Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

રેશનની દુકાનમાં તા.૧ થી૩ એપ્રિલ સુધી અનાજનું વિતરણ કરવાનું રહેશે

દુકાનમાં સરકારે નિયુકત કરેલા ચાર કર્મચારી સહિત સાત જણાની હાજરીથી કલમ-૧૪૪નો ભંગ થઇ શકે છે

અમદાવાદ,તા.૩૧: રાજ્ય સરકાર દ્વારા રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા હેઠળ આવરી લેવાયેલા લાભાર્થીઓને આવતી કાલથી શરૂ થનારા એપ્રિલ મહિનામાં ફુડ બાસ્કેટ તરીકે ઘઉં, ચોખા, ચણા,દાળ, ખાંડ તથા મીઠુ મફતમાં અપાશે. જો કે  સરકાર દ્વારા તા.૧ થી ૩ એપ્રિલ એમ ત્રણ દિવસમાં તમામ રેશનની દુકાનોમાંથી સો ટકા જથ્થો વિતરણ કરવાનો આદેશ અપાયો છે.

રાજ્ય સરકાર દ્વારા બહાર પડાયેલા પરિપત્ર મુજબ આવતી કાલથી સવારે ૮ વાગ્યાથી રાતના ૮ વાગ્યા સુધી વાજબી ભાવની દુકાન ખુલ્લી રાખી લાભાર્થી રેશનકાર્ડ ધારકોને સુચના મુજબ જથ્થાનું મફતમાં વિતરણ કરવાનું રહેશે. રેશનનો જથ્થો વિતરણ કરતી વખતે એક શિક્ષક, એક પોલીસ જવાન અને એક એનજીઓના પ્રતિનિધિ હાજર રહેશે. ઉપરાંત દરેક દુકાનના રેશનકાર્ડ ધારકોને ટાઇમ સ્લોટ અને તારીખ ફાળવી તેની સ્લિપ આપવાની રહેશે.

કેન્દ્ર સરકારની સોશિયલ ડિસ્ટન્સ અંગેની ગાઇડલાઇન મુજબ એક મીટરનું અંતર જળવાઇ તે મુજબ લાભાર્થીને ઉભા રહેવા દરેક રેશનની દુકાન બહાર ૫૦ જેટલાં સર્કલ દોરવાના રહેશે. વિતરણ સમયે દુકાનમાં ભીડ ન થાય, સોશિફલ ડિસ્ટન્સ જળવાય તે માટે સરકારી કર્મચારીની નિયુકિતનો આદેશ કરાયો છે. દરમિયાન આ પરિપત્રના કારણે અનાજના વિતરણ વખતે દુકાનદાર તેનો તોલાટ એમ કુલ સાત જણા એકઠાં થશે. આ ઉપરાંત જે રેશનકાર્ડ ધારકો પુરવઠો મેળવવા દુકાને આવશે. અને જે ભીડ એકત્ર થશે તેનાથી કોરોનાના શંકાસ્પદ દર્દીની સંખ્યામાં વધારો થવાની દહેશત ઊભી થઇ છે. આના કારણે કલમ-૧૪૪નો ભંગ થવાની પણ શકયતા છે. આ ઉપરાંત અનાજનું વિતરણ ૭૨ કલાકમાં ઠરાવના આદેશથી દુકાનદારો અને કાર્ડધારકો વચ્ચે ઘર્ષણની સ્થિતિ નિર્માણ થવાની સંભાવના છે.

આ દરમિયાન રેશનીંગ દુકાનોમાં અત્યારથી રેશન અંગેની પુછપરછ વધી ગઇ હોઇ અમુક સ્થળે દુકાનદારો સાથે વાદવિવાદ ઉભા થઇ રહ્યા છે.

(3:29 pm IST)