Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

અમદાવાદની સિવિલ હોસ્પિટલ-કિડની હોસ્‍પિટલમાં પ્રવેશતા પહેલા ૩૦ સેકન્ડ સુધી સેનેટાઇઝરનો છંટકાવ

અમદાવાદ: અમદાવાદ સિવિલમાં આવેલી કિડની હોસ્પિટલમાં કોરોનાથી બચવા માટે અનોખી પહેલ કરવામાં આવી છે. કિડની હોસ્પિટલના મુખ્ય દરવાજા પર અનોખી કિડની ટનલ બનાવાઈ છે. કિડની હોસ્પિટલમાં પ્રવેશતા પહેલા અહીં આવનાર દરેક વ્યક્તિએ પહેલા ટનલમાંથી પસાર થવાનું રહેશે. આ ટનલમાં સેનેટાઇઝરનો ખાસ પ્રકારના સ્પ્રે માણસો પર થાય છે. 30 સેકન્ડ સુધી માણસો પર સેનેટાઇઝરના છંટકાવ બાદ જ વ્યક્તિ કિડની હોસ્પિટલમાં પ્રવેશ કરી શકે છે.

આગામી દિવસોમાં કોરોનાના કેસ વધે તો કિડની હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ પણ તૈયાર કરાયો છે. આ પ્રકારની પહેલ આગામી દિવસોમાં બીજી કેટલીક હોસ્પિટલ, સરકારી કચેરીઓ તેમજ ભવિષ્યમાં સ્કૂલ તેમજ કોલેજમાં જોવા મળે તો નવાઈ નહિ. કિડની હોસ્પિટલમાં હાલ આવી રહેલા તમામ કર્મચારીઓ, તમામ દર્દી તેમજ સ્વજનોને ઇન્ફેક્શન ફ્રી થયા બાદ જ અંદરની તરફ એન્ટ્રી આપવામાં આપવામાં આવી રહી છે. ઈન્ફેક્શન ફ્રી થયા બાદ તકેદારીના ભાગરૂપે તમામના ટેમ્પરેચરની પણ ચકાસણી કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, જો કોરોનાનો ચેપ અંદર રહેલા કિડનીની સારવાર લઈ રહેલા દર્દીઓને લાગે તો પરિસ્થિતિ કાબૂ બહાર જઈ શકે છે. આવામાં કિડની હોસ્પિટલ દ્વારા પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે.

(4:21 pm IST)