Gujarati News

Gujarati News

News of Sunday, 31st May 2020

સ્ટેચ્યુ ઓફ યુનિટી ૬ ગામ વિરોધ બાબતે હાઈ એલર્ટ: સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો

6 ગામ વિરોધ આદિવાસીઓની કેવડિયા કુચ મામલે વાતાવરણ તંગ : મહિલાઓ રસ્તા ઉપર,અનેક આગેવનો ડિટેન,કેવડિયા જતા માર્ગ પર મોટી સંખ્યામાં પોલિસ ખડકી દેવાઈ: કોંગ્રેસના ગુજરાત પ્રદેશના મહામંત્રી, ઇન્ડિજિનસ આર્મી ઓફ ઇન્ડિયાના સ્થાપક સહિત અનેક આગેવાનો ડિટેન,આદિવાસી મહિલાઓ રસ્તા પર ઉતરી પડતા મામલો ગરમાયો

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના 6 ગામોમાં તાર-ફેન્સીંગ મામલે સ્થાનિક આદિવાસીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થઈ રહ્યું હોય 30મી મેં ના રોજ ગુજરાત કોંગ્રેસના 8 જેવા આદિવાસી ધારાસભ્યો અને કોંગ્રેસ સંગઠનના આદિવાસી હોદ્દેદારોને 6 ગામના આદિવાસી ઓને મળવા મામલે પોલીસે અટકાવતા મામલો ગરમાયો હતો. આ તમામ ધારાસભ્યો અને કોંગ્રેસ ના હોદ્દેદારોએ રસ્તા પર બેસી પોલીસની કાર્યવાહીનો વિરોધ કર્યો હતો. આ ઘટનાનો રાજ્યમાં પડઘો પડ્યો હતો.
 બીજી બાજુ આદિવાસીઓના આ આંદોલનને પગલે નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારને હાઈ એલર્ટ કરી દેવાયા નું પણ જાણવા મળ્યું છે.આ ઘટના બાદ પણ કોંગ્રેસી ધારાસભ્યોએ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના 6 ગામના આદિવાસીઓને મળી વિરોધ કરવાની ચીમકી આપી હતી.જેને પગલે 31મી મેં ના રોજ નર્મદા જિલ્લામાં એન્ટ્રી પોઇન્ટ પર પોલીસ કાફલો ખડકી દેવાયો હતો,

  જિલ્લાના તમામ એન્ટ્રી પોઇન્ટ પર પોલીસ દ્વારા દરેક વાહનોનું ચેકિંગ હાથ ધરાયુ હતું.તો બીજી તરફ નર્મદા પોલીસે સંભવિત વિરોધને પગલે રાજપીપળા નજીકની જીતનગર ચોકડી પરથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી હરેશ વસાવાને અને ઇન્ડિજિનસ આર્મી ઓફ ઇન્ડિયાના સ્થાપક ડો.પ્રફુલ્લ વસાવા સહિત અનેક કોંગી આગેવાનોને પોલીસે ડિટેઈન કર્યા હોવાનું જાણવા મળ્યું હતું.

  આ સિવાય કેવડિયા વિરોધ માટે આવવા નીકળેલા ચીખલીના કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલ સહિત એમના સમર્થકોને વ્યારા વિસ્તારમાં પોલીસ દ્વારા ડિટેઈન કરાયા હોવાનું પણ જાણવા મળ્યું છે.ત્યારે બીજી તરફ કેવડિયા વિસ્તારમાં મોટી સંખ્યામાં આદીવાસી મહિલાઓ રસ્તા પર ઉતરી પડતા મામલો ગરમાયો હતો.રસ્તા પર ઉતરી પડેલી મહિલાઓએ નારા લગાવતા વાતાવરણ ગરમાયું હતું.

(6:52 pm IST)