Gujarati News

Gujarati News

News of Wednesday, 31st January 2018

પલસાણા તાલુકાના અંત્રોલીમાં પુરપાટ ઝડપે જતી બે કાર વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમા કડોદરાનો વેપારી મોતને ભેટ્યો

પલસાણા: તાલુકાના અંત્રોલી ગામે પૂરઝડપે આવેલી કારના ચાલકે અન્ય કારને ટક્કર મારતા કારમાં બેઠેલા કડોદરાના વેપારીને ગંભીર ઇજા થતાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે ત્રણને ઇજા થઇ હતી. મરનાર વેપારી પોતાના સાઢુભાઇ સાથે સુરત સંબંધીને ત્યાં જતા હતા.

કડોદરા ખાતે મોદી ફળિયામાં સન્મુખભાઇ ઉર્ફે સુરેશભાઇ નાનુભાઇ મોદી પત્ની નયનાબેન, પુત્ર જીજ્ઞોશ સહિતના પરિવાર સાથે રહેતા હતા. સન્મુખભાઇના સાઢુભાઇ જનકભાઇ મોદી પણ કડોદરા જ રહે છે. ગત રવિવારે જનકભાઇ મોદી પત્ની  અનસુયાબેન તથા સન્મુખભાઇ અને તેમની પત્ની નયનાબેન સાથે પોતાની ઇકો સ્પોર્ટ ગાડી (નં. જીજે-૧૯-એએ- ૭૬૯૯) લઇને સુરત ખાતે સંબંધીને ત્યાં જવા નીકળ્યા હતા. દરમિયાન રાત્રિના દશેક વાગ્યાના સુમારે કડોદરાથી સુરત જતા રોડ પર અંત્રોલી ગામની સીમમા વાંકાનેડા તરફના રોડના કટ પાસ ેપૂરઝડપે આવેલી રેનોલ્ટ ડસ્ટર ગાડી (નં. જીજે-૫-જેડી- ૯૯૦૩)ના ચાલકે ધડાકાભેર અથડાવી દીધી હતી. ઇકો ગાડીમાં આગળ બેઠેલા સન્મુખભાઇને ગંભીર ઇજા થતાં સારવાર માટે સુરત ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યાં આજે મંગળવારે વહેલી સવારે તેમનું  મોત થયું હતું. જ્યારે જનકભાઇ સહિત ત્રણેયને ઇજા થતાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા છે. અકસ્માતના બનાવ અંગે કડોદરા પોલીસે  રેનોલ્ડ ડસ્ટર કારના ચાલક વિરૃદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(5:40 pm IST)