Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

અમદાવાદ આર .આર .સેલે ઘોડાપુર સીમમાંથી 10.80લાખનો વિદેશી દારૂનો જથ્થો બાતમીના આધારે ઝડપ્યો

અમદાવાદ: રેન્જના આરઆર સેલે ગઈકાલે રાત્રીના સુમારે સારસા ગામની ઘોડાપુરા સીમમાં આવેલા એક રહેણાંક મકાનમાં છાપો મારીને વિદેશી દારૂની ૩૦૦ પેટી સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો જો કે વિદેશી દારૂ ઉતારનાર મુખ્ય શખ્સ ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો. પોલીસે ૧૧.૩૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને પ્રોહિબિશન ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે. 

મળતી વિગતો અનુસાર આણંદ જિલ્લામાં ગઈકાલે નાઈટ પેટ્રોલીંગ કરી રહેલા આરઆર સેલના જવાનોને ગુપ્ત હકિકત મળી હતી કે, સારસા ગામની ઘોડાપુરા સીમમાં રહેતા સંજયભાઈ ભગવાનસિંહ ચૌહાણના ઘરે મોટાપાયે વિદેશી દારૂનો જથ્થો ઉતાર્યો છે. સીમ વિસ્તારમાં ખેતરોની વચ્ચે આવેલા મકાનમાં છાપો મારવા માટે વધુ પોલીસ કુમકની જરૂરત પડતાં રેન્જ આઈજીપી એ. કે. જાડેજાએ એલસીબી અને સ્થાનિક પોલીસને મદદે જવા હુકમ કરતાં પોલીસની સંયુક્ત ટીમે છાપો માર્યો હતો જેમાં સંજયના ઘરની બાજુમાં બેઠેલો મુખ્ય સુત્રધાર મહાવીરસિંગ ખેતરાળ માર્ગે ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો. 

પોલીસે સંજયના ઘરની તલાશી લેતાં અંદરથી વિદેશી દારૂની બ્લુમુન જીનની ૩૦૦ પેટી મળી આવી હતી જેની કિંમત ૧૦.૮૦ લાખ થવા જાય છે. પોલીસે સંજયને ઝડપી પાડીને તેની પાસેથી મોબાઈલ ફોન, મહાવીરસિંગની વેગનઆર કાર મળીને કુલ ૧૧.૩૫ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને સંજયની પ્રાથમિક પુછપરછ કરતાં આ વિદેશી દારૂનો જથ્થો મહાવીરસીંગે મંગાવ્યો હતો અને ચીખોદરા, સામરખા અને વિદ્યાનગરના બુટલેગરોને સપ્લાય કરવાનો હતો. આ કબુલાતના આધારે પોલીસે આ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

(5:26 pm IST)