Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

નવા પશ્ચિમ ઝોનના અમ્યુકોના ૧૭૦ પ્લોટો હાલ રામભરોસે

ગેરકાયદે દબાણો પણ દૂષણ સમાન બન્યા છેઃ ૧૭૦ પ્લોટો કમ્પાઉન્ડ વોલ વગરના કે પૂરતી સુરક્ષા કે ફેન્સીંગ વિનાના હોવાથી સલામતીને લઇને ગંભીર સવાલો

અમદાવાદ,તા. ૩૦: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તાવાળાઓની ગંભીર બેદરકારી અને ઉદાસીનતાના કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં ખુદ અમ્યુકોની માલિકીના પ્લોટો નધણિયાતાં અને લાવારિસ અવસ્થામાં પડી રહ્યા છે અને તેની પર ગેરકાયદે દબાણો, કાયમી દબાણ સહિતના દૂષણોનો ગંભીર ખતરો તોળાઇ રહ્યો છે. જો માત્ર શહેરના નવા પશ્ચિમ ઝોનની જ વાત કરીએ તો, નવા પશ્ચિમ ઝોનમાં જ આવા ૧૭૦ પ્લોટો કમ્પાઉન્ડ વોલ વગરના કે પૂરતી સુરક્ષા કે ફેન્સીંગ વિનાના હોવાથી આ પ્લોટોના કબ્જા અને સુરક્ષાને લઇ ગંભીર સવાલો ઉભા થયા છે. જો કે, અમ્યુકો દ્વારા આ સમગ્ર મામલે હજુ સુધી કોઇ નક્કર આયોજન કર્યું નથી. પરિણામે, અમ્યુકોના આ પ્લોટો પર ગેરકાયદે દબાણથી માંડી અસામાજિક તત્વો અને દબાણકર્તાઓના અડ્ડાનો ખતરો તોળાઇ રહ્યો છે. તાજેતરની સ્ટેન્ડિંગ કમિટીમાં નવા પશ્ચિમ ઝોનના ઈજનેર વિભાગ દ્વારા વેજલપુર, બોડકદેવ, થલતેજ, જોધપુર, ઘાટલોડિયા, ચાંદલોડિયા અને સરખેજ વોર્ડમાં આવેલા અંદાજે ૨૬ મ્યુનિસિપલ માલિકીના પ્લોટને પ્રિકાસ્ટ પેનલની કમ્પાઉન્ડ વોલથી સુરક્ષિત કરવા માટે એક દરખાસ્ત મુકાઈ હતી. સ્ટેન્ડિંગ કમિટીએ આ માટે રૂ.સાત કરોડના ટેન્ડરને મંજૂરી આપી હતી. પરંતુ શહેરભરમાં મ્યુનિસિપલ માલિકીના પ્લોટ પર કેટલાક અસામાજિક તત્ત્વો અને દબાણકર્તાઓ અડ્ડો જમાવીને બેઠાં છે. આવા પ્લોટને દબાણમુક્ત કરવા તંત્ર ઈચ્છાશક્તિના અભાવે લાચાર બન્યું છે. કેટલાક કિસ્સામાં કોર્ટમાં મામલો ગયો હોઈ તંત્ર દ્વારા ઓપરેશન ડિમોલિશનની કામગીરી હાથ ધરી શકાતી નથી. મ્યુનિસિપલ તંત્રમાં સૌથી મોટા ગણાતા નવા પશ્ચિમ ઝોનમાં પણ ખુલ્લા પ્લોટમાં દબાણની વર્ષો જૂની   સમસ્યા યથાવત્ જ રહી છે. આ ખુલ્લા પ્લોટોને પ્રિકાસ્ટ પેનલની કમ્પાઉન્ડ વોલથી સુરક્ષિત કરવાની દિશામાં આજે પણ અધકચરા પ્રયાસ થઈ રહ્યા છે. આધારભૂત વર્તુળોનું માનીએ તો, નવા પશ્ચિમ ઝોનમાં અમ્યુકોની માલિકીના કુલ ૩૯૧ પ્લોટ છે, જે પૈકી ૩૫૭ પ્લોટનો પૂર્ણ કબજો મ્યુનિસિપલ સત્તાવાળાઓ પાસે છે. હજુ ૩૪ પ્લોટ પર એક અથવા બીજા પ્રકારનાં દબાણ હોઈ પૂરેપૂરો કબજો તંત્ર ધરાવતું નથી. જ્યારે ખાલી પ્લોટને કમ્પાઉન્ડ વોલથી સુરક્ષિત કરવાની વિગત તપાસીએ તો કુલ ૧૫૭ પ્લોટ કમ્પાઉન્ડ વોલથી સલામત છે. બે પ્લોટના બેતૃતીયાંશ હિસ્સામાં ફેન્સિંગ કરાયું છે, પરંતુ કમ્પાઉન્ડ વોલ વગરના કુલ ૧૯૬ પ્લોટ પૈકી ૨૬ પ્લોટમાં રૂ.નવ કરોડના ખર્ચે કમ્પાઉન્ડ વોલ બનાવવાની શાસકોએ તાજેતરમાં મંજૂરી આપી હોવા છતાં હજુ ૧૭૦ પ્લોટ ગમે ત્યારે દબાણગ્રસ્ત થઈ શકે છે, જ્યારે પાર્ટ પઝેશનવાળા ૩૪ પ્લોટમાં પણ આજની સ્થિતિએ પણ કમ્પાઉન્ડ વોલની કોઇ શકયતા વર્તાતી નથી. ઈજનેર વિભાગની બેદરકારીથી ૨૧૨ પ્લોટમાં હજુ તંત્રની માલિકીનાં બોર્ડ લગાવાયાં નથી. માત્ર ૧૬૩ પ્લોટમાં આવાં બોર્ડ લગાવાયાં હોઈ આ બાબત પણ મ્યુનિસિપલ સત્તાવાળાઓની ગંભીર ઉદાસીનતા અને બેદરકારી ઉજાગર કરે છે.

(10:17 pm IST)