Gujarati News

Gujarati News

News of Saturday, 31st March 2018

એસટી : વિવિધ વિભાગોમાં ૨૮૨૮ એપ્રેન્ટિસ ભરતી થશે

તાલીમાર્થીઓને કારકીર્દી બનાવવાની તક મળશે : આઈટીઆઈ પાસેથી યાદી મંગાવી નિયમોનુસાર પ્રક્રિયા કરાશે : એપ્રેન્ટિસોની એપ્રિલ-ઓક્ટોબરમાં પસંદગી થશે

અમદાવાદ,તા.૩૧ : રાજ્યના યુવાનોને તેમની શૈક્ષણિક લાયકાત અને આવડત પ્રમાણે રોજગારી ઉપલબ્ધ કરાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. જેના ભાગરૂપે ગુજરાત એસ.ટી નિગમમાં વાહનોની મરામતની કામગીરી માટે વિવિધ વિભાગોમાં ૨૮૨૮ જેટલાં જુદા જુદા મિકેનીક ટ્રેડના ઉમેદવારોની તાલીમાર્થી એપ્રેન્ટિસ તરીકે ભરતી કરવામાં આવશે. જેનાથી તાલીમાર્થીઓને કારકીર્દી બનાવવાની ઉજ્જવળ તકો પ્રાપ્ત થશે. ગુજરાત એસટી નિગમના વાહનોના રોજિંદા મેઈન્ટેનન્સની તેમજ વાહનોના રીપેરીંગ અને મરામતની કામગીરી માટે જુદા-જુદા મીકેનીક ટ્રેડના ઉમેદવારોને તાલીમાર્થી એપ્રેન્ટિસ તરીકે તેમજ નિગમે નક્કી કરેલી ટેકનોલોજી જેવીકે, જીપીએસ, ઓનલાઈન બેકિંગ, આઈડીએમએસ, કોમ્પ્યુટરાઈઝડ કામગીરીને ધ્યાને લેતાં કેટલાંક વહીવટી ટ્રેડ જેવાકે, હિસાબી શાખા, આંકડા શાખા, ઈડીપી શાખામાં પણ તાલીમ આપી શકાય તેમ હોઈ, રાજ્ય સરકાર દ્વારા નિગમને મહેકમના ૧૦ ટકા પ્રમાણે જુદા-જુદા ટ્રેડમાં તાલીમાર્થી એપ્રેન્ટિસની ભરતી માટે મંજુરી આપવામાં આવે છે. આ સંદર્ભે નજીકના સમયમાં શક્યત આઈટીઆઈ પાસેથી તાલીમાર્થીઓની યાદી મંગાવી નિયમોનુસારની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જુદી-જુદી લોકલ આઈટીઆઈના સંપર્કમાં રહી નામો મેળવી નિગમના જુદા-જુદા વિભાગો ખાતે વર્ષમાં બે વખત એપ્રિલ અને ઓક્ટોબર માસમાં તાલીમાર્થી એપ્રેન્ટિસોની પસંદગી કરવામાં આવે છે. અન્ને ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્ય માર્ગ વાહન-વ્યવહાર નિગમના જુદા જુદા વિભાગો ખાતે ૧૬ વિભાગીય વર્કશોપ તેમજ ૧૨૫ ડેપોના માધ્યમથી આશરે ૭૦૦૦ હજાર જેટલી બસો અને ૪૦ હજાર જેટલા કર્મચારીઓના માધ્યમથી સંચાલન કરવામાં આવી રહ્યું છે, તેમ એસટી નિગમ અમદાવાદની યાદીમાં જણાવવામાં આવ્યું હતું.

(8:16 pm IST)