Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

અંગ્રેજી માધ્યમનું સૌથી વધુ ૭૭.૩૭ ટકા પરિણામ રહ્યું

ગુજરાતી માધ્યમનું પ૪.૦૩ ટકા પરિણામ : હિન્દી માધ્યમના વિદ્યાર્થીઓની સંખ્યા ચિંતાજનક ઘટી

ગાંધીનગર, તા.૩૧: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા માર્ચ ૨૦૧૮માં  લેવામાં આવેલી ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષાનુ પરિણામ આજે સવારે જાહેર કરવામાં આવ્યુ હતુ. પરિણામ  આજે ભારે ઉત્સુકતા વચ્ચે જાહેર કરવામાં આવ્યુ હતું. ગુજરાતનુ પરિણામ ૫૫.૫૫  ટકા જાહેર કરવામાં આવ્યુ છે. આ વખતે પણ અંગ્રેજી માધ્યમનું પરિણામ ગુજરાતી માધ્યમ કરતા વધારે રહ્યું છે. અંગ્રેજી માધ્યમનુ પરિણામ ૭૭.૩૭ ટકા રહ્યુ છે. જ્યારે ગુજરાતી માધ્યમનુ પરિણામ ૫૪.૦૩ ટકા રહ્યુ છે. છેલ્લા કેટલાક સમયથી વિદ્યાર્થીઓ કરતા વિદ્યાર્થીનિઓ વધારે નંબર મેળવી રહી છે.

આ પહેલા જ્યારે વિજ્ઞાન પ્રવાહનુ પરિણામ જાહેર કરવામાં આવ્યુ હતુ ત્યારે પણ અંગ્રેજી માધ્યમનું પરિણામ ૭૫.૫૮ ટકા રહ્યું  હતુ. જ્યારે ગુજરાતી માધ્યમનું પરિણામ ૭૨.૪૫ ટકા રહ્યું હતુ.  આ વખતે અંગ્રેજી માધ્યમમાં નોંધાયેલા કુલ વિદ્યાર્થીઓ પૈકી ૭૭.૩૭ ટકા વિદ્યાર્થીઓ પાસ થઇ ગયા છે. ગુજરાતી માધ્યમમાં પાસ થનાર વિદ્યાર્થીઓની ટકાવારી ઓછી રહી છે. ગુજરાતી અને હિન્દી માધ્યમના વિદ્યાર્થીઓની સંખ્યા એકબાજુ ઘટી રહી છે. સાથે સાથે પરિણામ પણ અંગ્રેજી માધ્યમ કરતા ઓછુ જાહેર થઇ રહ્યુ છે. હિન્દી અને અંગ્રેજી માધ્યમને પ્રોત્સાહન આપવાની તાકીદની જરૂરિયાત દેખાઇ રહી છે. ગુજરાતી અને હિન્દી માધ્યમ અંગે જ્ઞાન વિદ્યાર્થીઓને પુરતા પ્રમાણમાં રહે તે જરૂરી છે. હિન્દી ભાષાના જાણકાર લોકો અને સરકાર દ્વારા પણ હિન્દીને મહત્વ આપવામાં આવી રહ્યુ હોવા છતાં આ માધ્યમના વિદ્યાર્થીઓ ચિંતાજનક રીતે ઘટી રહ્યા છે. કેટલીક સ્કુલો તો હવે ઘટતા જતા વિદ્યાર્થીઓ વચ્ચે હિન્દી માધ્યમને બંધ કરવાની દિશામાં પણ આગળ વધી રહી છે. જે વધારે ચિંતા ઉપજાવે તેવી સ્થિતી છે.

(1:11 pm IST)