Gujarati News

Gujarati News

News of Sunday, 31st May 2020

એએમસીએ ૪૫ કર્મીઓને ૬.૪ લાખનું વળતર આપ્યું

ફરજ પર કોરોનાનું સંક્રમણ લાગ્યું હતું : ૧ ક્લાસ ૧ અધિકારી, બે ક્લાસ ૨ અધિકારી, ઓગણીસ ક્લાસ ૩ અધિકારી અને વીસ ક્લાસ ૪ અધિકારી સામેલ

અમદાવાદ, તા. ૩૧ : કોરોનાના સંક્રમણથી લોકોને બચાવવા માટે જીવ જોખમમાં મૂકીને ફરજ બજાવનારા હેલ્થ ટીમના ૪૫ સભ્યોને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કોરોનાનું સંક્રમણ લાગ્યા બાદ ૬.૪ લાખ રૂપિયાનું વળતર ચૂકવ્યું હતું. આ સ્ટાફમાં મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ ઉપરાંત વોર્ડ લેવલે હેલ્થ અને સેનિટેશન કામ સાથે જોડાયેલા કર્મચારીઓ પણ સામેલ છે. વળતર અપાયેલા કર્મચારીઓના લિસ્ટ મુજબ, ચાર ક્લાસ ૧ અધિકારીઓ, બે ક્લાસ ૨ અધિકારીઓ, ઓગણીસ ક્લાસ ૩ અધિકારીઓ અને વીસ ક્લાસ ૪ અધિકારીઓ સામેલ છે. આ સ્ટાફ મેમ્બર્સને અનુક્રમે ૨૫ હજાર, ૧૫ હજાર અને ૧૦ હજાર રૂપિયાનું વળતર આપવામાં આવ્યું છે. આ પહેલા ૨૮ મેડિકલ સ્ટાફ મેમ્બર્સ જેમને કોન્ટ્રાક્ટ પર રાખવામાં આવ્યા હતા.

              તેમને કોરોનાનું સંક્રમણ લાગ્યા બાદ ૪.૯ લાખ રૂપિયાનું વળતર અપાયું હતું. આમ કુલ મળીને ૭૩ સ્ટાફ મેમ્બર્સ અને કર્મચારીઓને અત્યાર સુધીમાં ૧૧.૩ લાખ રૂપિયાનું વળતર એએમસી દ્વારા ચૂકવવામાં આવ્યું છે. શનિવારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પ્રેસ રિલીઝમાં જણાવ્યું કે, જે લોકો ધવંતરી વાન અથવા અર્બન હેલ્થ સેન્ટર્સ સુધી જઈ શકે તેમ ન હોય તેમના માટે ૪૦ નવી વાન સાથે કુલ ૧૦૪ એમ્બ્યુલન્સ લોકોની મદદ માટે મોકલાઈ છે. એડિશનલ ચીફ સ્રેકેટરી ડો. રાજીવ ગુપ્તાએ કહ્યું કે, ૧૦૪ સર્વિસનો લાભ વધુમાં વધુ જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચી શકે તે માટે પર્યાપ્ત સંખ્યામાં ડોક્ટર્સ અને પેરામેડિક્સની ટીમ રાખવામાં આવી છે.

(11:52 pm IST)