેવરામભાઈને ૨૮ મેએ ડાયાબિટિસ વધતાં સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા, ૨૯મીએ મૃત જાહેર કરાયા બાદ અંતિમ સંસ્કાર કરી દેવાય

અમદાવાદ, તા. ૩૧ : એશિયાની સૌથી મોટી અમદાવાદ સિવિલ હોસ્પિટલ કોરોનાની સારવાર દરમિયાન સતત  વિવાદોમાં ઘેરાયેલી છે ત્યાં વધુ એક વખત ઘોર બેદરકારી સામે આવી છે. હોસ્પિટલમાં દાખલ દર્દીનું મોત જાહેર કર્યા બાદ પરિવારે મૃતદેહના અંતિમ સંસ્કાર કર્યા હતા એ પછી હોસ્પિટલના તંત્રએ પરિવારજનોને જાણ કરી કે દર્દીનો રિપોર્ટ નેગેટિવ છે અને જનરલ વોર્ડમાં દાખલ કર્યા છે. વધુ એક વખત સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી, કે જેમાં સારવાર લઈ રહેલા દદીર્ને મૃત જાહેર કરી દેવાય અને પરિવારજનોએ અંતિમ વિધિ કરી પણ નાખી. સમગ્ર વિવાદ પર નજર કરીએ તો અમદાવાદના નિકોલના દેવરામભાઈને ગત ૨૮ મેના દિવસે ડાયાબિટીસ વધતા સિવિલમાં દાખલ કરાયા હતા. જેમનું ૨૨ કલાક બાદ ૨૯ મેના દિવસે બપોરે ૩ વાગ્યે મોત નિપજ્યુ હતુ. પરિવારના બે સભ્યોએ પીપીઈ કીટ સાથે અંતિમ વિધિ પણ કરી હતી. સિવિલની બેદરકારીને લઈને ક્યારે જાગશે સરકાર? સિવિલ હોસ્પિટલમાં આવી ઘોર બેદરકારી બદલ જવાબદાર કોણ? શું જવાબદાર સામે ભરાશે કડક પગલાં કે પછી થશે ઢાંકપીછોડો?

અંતિમસંસ્કાર બાદ દર્દી સાજા થયાનો ફોન આવ્યો

અમદાવાદ, તા. ૩૧ : ૩૦મી મેના રોજ  સવારે હૉસ્પિટલમાંથી ફરીથી ફોન આવ્યો કે, તમારા સ્વજનની તબિયત સારી છે એટલે તેમને અમે જનરલ વોર્ડમાં શિફ્ટ કર્યા છે. આ સાંભળતા બધાનાં પગ તળેથી જાણે જમીન ખસી ગઈ  કે અમે ગઇકાલે કોના અંતિમ સંસ્કાર કરી આવ્યાં. આ સાંભળીને દેવરામભાઈના પત્નીનાં સાસુની તબિયત ખરાબ થઇ ગઈ હતી. માંડ માંડ બધાને સંભાળીને તેઓે હૉસ્પિટલમાં જઇ પૂછપરછ કરી કે અમારા સ્વજન ક્યાં છે. તો જવાબ આપ્યો ે કે, તમે ગઇકાલે તો તેમના અંતિમસંસ્કાર કર્યા છે. સવારે ફોન ભૂલથી આવ્યો હશે. આ બધા બાદ દેવરામભાઈનો પરિવાર ઘરે પહોંચ્યો તો તેના થોડા જ સમયમાં ફરીથી ફોન આવ્યો કે, તમારા સ્વજનનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને તેમની તબિયત હવે સારી છે. આ સાંભળતા ફરીથી દેવરામભાઈના પરિવારજનો ચિંતામાં મુકાઇ ગયા હતાં અને ફરીથી હૉસ્પિટલ ગયા ત્યાં ફરીથી તેમને એના એ જ જવાબ મળ્યાં હતાં.

પરિવારજનોને મોત થયું છે તેવો કોણે આપ્યો મેસેજ

અમદાવાદ, તા. ૩૧ : દર્દીનું મૃત્યુ થયું છે તેવો પરિવારજનોને સિવિલમાંંથી કોણે આપ્યો મેસેજ? જો દર્દી જનરલ વોર્ડમાં દાખલ છે તો પરિવારજનોએ કોની અંતિમવિધિ કરી? દેવરામભાઈના પરિવારજનોને મૃત્યુ પામનારી વ્યકિતનો ચહેરો કેમ ન બતાવ્યો? શા માટે સિવિલ હોસ્પિટલમાં વારંવાર સામે આવે છે ઘોર બેદરકારી? સિવિલ હોસ્પિટલની બેદરકારીને લઈને ક્યારે જાગશે સરકાર? સિવિલ હોસ્પિટલમાં આવી ઘોર બેદરકારી બદલ જવાબદાર કોણ? શું જવાબદાર સામે ભરાશે કડક પગલાં કે પછી થશે ઢાંકપીછોડો? જોકે મૃતકનો ચહેરો બતાવવામાં આવ્યો ન હતો. જે બાદ ગત ૩૦ મેના દિવસે કંટ્રોલ રૂમમાંથી ફોન આવ્યો હતો. જેમાં દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને તેઓ જનરલ વોર્ડમાં દાખલ કર્યા હોવાનું કહ્યું હતું. આમ સિવિલ હોસ્પિટલની વધુ એક વખત ઘોર બેદરકારી સામે આવી છે.

(8:14 pm IST)