Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

લોન બહાને ગરીબ મહિલાઓ સાથે ઠગાઈની થયેલી ફરિયાદ

શાહીબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ : સત્યસાંઇ ફાયનાન્સીયલ સર્વિસના કહેવાતા એજન્ટોની લોન અપાવવાના બહાને ગરીબ મહિલાઓની સાથે ઠગાઇ

અમદાવાદ,તા. ૩૧ : ધંધાના વિકાસ માટે શ્રમજીવી મહિલાઓને પચાસ હજાર રૂપિયાની લોન આપવાની લાલચ આપીને ફાઇનાન્સ કંપનીના સંચાલકોએ ૯પ હજાર રૂપિયાની ગંભીર પ્રકારની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં નોધાઇ છે. પોલીસે ફરિયાદના આધારે આ સમગ્ર મામલામાં સઘન તપાસ આરંભી છે. લોન લેવા માટે ફાઇનાન્સ કંપનીના સંચાલકોએ ૪૯ મહિલાઓ પાસેથી ૧૯પ૦ રૂપિયા લીધા હતા. નિયત કરેલી તારીખ પ્રમાણે મહિલાઓના ખાતામાં રૂપિયા જમા નહીં થતાં તેમની સાથે છેતરપિંડી થઇ હોવાનું સામે આવ્યું હતું. ગરીબ મહિલાઓની મહેનત પરેસવાની કમાણી ડૂબતાં તેઓમાં નિરાશા અને આઘાતની લાગણી ફેલાઇ ગઇ હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, એક મહિના પહેલાં શાંતિપુરા મનુભાઇની ચાલીમાં સત્ય સાંઇ ફાયનાન્સીયલ સર્વિસીસના નામે પેમ્ફ્લેટ લઇને અમિત હરભજનસિંહ શાહ અન્ય ત્રણ વ્યકિતઓને લઇ આવ્યા હતા. અમિતે ચાલીમાં રહેતી ગરીબ અને શ્રમજીવી તમામ મહિલાઓને ધંધાના વિકાસ માટે પાંચ હજાર રૂપિયાની લોન જોઇતી હોય તો તે આપવા માટેની લાલચ આપી હતી. રૂ.પચાસ હજારની લોન લેવા માટે અમિતે તમામ મહિલાઓને ૧૦-૧૦નું ગ્રુપ બનાવવાનું કહ્યું હતું અને ફોર્મ ભરવા પેટે ૪૯ મહિલાઓ પાસેથી ૧પ૦ રૂપિયા લીધા હતા. અમિતે તમામ મહિલાઓને લોન લેવી હોય તો ૧૮૦૦ રૂપિયા ભરવા પડશે તેવો મેસેજ કર્યો હતો. લોન મળશે તેવું વિચારીને ૪૯ મહિલાઓએ ૧૮૦૦ રૂપિયા અમિતની ઓફિસે જમા કરાવી દીધા હતા. પચાસ હજાર રૂપિયાના હપ્તા ભરવા માટે તમામ મહિલાઓને કાર્ડ પણ આપ્યાં હતાં અને તેમના બેન્કના એકાઉન્ટમાં તા.ર૦ એપ્રિલ સુધીમાં રૂપિયા જમા થઇ જશે તેવું કહ્યું હતું. મહિલાઓના ખાતામાં રૂપિયા જમા નહીં થતાં તેમની ઓફિસે પહોંચી હતી. મહિલાઓ ઓફિસ પહોંચે તે પહેલાં અમિત અને તેના સાગરીતો ઓફિસ ખાલી કરીને નાસી ગયા હતા. જેને પગલે ગરીબ અને શ્રમજીવી મહિલાઓભારે નિરાશા અને આઘાતમાં ગરકાવ થઇ હતી અને આ સમગ્ર ઠગાઇ પ્રકરણ અંગે શાહીબાગ પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ઠગ આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

(8:18 pm IST)