Gujarati News

Gujarati News

News of Wednesday, 31st January 2018

પદ્માવતના રિલીઝ માટે હવે ગુજરાત કોર્ટમાં રિટ અરજી

વાયકોમ કંપની હાઇકોર્ટમાં : આજે સુનાવણીની વકી : મલ્ટિપ્લેક્સ પર સુરક્ષા આપવા સહિતના મુદ્દા ઉપસ્થિત કરાયા : પોલીસ અને સરકારના દાવા સામે સવાલ ઉઠ્યા

અમદાવાદ,તા. ૩૧ : પદ્માવત ફિલ્મના ભારે વિરોધ અને દેશભરમાં મચેલા ઉહાપોહ બાદ હવે ગુજરાતમાં વિધિવત્ રીતે આ ફિલ્મ ગુજરાત રાજયમાં રિલીઝ કરાવવા માટે ગુજરાત હાઇકોર્ટમાં રિટ અરજી દાખલ થઇ છે. ફિલ્મ રિલીઝના તમામ હક્કો ધરાવતી વાયકોમ કંપની દ્વારા આ રિટ અરજીની અરજન્ટ સુનાવણી હાથ ધરવા હાઇકોર્ટને વિનંતી કરાઇ હતી, જે ગ્રાહ્ય રખાતાં આ કેસની સુનાવણી હવે આવતીકાલે હાથ ધરાય તેવી શકયતા છે. થિયેટરમાલિકોને વિશ્વસનીય સુરક્ષાની માંગણી સાથે અરજદારપક્ષ હાઇકોર્ટમાં આવ્યા છે, જેને લઇ સરકાર અને પોલીસતંત્રના સુરક્ષાના દાવાઓ સામે પણ સવાલ ઉભા થયા છે. પદ્માવત ફિલ્મની સામે રાજપૂત સમાજ અને કરણી સેનાના દેશભરના ઉગ્ર વિરોધ અને આંદોલનો બાદ પરિસ્થિતિ વણસી હતી. પદ્માવત ફિલ્મને લઇ સુપ્રીમકોર્ટમાં થયેલી પિટિશનમાં પણ સુપ્રીમકોર્ટે આ ફિલ્મની રિલીઝ માટે લીલીઝંડી આપી હતી. જો કે, સુપ્રીમકોર્ટે લીલીઝંડી આપ્યા બાદ પણ રાજપૂત સમાજ અને કરણી સેનાનો ફિલ્મ સામેનો વિરોધ અને દેખાવો દેશભરમાં ચાલુ રહ્યા હતા, જેમાં પદ્માવત ફિલ્મની રિલીઝના બે દિવસ પહેલાં અમદાવાદ શહેર સહિત રાજયભરમાં આગચંપી અને તોડફોડના છૂટાછવાયા બનાવો બન્યા હતા.  અમદાવાદ શહેરમાં તો ચારથી પાંચ મલ્ટિપ્લેક્સ થિયેટરની બહાર તોડફોડ અને આગચંપીના બહુ ગંભીર અને ચકચારભર્યા બનાવો બન્યા હતા. જેમાં ૧૦૧ વાહનો તોફાની ટોળા દ્વારા સળગાવી દેવામાં આવ્યા હતા. જેને લઇ અમદાવાદ સહિત રાજયના મોટાભાગના સ્થળોએ પદ્માવત ફિલ્મની રિલીઝ અટવાઇ પડી હતી. પદ્માવત્ ફિલ્મને લઇ આ હિંસક બનાવો બાદ હવે ગુજરાત રાજયમાં આ ફિલ્મને રિલીઝ કરાવવા માટે વાયકોમ કંપની દ્વારા ગુજરાત હાઇકોર્ટ સમક્ષ રિટ અરજી દાખલ થઇ છે. જેમાં બંધારણીય અધિકારને આગળ ધરી ફિલ્મની રિલીઝ કરાવવા અને સાથે સાથે પ્રજાના જાન-માલની સુરક્ષાને લઇ મલ્ટિપ્લેક્સ થિયેટરો સહિતના થિયેટરો પર લોખંડી સુરક્ષા વ્યવસ્થા અને પોલીસ બંદોબસ્ત તૈનાત કરાવવા સહિતની માંગણીઓ કરવામાં આવી છે. અરજદારપક્ષ તરફથી શહેરના તાજેતરના આગચંપી અને તોડફોડના બનાવોનો આધાર રજૂ કરી વિશ્વસનીય સુરક્ષાની માંગણી કરી છે. મહત્વપૂર્ણ એવા કેસની સુનાવણી આવતીકાલે હાથ ધરાય તેવી શકયતા છે.

(8:29 pm IST)