Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

લોકડાઉન વચ્ચે કુલ ૧૪૧૭ ગુનાઓ દાખલ કરાયા : શિવાનંદ ઝા

૬૧૦૪ વાહનો જપ્ત કરવામાં આવ્યા : જાહેરનામા ભંગ કરવા બદલ ૮૭૭૩ લોકોની અટકાયત

અમદાવાદ,તા. ૩૦ : કોરોના વાયરસને રોકવા માટે એક પછી એક પગલા લેવાઈ રહ્યા છે. લોકડાઉનની સ્થિતિ વચ્ચે રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા પણ દરરોજ નવી નવી સૂચનાઓ આપી રહ્યા છે. રાજ્યના પોલીસ વડાનું કહેવું છે કે, જુદી જુદી ફરિયાદો મળી રહી છે તે મુજબ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહીની વિગત આપતા ઝાએ કહ્યું હતું કે, લોકડાઉન દરમિયાન જાહેરનામા ભંગના ૮૮૩, હોમક્વોરનટાઇન ભંગના ૩૯૪ તથા અન્ય મળી ૧૪૧૭ ગુના આજે દાખલ કરવામાં આવ્યા હતા. જે અંતર્ગત ૨૫૩૯ લોકોની અટકાયત કરાઈ છે. ૬૧૦૪ વાહનો જપ્ત કરાયા છે.  ખાલી શાક હાથમાં લઇને દેખાડો કરવા ઘરોની બહાર લટાર મારવા નીકળી રહ્યા હોવાની ફરિયાદો મળી રહી છે પરંતુ પોલીસ આવા કિસ્સાઓમાં સહેજપણ હળવાશ નહી દાખવે અને આવા તત્વોની વિરૂધ્ધ કડકાઇથી કાર્યવાહી કરવામાં આવશે.

          ડીજીપી શિવાનંદ ઝાએ વધુમાં ઉમેર્યું કે, ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકો હજુ લોકડાઉનને હળવાશથી લઇ રહ્યા છે અને સોશ્યલ ડિસ્ટન્સીંગનો પણ જાગૃતતા સાથે અમલ થઇ રહ્યો નથી, જે ગંભીર અને કોરોનાનો ચેપ ફેલાવવા માટે ખતરનાક સાબિત થઇ શકે એમ છે. લોકડાઉનનો કડકાઇથી અમલ કરાવવા માટે રાજયરભરની ૮૦થી ૯૦ પોલીસ કોરોના સંબંધિત કામગીરીમાં તૈનાત કરાઇ છે. લોકડાઉન દરમ્યાન જાહેરનામા ભંગના અત્યારસુધીમાં કુલ ૩૩૫૪ અને કવોરન્ટાઇન ભંગના ૧૭૭૪ ગુના નોંધવામાં આવ્યા છે. તો, ડ્રોન અને સીસીટીવીના માધ્યમથી લોકડાઉનનો ભંગ કરનારા લોકો સામે ૪૦થી વધુ ગુના દાખલ કરાયા છે. એટલે કે, રાજયભરમાં કુલ ગુનાનો આંક ૫૧૮૭ થયો છે.

           રાજયભરમાં અત્યારસુધીમાં આ તમામ ગુનાઓમાં કુલ ૮૭૭૩ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જયારે કુુલ ૧૪૮૮૬ વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. તેમણે ઉમેર્યું કે, પોલીસ દ્વારા અમદાવાદ શહેર સહિત રાજયભરમાં ડ્રોન અને સીસીટીવીની મદદથી બાજ નજરો રાખી રહી છે. ખાસ કરીને શહેર સહિત રાજયભરમાં લોકો હજુ પણ લોકડાઉન દરમ્યાન સોસાયટીઓ, શેરી-મહોલ્લાના કોમન પ્લોટમાં એકત્ર થાય છે અને ભીડભાડમાં  બેસતા હોવાનું પોલીસના ધ્યાન પર આવ્યું છે પરંતુુ તે પણ ગંભીર બાબત છે. આ પ્રકારે લોકો એકસાથે બેસે અથવા તો ટોળે વળે તો કોરોના વાયરરસનું સંક્રમણ કે તેના ફેલાવાની દહેશત વધી જાય છે. આ સંજોગોમાં સોસાયટીઓ, શેરીઓ-મહોલ્લામાં કોમન પ્લોટમાં પણ લોકોને એકત્ર કે ભીડભાડ નહી કરવા ડીજીપીએ સ્પષ્ટ તાકીદ કરી હતી. પોલીસ દ્વારા સોસાયટી કે શેરી-મહોલ્લાના કોમન પ્લોટમાં કે નાકે ભેગા થતા લોકો વિરૂધ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે. 

જુદી જુદી કાર્યવાહી.....

અમદાવાદ, તા. ૩૦ : સોશિયલ મિડિયાના દુરુપયોગને રોકવા વિવિધ પગલા લેવાઈ રહ્યા છે. લોકડાઉન દરમિયાન જાહેરનામાના સતત ભંગ થઇ રહ્યા છે જેની સામે પગલા લેવાઈ રહ્યા છે. લોકડાઉન દરમિયાન જુદી જુદી કાર્યવાહી અને પગલા નીચે મુજબ છે.

જાહેરનામા ભંગના કેસ.................................... ૯૮૩

હોમ ક્વોરનટાઈન ભંગના કેસ......................... ૩૯૪

કુલ ગુનાઓ દાખલ...................................... ૧૪૧૭

વ્યક્તિઓની અટકાયત કરાઈ........................ ૨૫૩૯

વાહનો જપ્ત કરાયા..................................... ૬૧૦૪

જાહેરનામા ભંગ બદલ હજુ સુધી ધરપકડ....... ૮૭૭૩

કુલ વાહનો જપ્ત કરાયા............................. ૧૪૮૮૬

રાજ્યમાં કુલ ગુનાનો આંક............................ ૫૧૮૭

(9:36 pm IST)