Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

દિલ્‍હીમાં ગણતંત્ર દિવસની પરેડમાં ગુજરાતના ટેબ્‍લોએ પબ્‍લિક પોલમાં નંબર 1 મેળવી ગુજરાતનું ગૌરવ વધાર્યુ

ગુજરાતની ‘ક્‍લિન-ગ્રીન ઉર્જાયુક્‍ત ગુજરાત' વિષય પર આધારીત ઝાંખીએ આકર્ષણ જમાવ્‍યુ

નવી દિલ્હીઃ 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસે દિલ્હીમાં કર્તવ્ય પથ પર પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરેડમાં વિવિધ રાજ્યો, કેન્દ્રીય મંત્રાલયો, ભારતીય સેના સહિત અન્ય ટેબ્લા જોવા મળ્યા હતા. જેમાં ગુજરાતનો ટેબ્લો પણ હતો. ગુજરાતની ''ક્લિન-ગ્રીન ઊર્જાયુક્ત ગુજરાત'' વિષય આધારિત સાંસ્કૃતિક ઝાંખીએ અનેક લોકોને આકર્ષિત કર્યાં હતા. ત્યારબાદ ક્યો ટેબ્લો સૌથી શ્રેષ્ઠ છે તેને વિજેતા બનાવવા માટે પબ્લિક પોલનો પણ સહારો લેવામાં આવ્યો હતો. હવે તેનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે.

પબ્લિક પોલમાં ગુજરાતનો ટેબલો નંબર-1

26 જાન્યુઆરીની પરેડ બાદ લોકોને જે ટેબ્લો કે ઝાંખી ગમી હોય તેના માટે ઓનલાઇન વોટિંગ શરૂ કરવામાં આવ્યું હતું. 25થી 28 જાન્યુઆરી સુધી પબ્લિક પોલ કરવામાં આવ્યો હતો. હવે આ પોલનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતનો ટેબ્લો ઓનલાઇન પબ્લિક પોલમાં પ્રથમ સ્થાને આવ્યો છે. પબ્લિક પોલમાં બીજા સ્થાને ઉત્તરપ્રદેશ (અયોધ્યા દીપોત્સવ) નો ટેબલો આવ્યો છે. જ્યારે ત્રીજા સ્થાને મહારાષ્ટ્રનો ટેબલો આવ્યો છે.

આ હતી ગુજરાતની ઝાંખીની થીમ

ગુજરાતની ''ક્લિન-ગ્રીન ઊર્જાયુક્ત ગુજરાત'' વિષય આધારિત સાંસ્કૃતિક ઝાંખીએ ઉપસ્થિત સૌમાં અનેરુ આકર્ષણ જન્માવ્યું હતું. કચ્છ-મોઢેરાની સાંસ્કૃતિક ઝલક અને સૌર-પવનઊર્જાના વિજ્ઞાનિક-તકનીકી અભિગમનું એકીકરણ કરીને પુનઃપ્રાપ્ય-હરિત અને શુદ્ધ ઊર્જાના નિર્માણ દ્વારા ઊર્જાક્ષેત્રે દેશ અને દુનિયાને નવી રાહ ચીંધવાનો ઝાંખી દ્વારા જે સુંદર પ્રયાસ કરવામાં આવ્યો છે, તેની અત્રે ઉપસ્થિત સૌએ દિલ ખોલીને પ્રશંસા કરી હતી.

ગુજરાતના ટેબ્લોમાં કચ્છમાં આકાર લઇ રહેલા વિશ્વનો સૌથી વિશાળ હાઈબ્રીડ રિન્યુએબલ એનર્જી પાર્ક, દેશનું સૌ પ્રથમ 24x7 સોલાર ઊર્જા મેળવતું મોઢેરા ગામ, PM-KUSUM યોજના થકી ખેડૂતોની ખુશહાલી અને કેનાલ રુફટોપથી થતા સૌરઊર્જાનું ઉત્પાદનની બાબતોને આવરી લેવામાં આવી હતી. આ સાથે કચ્છના ભાતીગળ પહેરવેશ, સફેદ રણ, રણના વાહન ઊંટ, પરંપરાગત ઘર - ભૂંગાની સાથે ગુજરાતની સંસ્કૃતિને પ્રદર્શિત કરતા ગરબાં નૃત્યોએ ઝાંખીમાં ચાર ચાંદ લગાવી દીધા હતા.

પેનલ જજ દ્વારા અપાયેલા પરિણામમાં આ રાજ્ય પ્રથમ નંબરે

પબ્લિક વોટ સિવાય જજની પેનલ દ્વારા પણ પરિણામ આપવામાં આવ્યું છે. જેમાં ઉત્તરાખંડ (માનસખંડ) નો ટેબ્લો પ્રથમ સ્થાને આવ્યો છે. જ્યારે મહારાષ્ટ્ર (શક્તિપીઠ અને નારી શક્તિ) નો ટેબ્લો બીજા ક્રમે આવ્યો છે. ત્રીજા સ્થાને ઉત્તર પ્રદેશ (અયોધ્યા દીપોત્સવ) નો ટેબ્લો છે.

(5:08 pm IST)