Gujarati News

Gujarati News

News of Monday, 30th December 2019

દેશભરમાં ગુજરાત ‘‘રો-મિલ્ક સપ્લાયર્સ’’ને ઓળખપત્ર આપતુ પ્રથમ રાજ્ય ગુણવત્તા પર દેખરેખ રાખવા ‘વેરીફાઇડ મિલ્ક વેન્ડર્સ’ સ્કિમનું લોન્ચિંગ થયું

રાજ્યના ૪૦ લાખ દૂધ ઉત્પાદકોને ઓળખપત્ર આપી આ યોજનામાં આવરી લેવાશે: FSSAI દ્વારા હોટલ-રેસ્ટોરન્ટમાં ગુણવત્તાલક્ષી ખોરાક માટે હાઇજિન રેટિંગ સ્કિમ પણ લોન્ચ કરાઈ

અમદાવાદ : રાજ્યના નાગરિકોને ગુણવત્તાલક્ષી શુદ્ધ દૂધ મળી રહે તે આશયથી ગુજરાત રાજ્યમાં દેશમાં સૌ પ્રથમ વાર એક નવી સ્કિમનું FSSAI દ્વારા અમદાવાદ ખાતેથી લોન્ચિંગ કરાયું હતું દેશભરમાં ગુજરાત ‘‘રો-મિલ્ક સપ્લાયર્સ’’ને ઓળખપત્ર આપતુ પ્રથમ રાજ્ય બન્યું છે. રાજ્યમાં દૂધની ગુણવત્તા પર દેખરેખ તથા અન્ય સહાય આપવાના હેતુસર શરૂ કરવામાં આવેલી આ યોજના ‘વેરીફાઇડ મિલ્ક વેન્ડર્સ’ થકી રાજ્યના ૪૦ લાખ દૂધ ઉત્પાદકોને ઓળખપત્ર આપવામાં આવશે. તે ઉપરાંત અમદાવાદ ખાતે યોજાયેલા આ  કાર્યક્રમમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડસ ઓથોરીટી ઓફ ઇન્ડીયા (FSSAI) દ્વારા ગુજરાતમાં હોટલ-રેસ્ટોરન્ટમાં ગુણવત્તાલક્ષી ખોરાક માટે હાઇજિન રેટિંગ સ્કિમનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું હતુ એમ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર  ડૉ.એચ.જી.કોશિયા દ્વારા જણાવાયું છે. 

  કોશિયાએ આ અંગે વધુ વિગતો આપતા જણાવ્યું છે કે, અમદાવાદ ખાતે તાજેતરમાં ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડસ ઓથોરીટી ઓફ ઈન્ડીયા, ન્યુ દિલ્હીના સી.ઇ.ઓ શ્રી પવન કુમાર અગ્રવાલે ગુજરાત રાજ્યમાં રો મિલ્ક સપ્લાય કરતા તમામ ખેડૂતોને ઓળખપત્ર તેમજ અન્ય સહાય આપવાના હેતુસર દેશમાં સૌપ્રથમ વાર “વેરીફાઇડ મિલ્ક વેન્ડર્સ સ્કિમ’’નું લોન્ચિંગ કર્યુ હતુ. આ સ્કિમ હેઠળ ગુજરાત રાજયના આશરે ૪૦ લાખ દૂધ ઉત્પાદકો કે જે ગુજરાતની જુદી જુદી ડેરીઓમાં દૂધ સપ્લાય કરે છે તે તમામને કેન્દ્ર સરકારની આ યોજના હેઠળ આવરી લેવામાં આવશે. એટલું જ નહીં દૂધની ગુણવત્તાની ચકાસણી માટે લેકટોમીટર પણ આપવામાં આવશે. ખાસ કરીને આ સ્કિમ રો મિલ્કની ગુણવત્તા પર દેખરેખ માટેની અગત્યની સ્કિમ છે.

   કોશિયાએ ઉમેર્યુ છે કે, આ કાર્યક્રમમાં FSSAI દ્વારા ગુજરાત રાજયના તમામ હોટલ, રેસ્ટોરન્ટ, કેન્ટિન, મંદિર, શાળાઓ વિગેરેમાં ગુણવત્તાલક્ષી ખોરાક મળી રહે તે માટે ‘‘હાઇજિન રેટિંગ સ્કિમ" પણ લોન્ચ કરવામાં આવી હતી. જે હેઠળ ગુજરાતના આશરે ૫૦ હજાર જેટલા હોટલ, રેસ્ટોરન્ટ, કેન્ટિન, મંદિર તથા શાળાઓ વિગેરેને આવરી લેવામાં આવશે. હાઇજીન રેટીંગ સ્કિમ અંતર્ગત ફૂડ બિઝનેસ ઓપરેટર જાતે જ પોતાની પેઢીની સેનીટેશન અને હાઇજીન અંગે મુલ્યાંકન કરી શકશે અને FSSAI દ્વારા તે સંદર્ભે ગુણવત્તા  આધારે પ્રમાણપત્ર  એનાયત કરવામાં આવશે.

FSSAIના સી.ઇ.ઓ  પવન કુમાર અગ્રવાલે NETPROFAN (નેટવર્ક ઓફ પ્રોફેશનલ ઓફ ફૂડ એન્ડ ન્યુટ્રીશીયન) ના હોદ્દેદારો સાથે બેઠક કરી અને રાજ્યના નાગરિકોને સ્વચ્છ , સ્વસ્થ તથા ફોર્ટફાઇડ ફૂડ મળી રહે તે માટે વિગતવાર આયોજનની ચર્ચા કરી હતી. આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધિક સચિવ વી .જી વણઝારા, કમિશનર ઓફ ફુડ સેફ્ટી ડો.એચ.જી .કોશિયા તથા ઇન્ડિયન ડાયેટીક એસોશીયેશનના પ્રેસીડેન્ટ ડૉ . જગમીત મદન ઉપસ્થિત રહ્યા હતા.

(9:40 pm IST)