Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

ખાંડ ઉદ્યોગ ઉપર કેન્દ્ર સરકાર દ્વારા ટેક્સ નાખવામાં આવતા દક્ષિણ ગુજરાતની બારડોલી બાબેન ખેડૂત સહકારી ખાંડ મંડળીની ચૂંટણીમાં તેની અસર જોવા મળીઃ ભાજપનો પરાજય

સુરતઃ દક્ષિણ ગુજરાતની સુગર મીલોમાં મહત્વનું સ્થાન ધરાવતી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લીમીટેડ બાબેન-બારડોલીમાં મોટી ફરાદે ઝોનના ડિરેકટર ઈશ્વર પટેલનું નિધન થતા તેમના સ્થાને નવા ડિરેકટર માટે બુધવારે પેટા ચૂંટણી યોજાઈ હતી. ચૂંટણીમાં અનિલ ભીખુ પટેલ, ધવલ ઠાકોર પટેલ અને સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ સુરેશ જગુ પટેલે ઉમેદવારી નોંધાવી હતી. દરમિયાન ગુરુવારે સવારે પ્રાંત ઓફિસર અને ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં અપેક્ષા મુજબ જ અનિલ ભીખુ પટેલને ૨૧૬ મત, ધવલ પટેલને ૩૧ મત જ્યારે સુરેશ જગુ પટેલને ૧૧૦ મત મળ્યા હતા. પેટા ચૂંટણીમાં સુરેશ પટેલનો ૧૦૬ મતોથી પરાજય થતા સુરત સહિત દક્ષિણ ગુજરાતના સહકારી ક્ષેત્રના રાજકારણમાં હડકંપ મચી ગયો હતો. સુરેશ પટેલ સુરત જિલ્લાના રાજકારણમાં મોટું માથુ છે અને હાલમાં સુરત જિલ્લા પંચાયત પ્રમુખ છે. અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા સુગર મિલો પર ટેક્ષ નાંખવામાં આવ્યો હતો અને આ મામલે નોટિસો પણ આપવામાં આવી હતી. ખેડૂતો દ્વારા અનેક રજૂઆતો બાદ પણ કેન્દ્ર સરકારે દાદ ન આપતા ખેડૂતોમાં વર્તમાન સરકાર સામે ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે.

સુરેશ જગુ પટેલની સુરત જિલ્લા પંચાયત પ્રમુખ તરીકેની ટર્મ આગામી ૨૧ દિવસ બાદ પૂરી થાય છે અને સુરશે પટેલ ૨૪ સંસ્થાઓમાં સ્થાન ધરાવતા હોવા છતાં સત્તા લાલસામાં તેમણે ઉમેદવારી નોંધાવી હતી. સુરેશ પટેલે બાબેન સુગર ફેકટરીના ડિરેકટરની પેટા ચૂંટણી કબજે કરવા માટે વિદેશમાં સ્થાયી થઈ ગયેલા ૭૦ જેટલા એન.આર.આઈને મતદાન કરવા માટે વતન બોલાવ્યા હતા, પરંતુ એવું કહેવાય છે કે એન.આર.આઈઓએ પણ સુરેશ પટેલને જાકારો આપી અનિલ પટેલની તરફેણમાં મતદાન કર્યું હતું.

(6:09 pm IST)