Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

નર્મદામાં ડ્રોન સર્વેલન્સથી વધુ ત્રણ સ્થળો પર પોલીસે જાહેરમાં બેઠેલા લોકો સામે ગુના નોંધ્યા

વાહન ડિટેનમાં આરટીઓના મેમો અપાતા વાહન છોડાવવામાં મુશ્કેલી :કોરોના વાયરસ સંદર્ભે નર્મદા જિલ્લાના નાગરિકોને જિલ્લા પોલીસ અધિક્ષક હિમકર સિંહ તરફથી જાહેર અપીલ

(ભરત શાહ દ્વારા)-રાજપીપળા : કોરોના ના કહેર વચ્ચે લોકડાઉનમાં નર્મદા પોલીસ ખડે પગે કામ કરી રહી છે. ત્યારે રાજપીપળા સહિત જિલ્લાના મોટા સ્થળો પર લોકો બહાર નીકળી પડે છે.અથવા સોસાયટીમાં ટોળે વળીને બેસી રહે છે જોકે આપણે ૧ મીટરનું અંતર રાખવાનું છે.

             એટલે પોલીસે હવે ડ્રોન સર્વેલન્સ થી સોસાયટીઓમાં બેઠેલા લોકોને ઝડપી રહી છે. આ સાથે નર્મદા જિલ્લાના તમામ નાગરિકોને બહાર ન નીકળવા જિલ્લા પોલીસ વડા હિમકર સિંહે પણ જનતા ને અપીલ કરી છે. કે દેશમાં લોકડાઉન કરવામાં આવેલ છે અને નર્મદા જિલ્લામાં સી.આર.પી.સી. કલમ 144 નો અમલ ચાલુ છે. જે અન્વયે નર્મદા જિલ્લાના તમામ નાગરિકોએ પોતાના રહેણાંક સ્થળના બગીચામાં, સોસાયટીના પાર્ટી પ્લોટમાં કે અન્ય જાહેર સ્થળો ઉપર નાગરિકોએ ભેગા થવું નહી અને પોતાના ઘરમાં જ રહી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ જાહેરનામાનું ચૂસ્તપણે પાલન કરવું. તેમજ હાલ નર્મદા જિલ્લાના તમામ વિસ્તારમાં સી.સી.ટીવી. કેમેરા તેમજ ડ્રોનની મદદથી બાઝ નજર રાખવામાં આવી રહી છે. જેથી વિડીયો અને ફોટોગ્રાફની અંદર જાહેરનામાનો ભંગ થયાનું જણાઇ આવશે, તો તેવા નાગરિકો વિરૂધ્ધ સીઆરપીસી-144 કલમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.અત્યાર સુધી ડ્રોન સર્વેલન્સ થી નર્મદા પોલીસે અત્યાર સુધી ત્રણ ગુના નોંધ્યા છે.

            એકતરફ લોક ડાઉન હોવા છતાં અમુક વ્યક્તિઓ બહાર ફરતા હોય ત્યારે પોલીસ કડક કાર્યવાહી કરે એ જરૂરી છે પરંતુ વાહન લઈ ફરતા વ્યક્તિઓના વાહન ડિટેન  કરી કોર્ટના મેમો પકડાવતા હાલ વાહન છોડાવવું મુશ્કેલ બન્યું હોવાની બુમ ઉઠી હોય ત્યારે આ બાબતે જીલ્લા પોલીસ વડા હિમકર સિંહે જણાવ્યું કે કોર્ટ બંધ છે માટે આરટીઓ ના મેમાં અપાય છે માટે આ બાબતે આરટીઓ માં કેવી વ્યવસ્થા છે એ ત્યાંજ ખબર પડે.પરંતુ કાયદાની ભંગ જણાશે ત્યાં પોલીસ પગલાં લેશે.

(7:43 pm IST)