Gujarati News

Gujarati News

News of Wednesday, 31st January 2018

પ્રેમીની હત્યા કરનાર મહિલાને હાઇકોર્ટે નિર્દોષ જાહેર કરી

૧૨ વર્ષ જૂનો કેસઃ ટ્રાયલ કોર્ટે સંભળાવી હતી સજા

અમદાવાદ તા. ૩૧ : સનસનાટી ફેલાવી દેનારા મર્ડર કેસના ૧૨ વર્ષ પછી, જુહાપુરાની ફરહીન ઉર્ફે શાહીન પઠાણને ગુજરાત હાઈકોર્ટે નિર્દોષ જાહેર કરી છે. ફરહીન પર તેના બોયફ્રેન્ડની કરપણી હત્યા કરવાનો આરોપ હતો. ફરહીન તેના બોયફ્રેન્ડના મૃતદેહને રીક્ષામાં મુકીને સાબરમતીમાં ફેંકવા જતી હતી ત્યારે પકડાઈ ગઈ હતી.

ઉલ્લેખનીય છે કે ૨૦૧૧માં ફરહીનને ટ્રાયલ કોર્ટે દોષી જાહેર કરીને આજીવન કેદની સજા સંભળાવી હતી. જો કે હાઈકોર્ટે તેને તમામ આરોપોમાંથી મુકત કરીને નિર્દોષ જાહેર કરી છે. આ કેસમાં ફરહીન સિવાય અન્ય સાત લોકો વિરુદ્ઘ પણ ગુનો નોંધાયો હતો, પરંતુ ટ્રાયલ કોર્ટે શંકાસ્પદ હોવાના કારણે તેમને નિર્દોષ જાહેર કર્યા હતા.

ચાર્જશીટ, ૫૮ સાક્ષીઓના નિવેદનો અને બીજા અનેક પુરાવાઓને આધારે ફરહીનને ૨૦૦૬માં થયેલા તે મર્ડર કેસમાં આરોપી જાહેર કરવામાં આવી હતી. ફરહીન એક વિધવા મહિલા છે જે જુહાપુરા વિસ્તારમાં રહે છે. તે હાટકેશ્વરમાં કેરોસિન વેચતા દેવાંગ જોશીના પ્રેમમાં પડી હતી. તે લોકો જુહાપુરામાં પાંચ વર્ષ સુધી સાથે રહ્યા હતા.

પોલીસના પેપર્સ અનુસાર, ફરહીનના પહેલાથી બે દીકરાઓ હતા, પરંતુ જયારે તેણે દેવાંગના બાળકનો ગર્ભપાત કરાવવો પડ્યો ત્યારપછી તેઓ અલગ થઈ ગયા હતા. ફરહીને દેવાંગ સામે લગ્નની માંગ મુકી હતી, પરંતુ તેણે લગ્ન કરવાની ના પાડી અને પોતાના સમાજની છોકરી સાથે પરણવાની વાત કરી હતી.

દેવાંગના આવા ઈરાદા જાણીને ફરહીનને આઘાત લાગ્યો હતો. ૭મી મે, ૨૦૦૬ના રોજ તેણે દેવાંગને પોતાના ઘરે બોલાવ્યો હતો જયાં તેનો ભાઈ આઝમ પઠાણ અને અન્ય ૬ લોકો હાજર હતા. ફરહીને દેવાંગની હત્યા કરી અને તેના મૃતદેહના ટુકડા કરી નાખ્યા હતા.

ફરહીને મૃતદેહના ટુકડા થેલામાં ભરી તે સાબરમતી નદીમાં ફેંકવા જઈ રહી હતી, પરંતુ પોલીસના રુટિન પેટ્રોલિંગને કારણે તેનો પ્લાન નિષ્ફળ સાબિત થયો. સરદાર બ્રિજ પાસે આવેલા ફુલ બજાર નજીક પોલીસે રીક્ષા રોકી અને મૃતદેહ મળી આવતા ફરહીનની અટકાયત કરી હતી. પોલીસે પોતાની ચાર્જશીટમાં આ વાતનો ઉલ્લેખ કર્યો છે, પરંતુ હાઈ કોર્ટે પોલીસના આ સારાંશને ફગાવ્યો છે.(૨૧.૧૩)

(4:20 pm IST)