Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

વધુ ભાવ લેનાર વેપારીઓ સામે કઠોર કાર્યવાહી કરાશે

સસ્તા અનાજની દુકાનો પર આવતીકાલથી બંદોબસ્ત : પોલીસને માનવીય અભિગમો રાખીને કામગીરીની જરૂર

અમદાવાદ,તા. ૩૧ : આવતીકાલે તા.૧લી એપ્રિલથી રાજયભરની ૧૭ હજારથી વધુ સસ્તા અનાજની દુકાનો પરથી ગરીબ પરિવારો અને શ્રમિકોને વિનામૂલ્યે અનાજ અને પુરવઠા વિતરણ હાથ ધરાવાનું છે ત્યારે આવી સસ્તા અનાજની દુકાનો પર આવતીકાલથી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અને પેટ્રોલીંગ તૈનાત કરાશે એમ રાજયના ડીજીપી શિવાનંદ ઝાએ જણાવ્યું હતું. સાથે સાથે અમદાવાદ શહેર સહિત રાજયભરમાં કોરોનાના કહેર અને લોકડાઉનની સ્થિતિ વચ્ચે કેટલાક વેપારીઓ કરિયાણાં અને આવશ્યક ચીજવસ્તુઓના વધુ ભાવો વસૂૂલી પ્રજાને લૂંટાતી હોવાની ફરિયાદો મળતાં ડીજીપીએ આ અંગે સાફ શબ્દોમાં ચેતવણી આપતાં જણાવ્યું હતું કે, કટોકટીના સમયમાં લોકો પાસેથી વધુ ભાવો લેનારા વેપારીઓ વિરૂધ્ધ આકરી કાર્યવાહી કરવામાં આવશે.

        તેમણે રાજયના પ્રજાજનોને ફરી એકવાર ઘરોમાં જ રહેવા અને લોકડાઉનનું ચુસ્ત પાલન કરવામાં પોલીસને સહયોગ આપવાની અપીલ કરતાં ડીજીપી શિવાનંદ ઝાએ જણાવ્યું કે, લોકો માટે લોકડાઉનનો સમય મુશ્કેલ છે,  પરંતુુ કોરોનાની વૈશ્વિક મહામારીથી બચવાનો સરળ અને સીધો ઉપાય છે. કૃષ્ણનગર પીઆઇ વી.આર.ચૌધરીને કૃષ્ણનગર ઉત્તમ નગર કેનાલ પાસે નિર્દોષ શાકભાજીવાળાની લારીઓ ઉઁધી પાડી દેવાના બનાવની ગંભીર નોંધ લઇ ડીજીપી ઝાએ સ્પષ્ટ કર્યું હતું કે, પોલીસને વર્દી મળી ગઇ તેનો મતલબ એ નથી કે, ગમે ત્યાં દાદાગીરી કરતા ફરે. લોકડાઉનના આ સમયમાં પોલીસે પણ માનવીય અભિગમ અપનાવી સંયમ સાથે ફરજ નિભાવવાની રહેશે. પોલીસ પ્રજા સાથે સારો વ્યવહાર કરશે તો જ પોલીસને ઇજ્જત મળશે.

        તેમણે પ્રજાને પણ પોલીસ સાથે સંવેદનશીલતાથી વર્તવા અપીલ કરી હતી. ડીજીપીએ રાજયમાં લોકડાઉઉનનો ભંગ કરી રહેલા લોકોને બક્ષાશે નહી તેવી પણ સ્પષ્ટ ચીમકી આપતાં જણાવ્યું કે, હજુ પણ લોકો કારણ વિના ઘરોની બહાર નીકળી લોકડાઉનનો ભંગ કરી રહ્યા છે. લોકો કારણ વિના ઘરોની બહાર લટાર મારવા નીકળી રહ્યા હોવાની ફરિયાદો મળી રહી છે પરંતુ પોલીસ આવા કિસ્સાઓમાં સહેજપણ હળવાશ નહી દાખવે અને આવા તત્વોની વિરૂધ્ધ કડકાઇથી કાર્યવાહી કરવામાં આવશે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે, લોકડાઉન મુદે સોશ્યલ મીડિયામાં અફવા કે ખોટી વાતો ફેલાવનારા તત્વો વિરૂધ્ધ પણ આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. શહેરી વિસ્તારોમાં લોકો હજુ લોકડાઉનને હળવાશથી લઇ રહ્યા છે અને સોશ્યલ ડિસ્ટન્સીંગનો પણ જાગૃતતા સાથે અમલ થઇ રહ્યો નથી,

         જે ગંભીર અને કોરોનાનો ચેપ ફેલાવવા માટે ખતરનાક સાબિત થઇ શકે એમ છે. તેમણે ઉમેર્યું કે, પોલીસ દ્વારા અમદાવાદ શહેર સહિત રાજયભરમાં ડ્રોન અને સીસીટીવીની મદદથી બાજ નજરો રાખી રહી છે. ખાસ કરીને શહેર સહિત રાજયભરમાં લોકો હજુ પણ લોકડાઉન દરમ્યાન સોસાયટીઓ, શેરી-મહોલ્લાના કોમન પ્લોટમાં એકત્ર થાય છે અને ભીડભાડમાં  બેસતા હોવાનું પોલીસના ધ્યાન પર આવ્યું છે, તેથી સોસાયટી કે શેરી-મહોલ્લાના કોમન પ્લોટમાં કે નાકે ભેગા થતા લોકો વિરૂધ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

(9:54 pm IST)