Gujarati News

Gujarati News

News of Monday, 30th December 2019

લોકોએ આફતને મજાકમાં ફેરવી દીધીઃ બનાસકાંઠા જિલ્લામાં તીડના ઉપદ્રવ અંગેનો રમુજો વીડિયો વાયરલ

અલ્કેશ રાવ/બનાસકાંઠા :ઉત્તર ગુજરાતમાં તીડે હાહાકાર મચાવ્યો છે. જેમાં સૌથી વધુ ત્રાસ બનાસકાંઠા જિલ્લામાં છે. બનાસકાંઠામાં હાલ તો તીડનું આક્રમણ ઓછું થયું છે, પણ તીડ લોકોની મજાકનું કારણ બન્યું છે. બનાસકાંઠામાં તીડના મજાકનો વિડિઓ વાયરલ થયો છે. લોકોએ આફતને મજાકના અવસરમાં પલટતો વીડિયો ખૂબ વાયરલ થયો છે. આમ, બનાસકાંઠામાં તીડનો આતંક હોવા છતાં લોકોએ તીડને મજાકમાં લીધા છે. આવા બે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.

વીડિયો-1

હાલ તો બનાસકાંઠામાં તીડનો વીડિયો ખૂબ વાયરલ થઈને સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. જેમાં બે તીડની પૂછડીના ભાગે દોરી બાંધવામાં આવ્યા છે અને તીડને ગાડીની માફક દોડાવવામાં આવ્યા છે. વીડિયોના બેકગ્રાઉન્ડમાં મોમા મારા ભભમ ભભમ ગાડી લાયા...ગીત વાગી રહ્યું છે. વીડિયો બહુ ફની લાગી રહ્યો છે. જેમાં દોડતા તીડને જોઈને તમને પણ હસવુ આવી જશે.

વીડિયો-2

પહેલા પણ બે તીડને હાથમાં પકડીને કડક પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં તીડને પકડીને તમે ક્યાંથી આવ્યા, પાકિસ્તાનથી આવ્યા, મોદી રાજમાં આવ્યા...તેવા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. તો સાથે પ્રશ્નો પૂછવાની સાથે સાથે તીડને સજા આપતા હોય તેમ તેને લાકડી મારવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠામાં તીડના થયેલા આક્રમણને નાથવામાં રાજ્ય સરકારને સફળતા મળી છે. તીડના લોકેશન ટ્રેસ કરવા તેમજ તીડના હુમલા સામે જરૂરી રક્ષણાત્મક પગલાં લેવામાં સમયાનુકુલ કોમ્યુનિકેશન માધ્યમ "વોટસ એપ" ખૂબ જ ઉપયોગી પૂરવાર થયું છે. બનાસકાંઠા જિલ્લામાં તીડના મોટાપાયે થયેલા આક્રમણને નાથવામાં રાજ્ય સરકારે બહુધા સફળતા મેળવી લીધી છે. તીડના લોકેશન ટ્રેક કરવામાં ખેતીવાડી વિભાગના ગ્રામ્ય સ્તરના કર્મચારીઓએ વોટસએપ લાઈવ લોકેશનનો ભરપૂર ઉપયોગ કર્યો.તીડ નિયંત્રણ માટેની જંતુનાશક દવાની આડ અસરથી ઊબકા-ઊલટી, માથાનો દુઃખાવો જેવી તકલીફોને અવગણીને પણ કૃષિ વિભાગના કર્મચારીઓએ ફરજ પરસ્તી અને કૃષિ કલ્યાણ ભાવના દર્શન કરાવ્યા છે. ત્યારે હવે મોટા ભાગનો તીડનો જથ્થો રાજસ્થાન તરફ  ફંટાયો છે.

(5:41 pm IST)