Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

સુરતમાં નાલંદા વિદ્યાલય પાસે નશો કરી મારામારી કરતા શખ્‍સોઃ સ્‍થાનિકોએ યુવકોની કાર ઝડપી પોલીસને હવાલે કર્યા

પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવાની માંગ કરતા સ્‍થાનિકો

સુરતઃ ગુજરાતમાં દારૂબંધીના ગમે એટલા દાવા કરવામાં આવતા હોય પરંતુ કાયદો માત્ર કાગળ પર છે. હવે તો રાજ્યમાં કેટલાક લોકો ડ્રગ્સનું સેવન કરતા પણ ઝડપાતા હોય છે. સુરતમાં નશાની એક ઘટના સામે આવી છે. સુરતના પુણા અને કાપોદ્રા વચ્ચે આવેલી નાલંદા વિદ્યાલ પાસે જાહેરમાં ઇન્જેક્શનથી કેટલાક ઈસમો નશો કરતો હોવાની ઘટના સામે આવી છે. આ ઉપરાંત દારૂનું સેવન અને મારામારી કરતા હોવાની ઘટના સીસીટીવી કેમેરમાં કેદ થઇ જવા પામી છે. સ્થાનિકોએ નશાખોર યુવકોની કાર ઝડપી પોલીસને સોપી છે

સુરતના પુણા અને કાપોદ્રા વચ્ચે આવેલી નાલંદા વિદ્યાલ પાસે જાહેરમાં ઇન્જેક્શન અને દારૂનું સેવન કરતા ઈસમો નજરે પડ્યા હતા. જેને લઈને ત્યાં સ્થાનિકો એકત્ર થતા નશાખોરો ભાગી છૂટ્યા હતા. સ્થાનિકોએ ત્યાં લાગેલા સીસીટીવી કેમેરા તપાસતા નશાખોરો અંદરોઅંદર મારામારી કરતા પણ સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. એટલું જ નહી 28મીએ રાત્રે 11 વાગે ડ્રગસના નશામાં યુવાનને ચપ્પુના ઘા પણ મરાયા હતા. લોકોએ કહ્યું 4-5 દારૂ પીતા યુવાનોને અમે જોયા છે, લોકો ભેગા થતા 100 નંબર પર કોલ કરતા જ નશાખોર યુવાનો ભાગી ગયા હતા.

કંટ્રોલમાં ફોન કર્યા બાદ 30 મિનિટે પોલીસ આવી હતી તેમજ નશાખોર યુવાનોની કાર લોકોએ જપ્ત કરી ક્રેઇન લાવી સોસાયટી વાસીઓ કાર પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. રહીશોની માંગ છે કે આ મામલે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે. સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં જોઈ શકાય છે કે અહી કેટલાક ઈસમો ભેગા થયા છે અને મારામારી કરી રહ્યા છે. પોલીસ દ્વારા આવા નશાખોર ઈસમો સામે કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે.

એક તરફ સુરત પોલીસ દ્વારાનો ડ્રગ્સ ઇન સુરત સીટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે તો બીજી તરફ ઇન્જેક્શનથી નશો કરતા યુવાનો ચિંતાનો વિષય પણ બન્યો છે. પોલીસ દ્વારા આ મામલે તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો હોવાની પણ માહિતી મળી છે.

(8:06 pm IST)