Gujarati News

Gujarati News

News of Wednesday, 31st January 2018

ખેડૂતોની આવક ર૦રર સુધીમાં બમણી? ફરી સપનાનું વેંચાણ કરતી સરકાર!

સરકારી દાવાનું આંકડાઓ સાથે વિશ્લેષણ કરતા કૈલાસ ગઢવી : લોકોના બેંક ખાતામાં ૧પ લાખ જમા કરાવવા જેવો જ આ વાયદો છે

અમદાવાદ તા. ૩૧: કેન્દ્ર સરકારના બજેટ સત્રના પ્રથમ દિવસે સરકાર દ્વારા આર્થિક સર્વેક્ષણ રિપોર્ટ ર૦૧૮ રજુ કરવામાં આવ્યો. આ રિપોર્ટમાં આગામી ર૦૧૯ ની ચુંટણીઓને ધ્યાનમાં રાખીને ફુલગુલાબી ચિત્ર રજુ કરવામાં આવ્યું પણ સરકાર દ્વારા જે આંકડાઓ રજુ કરવામાં આવ્યા છે કે માની ના શકાય એવા છે. આગામી બજેટમાં ર૦૧૯ની ચુંટણીઓને ધ્યાનમાં રાખી સપના જ વેંચવામાં આવશે. સરકાર દ્વારા કોઇ ઠોસ કામગીરી કરવામાં આવી જ નથી. જેથી કરી આ સર્વે અને બજેટમાં લોકોને લાંબાગાળાના વાયદા જ કરવામાં આવશે. સરકાર દ્વારા સર્વેના દિવસે બતાવવામાં આવ્યું કે ર૦રર સુધીમાં ખેડુતોની આવક બમણી થશે. ર૦રર સુધીમાં ખેડુતોની આવક બમણી કરવી હોય તો ખેતીનો વૃધ્ધિદર વાર્ષિક ૧૭ ટકાથી વધુ હોવો જોઇએ. જયારે હકીકત કંઇક અલગ જ છે. ગયા વર્ષે આ વૃધ્ધિદર ૧.૯ ટકા હતો જયારે વર્ષ ર૦૧૭-૧૮ માટે વાર્ષિક ર.૧ ટકા અપેક્ષિત છે. તો શું આ પણ બેન્ક એકાઉન્ટમાં ૧પ લાખ જમા કરાવવા જેવો જ મોટો એક જુમલો છે. જેથી ખેડુતોના મત ર૦૧૯માં મેળવી શકાય? તેમ કોંગ્રેસના પ્રદેશ પ્રવકતા કૈલાશ ગઢવી જણાવે છે.

સરકાર દ્વારા બતાવેલ આંકડા માયાવી છે. ખેતી અને ઉદ્યોગમાં વૃધ્ધિદર અનુક્રમે ર.૧ અને ૪.૧ ટકા રહેશે તો પણ ચાલુ વર્ષનો જી.ડી.પી ૬.૭પ ટકા રહેવા ધારણા બાંધવામાં આવેલ છે જેમાં ફેરફાર થવાની શકયતા રહેલી છે. જો આ જી.ડી.પી. હાંસલ કરવામાં આવશે તો પણ એનો લાભ મર્યાદિત વર્ગને જ મળશે કારણ કે દેશનો મોટો વર્ગ ખેતી અને ઉદ્યોગો સાથે જોડાયેલ છે.

સરકારે આર્થિક સર્વેમાં દર્શાવ્યું છે કે ટેક્ષ રીટર્ન ફાઇલ કરનારની સંખ્યામાં પ૦ ટકાની વૃધ્ધિ થયેલ છે પરંતુ સરકાર કર આવકમાં થયેલ વધારા કે ઘટાડા અંગે મૌન કેમ છે? હકીકત એ છે કે ટેક્ષ રીટર્ન ફાઇલ કરનારની સંખ્યામાં વધારો થવાનું કારણ મલ્ટીસ્ટેટ રજીસ્ટ્રેશન અને મરજીયાત (ટેક્ષની જવાબદારી ના બનતી હોય પણ નવી સિસ્ટમને કારણે રજીસ્ટ્રેશન ના છુટકે કરાવવું પડે તેવા) રજીસ્ટ્રેશન કારણે થયેલ છે. ટેક્ષની આવકમાં જો ખરેખર વધારો થયેલ હોય તો સામાન્ય પ્રજાના રીફંડના નાણાં લાંબા સમયથી અટકાવી દેવામાં આવેલ છે તે કેમ આપવામાં આવતા નથી તે પ્રશ્ન ચોકકસ થશે. યુ.પી.એ. સરકારમાં ઇન્કમટેક્ષ રીફંડના નાણાં બે થી ત્રણ માસમાં આપવામાં આવેલા જે આજે છ થી બાર માસ સુધી પણ આપવામાં આવેલ નથી. તેમ કોંગ્રેસના પ્રવકતા કૈલાશ ગઢવી જણાવે છે.

(3:53 pm IST)