Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

નિકોલ ખાતે ખોટી દબંગાઇ બતાવનાર પીઆઇ સસ્પેન્ડ

કારણવિના શાકભાજી લારીઓ ઉંધી વાળી દીધી : લોકડાઉનમાં સંયમ ગુમાવનારા પીઆઇ વિરૂદ્ધ ડીજીપીની શિક્ષાત્મક કાર્યવાહી : તપાસના પણ આદેશો આપી દેવાયા

અમદાવાદ,તા. ૩૧ : લોકડાઉનના અમલ વચ્ચે અમદાવાદ પોલીસની દાદાગીરીનો વીડિયો સામે આવ્યા બાદ જવાબદાર પોલીસ કર્મચારી સામે કાર્યવાહી કરાઇ છે. શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં કોઇપણ કારણ વિના શાકભાજીની લારી ઉંધી વાળનારા પોલીસ ઇન્સ્પેકટર વી.આર.ચૌધરીને ડીજીપી શિવાનંદ ઝા દ્વારા તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા હતા. એટલું જ નહી, ડીજીપી શિવાનંદ ઝાએ સમગ્ર મામલામાં તાસના આદેશો પણ જારી કર્યા છે. જેને લઇ શહેર પોલીસતંત્રમાં ભારે ફફડાટની લાગણી ફેલાઇ ગઇ છે. ઉલ્લેખનીય છે કે, ડીજીપી શિવાનંદ ઝાએ લોકડાઉન દરમ્યાન ભારે સંયમ અને માનવીય અભિગમ સાથે વર્તવા પોલીસને ગઇકાલે જ સૂચના આપીપ હતી તેમછતાં આજે શહેરના કૃષ્ણનગર ઉત્તમનગર કેનાલ વિસ્તારમાં પોલીસે ભીડ વગર પણ શાકભાજીની લારીઓ ઊંઘી પાડી દીધી હતી.

        શાકભાજી વેચતા ગરીબો પર પોલીસ કર્મચારી તૂટી પડ્યો હતો. પોલીસે દાદાગીરીની સાથે શાકભાજી ભરેલી આખી લારી ઉંધી વાળી દેતો આ વીડિયો સામે આવ્યા બાદ અમદાવાદ પોલીસે જવાબદાર પોલીસકર્મી સામે કાર્યવાહી હાથ ધરી છે. વીડિયો વાયરલ થયા બાદ અને સમગ્ર વિવાદ વકરતાં ડીજીપી શિવાનંદ ઝાએ તાત્કાલિક અસરથી કૃષ્ણનગર પીઆઇ વી. આર. ચૌધરીને સસ્પેન્ડ કરી દીધા હતા અને સમગ્ર પ્રકરણમાં તપાસના આદેશો આપ્યા હતા. દેશવ્યાપી લોકડાઉન વચ્ચે સરકારે જીવનજરૂરી વસ્તુઓ લોકોને મળતી રહે તે માટે સેફ ડિસ્ટન્સ જાળવી લોકોને વેચાણ માટેની છુટ્ટી આપી છે.

        શાકભાજી એ જીવન જરૂરી વસ્તુ છે ખેડૂતો પણ પોતાના શાકભાજી બજારમાં મોકલી શકે તો એક સળંગ ચેઈન જળવાઈ રહે છે. પરંતુ લોકડાઉનના કડક અમલવારીના બહાને કેટલાક વિસ્તારોમાં પોલીસની આબરુને ધજાગરા ઉડાવે તેવી દાદાગીરીનો વિડિયો લોકોમાં ઓ ફરતો થયો હતો. એકબાજુ સરકાર લોકોને જીવનજરૂરિયાતની વસ્તુઓ મળી રહે તે માટે સતત વ્યવસ્થા કરી રહી છે. લોકડાઉનના અમલમાં પોલીસો દ્વારા બળજબરી કરાઈ રહી હોવાના પણ વીડિયો વાયરલ થઈ રહ્યા છે. શહેરના કૃષ્ણનગર ઉત્તમનગર કેનાલ વિસ્તારમાં ગરીબ ફેરિયાઓને ચોક્કસ અંતર જાળવીને શાકમાર્કેટ વિસ્તારમાં એક જ જગ્યાએ ઊભા રહીને વેચાણ કરી રહ્યા હતા છતાં પોલીસ પોતાની તાકાત બતાવીને જાણે શૂરાતન પૂરવાર કરી રહી હોય તેમ ગરીબોની લારીઓ ઊંધી વાળી દીધી હતી. લોક ડાઉનના અમલ વચ્ચે અમદાવાદ પોલીસની દાદાગીરીનો વીડિયો વાયરલ થતાં આખરે પીઆઇ વીઆર ચૌધરીને ખોટી દબંગાઇ બતાવવી ભારે પડી હતી. ડીજીપીની શિક્ષાત્મક પગલાને પગલે શહેર પોલીસ તંત્રમાં ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી.

(9:53 pm IST)