Gujarati News

Gujarati News

News of Sunday, 31st May 2020

સાડી પર પહેરી શકાય તેવી પીપીઈ કીટ સુરતમાં તૈયાર

આ પીપીઈ કીટને 'કોવિડ નારી કવચ' નામ અપાયું : આપત્તિને અવસરમાં બદલવામાં માહેર હોવાનું કોરોના મહામારી વચ્ચે પણ સુરત શહેરે સાબિત કરી બતાવ્યું

સુરત, તા. ૩૧ : વિશ્વભરમાં ટેક્સટાઈલ નગરી તરીકે જાણીતું બનેલું સુરત શહેર હવે ક્રિએશનના ક્ષેત્રે પણ આગળ આવી રહ્યું છે. એટલું જ નહીં પણ હંમેશા નવું કરવા અગ્રેસર હોવા સાથે જ આપત્તિને અવસરમાં બદલવામાં પણ માહેર છે. કોરોના મહામારી વચ્ચે પણ સુરત શહેરે આ સાબિત કરી બતાવ્યું. સુરતની ફેશન ડિઝાઈન ડેવલોપમેન્ટ સેન્ટર ફેશોનોવાએ સાડી પર પહેરી શકાય તેેવી વિશ્વની પહેલી પીપીઈ કીટની ડિઝાઈન કરી છે.

સાડી પર પહેરી શકાતી આ કીટને સિટ્રા દ્વારા સ્વીકૃતિ મળી ગઈ છે. આ કીટને 'કોવિડ નારી કવચ' નામ આપવામાં આવ્યું છે. આ અંગે ફેશોનોવાના સંચાલક અંકિતા ગોયલે જણાવ્યું કે, હાલ જે પીપીઈ કીટ કોરોના વોરિયર્સને આપવામાં આવે છે તે સાડી પર પહેરી શકાય તેમ નથી. જ્યારે આપણા ત્યાં જ આજે પણ મોટાભાગની મહિલાઓ પછી તે મેડિકલ ફિલ્ડમાં પણ જોડાયેલી હોય તો પણ સાડી પહેરવાનું પસંદ કરતી હોય છે.

હાલમાં જ કેરળ સરકારે કોવિડ કેર સ્ટાફ માટે પીપીઈ કીટ પહેરવા માટે ટી-શર્ટ કે શર્ટ ફરજિયાત કરતા સાડી પહેરતો મહિલા કોવિડ સ્ટાફ મુશ્કેલીમાં મુકાયો હતો. ત્યારે ફેશોનોવા દ્વારા આ માટે આગળ વધવાનો નિર્ણય કરાયો અને સેન્ટર સાથે જોડાયેલા ફેશન ડિઝાઈનર સૌરવ મંડલએ સાડી પર પહેરી શકાય તેવી ક્વેરોલ પીપીઈ કીટ ડિઝાઈન કરી. સુરતમાં રોજની પાંચ હજાર કીટનું પ્રોડક્શન કરવામાં આવી રહ્યું છે. વધુમાં અંકિતા ગોયલે કહ્યું હતું કે, અત્યાર સુધીમાં સુરત માત્ર ટેક્સટાઈલ હબ તરીકે જ જાણીતું છે. પણ હવે ડિઝાઈનિંગ અને ક્રિએશન ક્ષેત્રે પણ આગળ વધી રહ્યું છે. સાડી પર પહેરી શકાય તેવી પીપીઈ કીટ આ તેનું ઉદાહરણ છે.

(8:09 pm IST)