Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

સુરતમાંથી હજારો પરપ્રાંતીય મજુરોની હિજરત અટકતા ગાંધીનગરે નિરાંતનો શ્વાસ લીધો

નાની ઓરડીમાં ૭-૭ લોકોને ર૪ કલાક ભુખ્યા-તરસ્યા રહેવુ દુષ્કર બનેલઃ ઘરમાં નાણાના વાંકે દુરથી પણ વસ્તુ મેળવી શકતા ન હતાઃ ઓરડીઓ પણ ખાલી કરાવવા દબાણ થતુ હતું : કલેકટર ધવલ પટેલે કારખાનેદારોને ગરીબ મજુરોને પગાર ચુકવવા તાકીદ કરીઃ પોલીસ કમિશ્નર આર.બી.બ્રહ્મભટ્ટ અને એડીશ્નલ પોલીસ કમિશ્નર એચ.આર.મુલીયાણાએ મોટી રકમના ચુકવણા માટે આજથી ૩ દિ' પોલીસ બંદોબસ્ત આપવાનો નિર્ધાર કર્યોઃ મ્યુનિસીપલ કમિશ્નર બંછાનીધી પાનીએ સ્કુલોમાં ટેમ્પરરી રહેવા-જમવા વિગેરેની સુવિધા આપતા અંતે શ્રમીકોએ હિજરત ન કરવા સહમત થયા

રાજકોટ, તા., ૩૧: સુરતની ૬૦ થી ૬પ લાખની વસ્તીમાં પાંડેસરા નામના વિસ્તારમાં ૩ાા લાખથી ૪ લાખ લોકોની વસ્તી છે જેમાં મોટા ભાગના શ્રમીકો અને મજુરો છે, તેઓ ઉતરપ્રદેશ, મહારાષ્ટ્ર અને બિહારના વતની છે. સ્વભાવિક રીતે તેઓ જોઇએ તેટલા જાગૃત ન હોય. કોરોના વાયરસ સંદર્ભે નાની ઓરડીમાં પ થી ૭ મેમ્બરો રહેતા  હોય છે. એટલે ર૧ દિવસના લોકડાઉન દરમિયાન નાની ઓરડીમાં પ થી ૭ સભ્યોએ આખો દિવસ પસાર કરવો અને તે પણ ભોજન કે બીજી સુવિધા વગર તે બહુ કપરૂ થઇ પડે છે. તેઓના વતનમાંથી તેમના વડીલો એવા સંદેશા મોકલે છે કે છેલ્લે છેલ્લે વતનમાં આવો અમારે તમારા ચહેરા જોવા છે. બસ આવા સંદેશાઓના કારણે પાંડેસરા  વિસ્તારોના મજુરો આવકના વાંકે અને ખાવાના સાંસાના કારણે વાહન ન મળે તો પણ કતારોમાં બાઇક પર કે ચાલીને નિકળી પડયા હતા. આવા શ્રમીકોની હિજરત અટકાવવા અંતે સુરતના તંત્રએ મક્કમ કદમ ઉઠાવી આવા કર્મચારીઓને તેઓના કારખાનેદાર માલીકો પગાર ચુકવે તે માટે કલેકટરે ખાસ મીટીંગ કરી કડક સુચનાઓ  આપી છે.

પગારના વાંકે આર્થીક સંકડામણ ભોગવતા આવા શ્રમીકોને અટકાવી તેઓના જીવન સાથે અન્યોના જીવન પણ ખતરામાં ન મુકે તે માટે કારખાનેદારો આજથી ૩ દિવસ સુધી તેઓને રોકડમાં પગાર ચુકવે અને ચુકવણા દરમિયાન પોલીસ તંત્ર હાજર રહે તેવી ખાસ વ્યવસ્થા સુરતના પોલીસ કમિશ્નર રાજેન્દ્ર બ્રહ્મભટ્ટ ટીમ દ્વારા ગોઠવવામાં આવી છે. શ્રમીકોને રહેવા માટે તથા જમવા  વિગેરે સુવિધા મળી રહે તેવી વ્યવસ્થા સુરતના મ્યુનિસીપલ કમિશ્નર બંછાનીધી પાની દ્વારા ગોઠવવામાં આવી છે.

અત્રે યાદ રહે કે લોકો નાના બાળકો સાથે પાણીની ફકત એક બોટલ સાથે હજારોની કતારમાં નીકળી પડયા હતા. તંત્ર માટે આ સમસ્યા ખુબ પડકાર રૂપ બની હતી. આમ છતાં કુનેહથી કામ લઇ આવા વિસ્તારોમાં લોકોને જીવન જરૂરી વસ્તુઓ મળી રહે તે માટે તમામ વ્યવસ્થા ગોઠવી છે. તેમ સુરતના એડીશ્નલ પોલીસ કમિશ્નર એચ.આર.મુલીયાણાએ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

અત્રે યાદ રહે કે ખોટી અફવાઓ, ભુખ, તરસ અને પોતાના વતનમાંથી આવતા સંદેશાઓને કારણે જાગૃતતાના બદલે ભાવનાસીલ બની હિજરત કરવા નિકળી પડેલા આવા લોકોને અટકાવવાનો પ્રયાસ કરતા પોલીસ પર તથા પોલીસ વાનો ઉપર પથ્થરમારો કરેલ. આવા શ્રમીકોને રોકવામાં ન આવે તો તેઓ ઉપરાંત અન્ય લોકોના જીવ પર જોખમ હોવાથી  ટીયર ગેસના સેલ છોડી તેઓને રોકી લેવાયા હતા. તંત્રએ જરૂર જણાયે સખ્તાઇ વાપરવા સાથે આ શ્રમીકોને કોઇ જાતની તકલીફ ન પડે તે માટટે સુંદર આયોજન ગોઠવ્યું છે. જેની નોંધ ખુદ શ્રમીકોએ પણ લીધી છે. આમ ઉતર પ્રદેશ, મહારાષ્ટ્ર અને બિહાર વિ.સ્થળના આ મજુરોની હિજરત અટકતા ગાંધીનગરે નિરાંતનો શ્વાસ લીધો છે.

(12:55 pm IST)