Gujarati News

Gujarati News

News of Thursday, 31st January 2019

અલ્પેશ ઠાકોર સહિત કોંગ્રેસના બે ધારાસભ્યો મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળ્યા

અલ્પેશ ભાજપમાં જોડાય તેવી પ્રબળ સંભાવના : ચર્ચાઓના દોર વચ્ચે અલ્પેશ ઠાકોરે ફરી એકવખત સ્પષ્ટ કર્યું કે, આ માત્ર ઔપચારિક અને સૌજન્ય મુલાકાત હતી

અમદાવાદ,તા.૩૧ : કોંગ્રેસના બે ધારાસભ્યોએ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મુલાકાત કરતા અલ્પેશ ભાજપમાં જોડાઈ રહ્યો હોવાની અટકળો અને તર્ક-વિતર્કો વધુ તેજ અને વેગવંતા બન્યા હતા. અગાઉ પણ એકતા યાત્રા દરમિયાન અલ્પેશ ઠાકોરે ભાજપના નેતા શંકર ચૌધરી સાથે પણ મુલાકાત કરી હતી. આ દરમિયાન પણ અટકળો હતી કે અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાઈ રહ્યો છે. જો કે, બાદમાં તેણે સ્પષ્ટતા કરી હતી આ ફક્ત ઔપચારિક અને સૌજન્ય મુલાકાત હતી. હવે ફરી એકવાર અલ્પેશ ઠાકોરે મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી કોંગ્રેસની છાવણીમાં વિવાદ છેડયો છે. તો, ભાજપના વર્તુળમાં પણ આ મુલાકાતને લઇ ચર્ચા તેજ બની છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, કોંગ્રેસના યુવા ધારાસભ્ય અલ્પેશ ઠાકોર બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાને સાબરકાંઠા પોલીસ પરેશાન કરતી હોવાથી રજૂઆત કરવા માટે મુખ્યમંત્રી રૂપાણીને મળ્યા હતા. આ મામલે બંને ધારાસભ્યોએ સીએમ રૂપાણી સમક્ષ રજૂઆત કરી કે, પોલીસ તેમની ખોટી હેરાન કરવાનું બંધ કરે. મુલાકાત દરમિયાન સીએમ રૂપાણી અને અલ્પેશ ઠાકોર વચ્ચે અડધી કલાક સુધી ચર્ચા ચાલી હતી. જો કે, મુલાકાત બાદ અલ્પેશે ભાજપમાં જોડાવાની અટકળો પર પૂર્ણવિરામ મૂકતા આવું કંઈ જ ન હોવાનું જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, અઠવાડીયા પહેલા પ્રભારી રાજીવ સાતવે બોલાવેલી કોંગ્રેસની કારોબારીમાં છેલ્લા કેટલાક સમયથી નારાજ અલ્પેશ ઠાકોર ગેરહાજર રહ્યો હતો. અલ્પેશની સાથે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પણ નારાજ હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. આ પહેલા ધવલસિંહે પણ પ્રદેશ પ્રભારી સાતવ અને એહમદ પટેલ સાથે અલગ-અલગ બેઠક યોજી હતી, જેમાં પ્રદેશ કોંગ્રેસ વિરુદ્ધ નારાજગી વ્યકત કરી હતી. આ સિવાય અલ્પેશે તાજેતરમાં પોતાની નારાજગી અને ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિને લઈને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. ત્યાર બાદ અલ્પેશ ઠાકોરે ગુજરાતમાં એકતાયાત્રા કાઢી હતી. થોડા દિવસ પહેલાં ભાજપના નેતા શંકર ચૌધરી અને આજે ખુદ રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે અલ્પેશ ઠાકોરની મુલાકાતને લઇ તેના ભાજપમાં જોડાવા અંગેની અટકળો વધુ તેજ બની હતી. ખાસ કરીને કોંગ્રેસના નારાજ જૂથમાં આ વાતને લઇ જોરશોરથી ચર્ચા ચાલી હતી.

 

(8:26 pm IST)