Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

લગ્ન સમારંભો ધડાધડા રદ : સબંધિત ધંધાર્થીઓની મોસમ બગડી

વાડી-હોલ, પાર્ટી પ્લોટ ખાલીઃ કેટરર્સ, મંડપ, ભૂદેવો, બેન્ડવાજા, બ્યુટી પાર્લર વગેરેના બુકીંગ રદ : લગ્નોત્સવની ખરીદીના નામે ધબડકો

રાજકોટ, તા. ૩૧ ­:. દેશવ્યાપી કોરોનાની અસર સામાજિક ક્ષેત્રે પણ પડી છે. લગ્નોત્સવ માટે મહત્વના ગણાતા ચૈત્ર, વૈશાખમાં નક્કી થયેલા લગ્નોત્સવ પૈકી સંખ્યાબંધ લગ્નોત્સવ કોરોનાના કારણે મોકુફ રહ્યા છે અથવા ભપકાદાર આયોજનમાંથી સંપૂર્ણ સાદગીપૂર્ણ આયોજન થઈ ગયા છે. લગ્નોત્સવનો નવો તબક્કો ૧૬ એપ્રિલથી શરૂ થાય છે. ૧૪ એપ્રિલ સુધી લોકડાઉન છે. ૧૪ એપ્રિલ પછી અને મે મહિનામાં કેવી સ્થિતિ હશે ? તે અત્યારે કહેવુ મુશ્કેલ છે તેથી લગ્નના ઘણા આયોજકોએ લગ્ન સમારંભો ધડાધડ રદ્દ કર્યા છે. લગ્નોત્સવ સાથે સંકળાયેલા ધંધાર્થીઓની ધંધાની મોસમ બગડી ગઈ છે. જો કોરોનાનો સમય લંબાશે તો આવા ધંધાર્થીઓની કમાણીની આશા પર સંપૂર્ણ પાણી ફરી વળશે. એપ્રિલમાં તા. ૧૬, તા. ૨૬ (અખાત્રીજ) અને તા. ૨૭ તથા મે મહિનામાં તા. ૨, ૫, ૬, ૮, ૧૪, ૧૭, ૧૮, ૧૯ તેમજ જૂન મહિનામાં તા. ૧૧, ૧૪, ૧૫, ૨૫, ૨૯ અને ૩૦ના રોજ લગ્નોત્સવના શુભ મુહુર્તો છે. એપ્રિલમાં જે પરિવારમાં લગ્નોત્સવ હોય ત્યાં અત્યારે કંકોત્રી લખવાની અને ખરીદી સહિતની તૈયારી ચાલતી હોય તે સ્વભાવિક છે પરંતુ લોકડાઉનના કારણે બધી તૈયારી સ્થગિત થઈ ગઈ છે. વેપાર-ધંધા બંધ હોવાથી તેની સીધી અસર લગ્નોત્સવના ખર્ચ પર પડશે.

કેટલાય પરિવારોએ લગ્નોત્સવ મોકુફ રાખવાનુ અથવા સંપૂર્ણ સાદગીથી યોજવાનું નક્કી કરી લીધુ છે. વાડી, હોલ, પાર્ટી પ્લોટના એપ્રિલના બુકીંગ રદ્દ થવા લાગ્યા છે. લગ્નોત્સવ સાથે સંકળાયેલા કેટરીંગ, મંડપ, સુશોભન, બસ, મોટર, બ્યુટી પાર્લર, ભુદેવો વગેરેના બુકીંગ પણ રદ થવાના માર્ગે છે. મુખ્ય ધંધાર્થીઓ ઉપરાંત તેની સાથે સંકળાયેલા કર્મચારીઓ અને શ્રમજીવીઓએ પણ કમાણીની મોસમની નિષ્ફળતાનો સામનો કરવો પડશે. લગ્ન નિમિતે કરીયાણુ, કાપડ, તૈયાર કપડા, ઝવેરાત વગેરેની ખરીદીના નામે ધબડકો થઈ ગયો છે. અમુક પરિવારો હજુ આગળની સ્થિતિ જોઈને મે, જૂનના લગ્નોત્સવ યથાવત રાખવા કે મોકુફ રાખવા તે બાબતે નિર્ણય લેવા માગે છે. કોરોનાએ લગ્નના યજમાન પરિવારો અને પ્રસંગ સાથે સંકળાયેલા તમામ ધંધાર્થીઓની આશા સામે મોટો પ્રશ્નાર્થ લગાવી દીધો છે.

(12:57 pm IST)