Gujarati News

Gujarati News

News of Sunday, 31st May 2020

એક્સપાયરી ડેટની દવા કન્ટેઈનમેન્ટ ઝોનમાં અપાઈ

મેડિકલ સ્ટાફ સામે ફરિયાદ કરવામાં આવી : ગોમતીપુરની જેઠીબેન ચાલ, મંસુરીની ખડાવાળી ચાલ અને નાડિયાવાળી ચાલમાં આ સમસ્યા સામે આવી

અમદાવાદ, તા. ૩૧ : શહેરના કોવિડ-૧૯ કન્ટેઈનમેન્ટ ઝોનમાં દવાઓ વહેંચતા અને તાવના દર્દીઓની સારવાર કરતાં જિલ્લાના મેડિકલ સ્ટાફ સામે ફરિયાદો ઉઠી છે. મેડિકલ સ્ટાફ બીમાર દર્દીઓને એક્સપાયરી ડેટવાળી દવા આપતા હોવાની ફરિયાદો છે.

કન્ટેઈનમેન્ટ ઝોન ગોમતીપુરની જેઠીબેન ચાલ, મંસુરીની ખડાવાળી ચાલ અને નાડિયાવાળી ચાલમાં આ સમસ્યા સામે આવી છે. અહીં મેડિકલ અધિકારીઓએ કથિત રીતે માર્ચ ૨૦૨૦ની એક્સપાયરી ડેટવાળી એન્ટીબાયોટિક Cifadroxil ટેબલેટ, મે ૨૦૧૮ની એક્સપાયરી ડેટવાળી Dextrose IP ની ટેબલેટ વહેંચી હતી. Dextrose IP નું પેકેટ કડક થઈ ગયું હતું અને તેના પર લખ્યું હતું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના હેલ્થ વિભાગ માટે.

પ્રત્યક્ષદર્શીની વાત પર વિશ્વાસ કરીએ તો, મેડિકલ અધિકારીઓએ હંમેશા દેવભૂમિ દ્વારકાના રજિસ્ટ્રેશનવાળી ગાડીમાં આવતા હતાં. ચાલીમાં બૂમ પાડીને લોકોને બોલાવાતા હતા અને કારમાં બેઠા બેઠા જ દવા આપતા હતાં. જેઠીબેનની ચાલીમાં રહેતા બેરોજગાર રત્નકલાકાર ભૂપેન્દ્રપ્રસાદ પરમારે જણાવ્યું કે, શનિવારે સવારે એક ડોક્ટર અને બે નર્સ ગાડીમાં આવ્યા હતાં. તેમની ગાડીની નંબર પ્લેટ પર દેવભૂમિ દ્વારકાનું પાસિંગ હતું. તેમણે પૂછ્યું હતું કે, કોઈને તાવ, ઉધરસ, શરદી કે અશક્તિ છે ? એએમસીના એક સિનિયર આરોગ્ય અધિકારીએ કહ્યું કે આ મુદ્દે તપાસ શરૂ કરવામાં આવી છે.

 

(8:09 pm IST)