Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

જગદીશ પટેલ-અનંત પટેલ માફક વધુ પોલીસ અધિકારી પર સીઆઈડી રૂપી વાવાઝોડુ ત્રાટકશે

એસ.પી.એ આદેશ કરવા છતા સંબંધક પોલીસ અધિકારીઓએ ગુન્‍હો દાખલ જ કર્યો ન હોવાનુ બહાર આવતા ખળભળાટઃ બીટકોઈન્‍સ બાદ હવે કરજણનું કરોડોનું જમીન કૌભાંડ પોલીસ માટે પનોતી રૂપ

રાજકોટ, તા. ૩૧ : સુરતના વિવાદાસ્‍પદ બિલ્‍ડર શૈલેષ ભટ્ટના અપહરણ તથા બીટકોઈન્‍સ પડાવી લેવાના મામલાની સાથોસાથ બીટકોઈન્‍સ પાર્ટ-૨ કે જેમાં ધવલ માવાણી અને પિયુષ સાવલીયાના અપહરણનો આરોપ જેના પર મુકાયો છે તેવા શૈલેષ ભટ્ટ તથા કંપની સામેની ચોંકાવનારી ફરીયાદ બાદ સીઆઈડી વડા આશિષ ભાટીયાના માર્ગદર્શનમાં જે જમીનમાં સાધુ-સંતોના નામ ચમકયા હતા અને જે જમીનની ફરીયાદમાં ઉચ્‍ચ કક્ષાના અધિકારીઓના આદેશને તાબાના અધિકારીઓ ઘોળીને પી ગયાના ચકચારી મામલાની તપાસ સીઆઈડીની સુપ્રત થતા હવે અમરેલીના પૂર્વ એસપી જગદીશ પટેલ તથા અમરેલીના પૂર્વ એલસીબી પીઆઈ અનંત પટેલ માફક વધુ કેટલાક પોલીસ ઓફિસરો પર સીઆઈડી રૂપી વાવાઝોડુ ત્રાટકે તો નવાઈ જેવું નહિ ગણાય તેમ સૂત્રો જણાવે છે.

વડોદરા પંથકના કરજણ ગામે આવેલી જમીન ફરીયાદીના આરોપ મુજબ શૈલેષ ભટ્ટે પોતે મંદિરનો ટ્રસ્‍ટી હોવાનું જણાવી સાધુ-સંતોના નામનો ઉપયોગ ખૂબી પૂર્વક કરી કરોડોની જમીનના સોદો કરી પાછળથી હાથ ઉંચા કરી દેવાયાનો આરોપ સોનેક્ષ પટેલ દ્વારા જે તે સમયે વડોદરા રૂરલના એ સમયના એસ.પી. સમક્ષ થયેલો.

વડોદરાના જે તે સમયના જિલ્લા પોલીસ વડા દ્વારા આ મામલાની તપાસ કરવા માટે કરજણ પોલીસ મથકને અરજી ફોરવર્ડ કરી ગુન્‍હો દાખલ કરવા આદેશ કરેલો. દરમિયાન ખૂબ જ લાંબો સમય થઈ જતા અને ફરીયાદ બાબતે કોઈ ચોક્કસ કાર્યવાહી ન થવાથી ફરીયાદીએ આરટીઆઈ દ્વારા પોલીસ તપાસનું સ્‍ટેટસ માગેલ. આરટીઆઈના જવાબમાં આવી કોઈ બાબતે તપાસ ચાલતી હોવાનો ધડાકો થતા ફરીયાદી હાલના એસપી સૌરભ તોલંબીયા પાસે દોડી ગયેલ.

વડોદરા જિલ્લા પોલીસ વડા પણ આવી ગંભીર બેદરકારીથી ચોંકી ઉઠયા હતા. તેઓએ તાત્‍કાલીક આ મામલાની તપાસ કરવા ફરીથી આદેશ કર્યો હતો. યોગાનુયોગ શૈલેષ ભટ્ટે હાઈકોર્ટમાં જઈ પોતે અમરેલીના પોલીસ ઓફિસરો સામે ફરીયાદ કરી હોવાથી તેનો બદલો લેવા વડોદરા ગ્રામ્‍યમાં ફરીયાદ થયાનો આક્ષેપ કરેલ. હાઈકોર્ટ દ્વારા શૈલેષ ભટ્ટ સામે કાર્યવાહી કરવા સ્‍ટે અપાયેલ પરંતુ ફરીયાદ બંધ કરવા કોઈ આદેશ થયો ન હતો.

વડોદરા રૂરલ એસપી તથા અન્‍ય સત્તાવાળાઓએ રાજ્‍યના પોલીસ વડા શિવાનંદ ઝાનું આ બાબતે ધ્‍યાન ખેંચતા તેઓએ હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી. બનાવની ગંભીરતા પારખી શિવાનંદ ઝાએ આ તપાસમાં એકસૂત્રતા જળવાઈ રહે તે માટે સીઆઈડી વડા આશિષ ભાટીયાના માર્ગદર્શનમાં આ તપાસ કરાવવા નિર્ણય કર્યો હતો. સમગ્ર મામલામાં જે રીતે ભયંકર બેદરકારી રાખવામાં આવી છે તે જોતા વધુ પોલીસ ઓફિસરો સીઆઈડીના પંજામાં સંકડાય તો નવાઈ નહિ.

કેવી કરૂણતાઃ ફરીયાદી સોનેક્ષ પટેલે વડીલની છત્રછાયા સાથે મિલ્‍કત ગુમાવી

રાજકોટઃ વડોદરા ગ્રામ્‍યના કરજણમાં ધાર્મિક સંસ્‍થા દ્વારા કરોડોની જમીન ખરીદવા માટે પોતાની જાતને ટ્રસ્‍ટી તરીકે ઓળખાવી સોદાઓ પાર પાડવાના મામલે આ બનાવના ફરીયાદી આરોપી શૈલેષ ભટ્ટની કહેવાતી માયાજાળમાં એ રીતે ફસાયા કે આર્થિક તંગીને કારણે તેઓએ પોતાનું ઘર અન્‍ય મિલ્‍કતો અને પરિવારના વડીલની છત્રછાંયા ગુમાવવાનો પ્રસંગ બન્‍યાનું સૂત્રો જણાવે છે

સાધુ-સંતોના નામ જે જમીનમાં ચમકયા છે તેની ફરીયાદ

આશિષ ભાટીયાના માર્ગદર્શનમાં કરાવવાની ભીતરમાં

એકસૂત્રતા જાળવવા માટે તપાસ સીઆઈડીનેઃ એસપી સૌરભ તોલંબીયા

રાજકોટ, તા. ૩૧ :. સાધુ-સંતોના નામો જે જમીન મામલે ચમકયા હતા તેવી કરજણની કરોડો રૂપિયાની જમીનના મામલાની તપાસ સીઆઈડી વડા આશિષ ભાટીયાના માર્ગદર્શનમાં કરાવવા પાછળ હાલમાં બીટકોઈન્‍સ મામલામાં સીઆઈડીએ જે રીતે કુનેહથી તમામ મામલો હેન્‍ડલ કરી અને પોલીસ ઓફિસરો તથા ખુદ ફરીયાદીને સકંજામાં લીધા તેનાથી રાજ્‍ય સરકાર ખૂબ જ પ્રભાવિત થયાનું સૂત્રો જણાવે છે.

દરમિયાન ફરીયાદી સોનેક્ષ પટેલે જેમની પાસે ગંભીર ફરીયાદ કરતા જ તાકીદે તપાસનો ધમધમાટ જેમણે શરૂ કરાવેલ અને જે તપાસ હાઈકોર્ટના આદેશના કારણે આરોપી સુધી ન પહોંચી શકી તેવા વડોદરાના કાર્યદક્ષ એસપી સૌરભ તોલંબીયાએ સીઆઈડીને તપાસ સુપ્રત થયાની બાબતને સમર્થન આપ્‍યુ છે. સીઆઈડી પાસે પણ આ પ્રકરણના ઘણા દસ્‍તાવેજ હોવાથી એકસૂત્રતા જાળવવા આ નિર્ણય સામુહિક રીતે ચર્ચા બાદ લેવાયાનું જણાવ્‍યુ હતું.

(12:09 pm IST)