Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

અમદાવાદમાં ટીમ ઈન્ડિયા ૬માંથી ૪ ટી-૨૦ મેચો જીત્યું છેઃ કાલે ઠંડા પવનના જોર વચ્ચે સિરીઝનો અંતિમ મુકાબલો

રનોના ઢગલા થશે, હાર્દિક સેનામાં ફેરફાર શકય, ન્યુઝીલેન્ડની ટીમ બપોેરે અને ભારતની ટીમ સાંજે નેટ પ્રેકટીસ કરશેઃ અમદાવાદમાં જબરો ક્રિકેટ ફીવર

અમદાવાદઃ  ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે અમદાવાદમાં ક્રિકેટજગતના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવતીકાલે ટી-૨૦ શ્રેણીની આખરી અને નિર્ણાયક મેચ રમાવાની છે. ત્યારે એ દિવસે સ્ટ્રોન્ગ વિન્ડ રહેશે. એવી આગાહી હવામાન વિભાગે કરી છે. તો આજે ન્યુઝીલેન્ડની ટીમ બપોરે અને ભારતની ટીમ સાંજે નેટપ્રેકટીસ કરશે.

ત્રણ ટી-૨૦ મેચની આ સિરીઝમાં પહેલી બે મેચ પૈકી એક- એક મેચ બન્ને ટીમ જીતી ચૂકી છે. ત્યારે બન્ને ટીમ માટે અમદાવાદની આ ત્રીજી મેચ મહત્વની બની રહેશે. હવામાન વિભાગે આગાહી કરી હતી કે ગુજરાતમાં ૩૧ અને ૧ ફેબ્રુઆરીએ સ્ટ્રોન્ગ વિન્ડ રહેવાની સંભાવના છે અને એને કારણે ઠંડી મહેસૂસ થવાની સંભાવના છે. આ ડે/નાઈટ મેચમાં રાતે પવન અને ઠંડીનો અનુભવ થશે. આમ પણ છેલ્લા કેટલાક દિવસોથી અમદાવાદ સહિત ગુજરાતમાં ઠંડીએ જોર પકડયું છે અને હજી પણ ઠંડી યથાવત છે. ત્યારે મેચના દિવસે પણ રાતે ઠંડીનું જોર રહેવાની શકયતા છે અને એને કારણે ટીમ ઈન્ડિયા અને ન્યુઝીલેન્ડના ક્રિકેટરો અમદાવાદની કડકડતી ઠંડીનો અનુભવ કરશે.

કેપ્ટન હાર્દિક પંડયાએ કહ્યું કે 'સાચું કહું તો લખનઉની પિચે બધાને ચોંકાવી જ દીધા. પર્ફોર્મ કરવા માટે પિચ જો મુશ્કેલ હોય એ સામે કોઈ વાંધો નથી. અમારે એના પર રમવું જ પડે, પણ મારા મતે બન્ને મેચની પિચ ટી-૨૦ માટે બની જ નહોતી એ મુદ્દાને બાદ કરતાં હું આ મેચના વિજયથી બહુ ખુશ છું. હવે જયાં મેચ રમાવાની છે ત્યાં પિચ- કયુરેટર અને બીજા ગ્રાઉન્ડ્સમેન વહેલા પિચ બની જાય એની તકેદારી રાખે તો સારૃં.'

સૂર્યકુમાર યાદવને મેન ઓફ ધ મેચનો એવોર્ડ અપાયો હતો. તે નવમી ઓવરમાં કિશનની વિકેટ પડતાં બેટિંગમાં આવ્યો હતો અને છેક સુધી ક્રીઝ પર રહ્યો હતો. તે ટી-૨૦ ઈન્ટરનેશનલ્સમાં ૧૧ વખત મેન ઓફ ધ મેચનો પુરસ્કાર જીત્યો છે.

(11:33 am IST)