Gujarati News

Gujarati News

News of Friday, 31st May 2019

મોટી મહુડી ગામ પાસે માર્ગ દુર્ઘટના સર્જાઈ : ૩૫ને ઈજા

ડ્રાઈવરે કાબુ ગુમાવતા બસ પલટી ખાઈ ગઈ : ઘાયલોને પાલનપુર-પાંથાવાડાની હોસ્પિટલમાં ખસેડાયા

અમદાવાદ,તા. ૩૧  :    બનાસકાંઠા જિલ્લાના પાલનપુર દાંતીવાડા નજીક આવેલા મોટી મહુડી ગામ પાસે મોડી રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં રાજસ્થાનના ઝાલોરથી વડોદરા જતી એક ખાનગી લકઝરી બસ પલટી મારી ગઇ હતી. જેમાં લકઝરી બસમાં સવાર ૩૫થી વધુ મુસાફરો ઘાયલ થયા હતા. તમામ ઇજાગ્રસ્તોને પાલનપુર, પાંથાવાડા અને ડીસાની હોસ્પિટલોમાં સારવાર અર્થે દાખલ કરાયા હતા. દરમ્યાન અન્ય એક અકસ્માતમાં અંબાજી-દાંતા રોડ પર પાનસા ગામ નજીક એસટી બસની ટક્કરથી બાઇક પર જઇ રહેલા બે યુવકોના કરૂણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી અને અરેરાટીની લાગણી ફેલાઇ ગઇ હતી. એસટી બસ અંબાજીથી ચાણસ્મા જઇ રહી હતી ત્યારે આ અક્સ્માત સર્જાયો હતો. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, પાલનપુરના દાંતીવાડા નજીક મોટી મહુડી ગામ પાસે આજે વહેલી સવારે જે ગંભીર અક્સ્માત સર્જાયો તેમાં ખાનગી લક્ઝરી બસ પલ્ટી ખાઇ જતાં ૩૫ મુસાફરો ઘાયલ થયા હતા. રાજસ્થાનના ઝાલોરથી વડોદરા જતી આરજે-૧૯ પીએ-૪૦૯૪ નંબરની લક્ઝરી બસના ડ્રાઇવરે પોતાના વાહનના સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવતા લક્ઝરી બસે પલટી મારી દીધી હતી. બસમાં સવાર મુસાફરોને નાની મોટી ઇજાઓ થઈ હતી. અકસ્માતના પગલે લોકોના ટોળેટોળા ઘટના સ્થળે લોકો ઉમટી પડયા હતા. જ્યારે બસમાં સવાર ઘાયલોને પાલનપુર પાંથાવાડા સહિત ડીસાની વિવિધ હોસ્પિટલોમાં રિફર કરાયા હતા. જો કે, બનાવને પગલે ભારે ચકચાર મચી ગઇ હતી.

(8:07 pm IST)