Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

શ્રમજીવીઓના પથ્થરમારા મામલે ૯૬ લોકોની અટક

સુરત પોલીસે રાયોટીંગ સહિતના ગુના નોંધ્યા : પોલીસને ૨૬ ટીયરગેસના શેલ છોડવા ફરજ પડી હતી

અમદાવાદ,તા. ૩૦ :      સુરતના પાંડેસરાના વડોદ ગામથી પોતાના વતન યુપી જવા પગપાળા નીકળેલા ૮૦૦થી ૧૦૦૦ લોકોને પોલીસે અટકાવ્યા હતાં. જેનાથી ખિન્ન થયેલા શ્રમજીવીઓએ જોરદાર પથ્થરમારો થતાં પરિસ્થિતિ બેકાબૂ બની હતી. એક તબક્કે પોલીસને ટીયરગેસના ૨૬ શેલ છોડવાની ફરજ પડી હતી. શ્રમજીવીઓના પથ્થરમારાને પગલે સમગ્ર વાતાવરણ તંગ થઈ ગયું હતું. આજ સવારથી પોલીસ અને આરએએફ દ્વારા ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી અને  હાલ સંપૂર્ણ પરિસ્થિતી કાબૂમાં છે. પોલીસે આ સમગ્ર પ્રકરણમાં રાયોટીંગનો ગુનો દાખલ કરી ૯૬ લોકોની અટકાયત કરી હતી અને વધુ તપાસ હાથ ધરી છે. દરમ્યાન બીજીબાજુ, સુરત શહેરમાં કોરોનાનો વધુ એક દર્દી પોઝિટિવ નોંધાયો છે. યુએઈથી પરત ફરેલા યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવતા કોરોના પોઝિટિવના દર્દીઓનો આંકડો ૯ પર પહોંચ્યો છે. યુવકના સંપર્કમાં આવેલા પરિવારના ૪ સભ્યોને ક્વોરન્ટાઇન કરી સંપર્કમાં આવેલા અન્યોને ટ્રેસ કરવામાં આવી રહ્યા છે. જ્યારે વધુ ૧૨ શંકાસ્પદ દર્દીઓ સામે આવ્યા હતા. તેમજ ગઈકાલે નોંધાયેલા અને પેન્ડિંગ ૬ સહિત કુલ ૧૪નો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

            જ્યારે જિલ્લાના ૨ સહિત ૫ાંચ જણાંનો રિપોર્ટ હાલ પેન્ડિંગ છે. સુરત મનપા કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, તમામ પોઝિટિવ દર્દીના નામ, સરનામા મીડીયાના માધ્યમથી જાહેર કરવામાં આવશે. જેથી કે આ વ્યકતિના કોઇ સંપર્કમાં આવ્યા હોય તો તે લોકો ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૧૨૩ ૮૦૦૦ ઉપર પોતાની માહિતી આપે. જેથી તેમના હેલ્થની તપાસ થઇ શકે. આ ઉપરાંત અત્યાર સુધીમાં શહેરમાં ૫૦.૭૭ લાખના ડોર ટુ ડોર સર્વે સામે ૪૯ લાખનો સર્વે પૂર્ણ થઇ ગયો છે. ડોર ટુ ડોર સર્વેમાં સુરત ગુજરાતમાં પ્રથમ નંબરે છે. આજે ૧૦૫૦ સહિત અત્યાર સુધીમાં ૮ હજારથી વધુ સ્થળોએ ડીસ ઇન્ફેકશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

(9:43 pm IST)