Gujarati News

Gujarati News

News of Saturday, 30th December 2017

રૂદ્ર હત્યા કેસ : પોલીસ સામે લોકોનો આક્રોશ સપાટી પર

સગીર આરોપીઓને ફાંસીની સજા આપવા માંગ : રૂદ્રની અંતિમ યાત્રામાં હજારો લોકો સ્વયંભુરીતે જોડાયા કેસની હકીકતો સાંભળીને ભલભલાની આંખોમાં આંસુ

અમદાવાદ,તા. ૩૦ : શહેરના મણિનગરના ઉત્તમનગર પાસે સહજાનંદ ફલેટમાંથી ત્રણ દિવસ પહેલાં લાપત્તા થયેલા દસ વર્ષના રૂદ્ર ચોકસીની હત્યા કરી ફેંકી દેવાયેલી લાશને સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ બાદ તેના ઘેર લાવવામાં આવી હતી. રૂદ્રના મૃતદેહને જોઇ ભલભલાના કાળજા કંપી ગયા હતા તો, માતા-પિતા સહિત પરિવારજનો પર તો આભ તૂટી પડયું હતું. ભારે આદર અને સન્માન સાથે નીકાળવામાં આવેલી રૂદ્રની અંતિમયાત્રામાં સ્થાનિક રહીશો સહિત હજારો લોકો સ્વયંભુ જોડાયા હતા. રૂદ્રના કેસની હકીકતો સાંભળી અંતિમયાત્રામાં જોડાયેલા ભલભલા કઠણ કાળજાવાળા લોકોની આંખમાં પણ આંસુ આવી ગયા હતા. બીજીબાજુ, રૂદ્રની હત્યાને લઇ સમગ્ર વિસ્તારમાં અને સ્થાનિક રહીશોમાં પોલીસ સામે ઉગ્ર આક્રોશ ભભૂકી ઉઠયો હતો. આ પ્રકરણમાં પકડાયેલા ત્રણ આરોપીઓ પૈકી બે સગીર છે પરંતુ ગુનાની ગંભીરતા અને ક્રૂરતા જોઇને સ્થાનિક રહીશોએ આરોપીઓને ફાંસીની સજા આપવાની ઉગ્ર માંગણી કરી હતી. ખાસ કરીને મહિલાઓએ તો ઉગ્ર આક્રોશ સાથે આરોપીઓને જનતાને સોંપી દેવા પણ માંગ કરી હતી. બીજીબાજુ, લોકોના આક્રોશને જોઇ પોલીસ તંત્ર દ્વારા પણ સલામતી વ્યવસ્થા બહુ ચુસ્ત અને સઘન ગોઠવી દેવાઇ હતી. શહેરના મણિનગરના ઉત્તમનગર પાસે સહજાનંદ ફલેટમાંથી ત્રણ દિવસ પહેલાં લાપત્તા થયેલા દસ વર્ષના રૂદ્ર ચોકસીનું તેની પાડોશમાં જ રહેતા ૧૭ વર્ષીય સગીર આરોપી અને તેના ફલેટમાં જ રહેતા ૨૧ વર્ષીય દિપ અને તેના મિત્રના ૧૭ વર્ષીય ભાઇ એમ ત્રણેય આરોપીઓએ મળી અપહરણ કર્યું હતું અને રૂદ્રના પિતા પાસેથી રૂ.૨૦ લાખની ખંડણી માંગવાનો પ્લાન બનાવ્યો હતો પરંતુ તે પહેલાં જ રૂદ્રએ બૂમાબૂમ કરતાં એક આરોપીએ છરી તેના ગળા પર ફેરવી દેતાં તેનું કરૂણ મોત નીપજયુ હતું. આરોપીઓ બાદમાં તેની લાશ અગોરા મોલ પાસેની અવાવરૂ જગ્યાએ ફેંકી આવ્યા હતા અને બાદમાં દિપના ઓઢવના વિરાટનગર ખાતે રહેતા તેના મિત્રના  ૧૭ વર્ષીય ભાઇએ રૂદ્રની બહેનને ફોન કરી રૂદ્ર જોઇતો હોય તો અગોરા મોલ પાસે આવી જવા જણાવ્યું હતું. આ અંગે ક્રાઇમબ્રાંચને જાણ કરાતાં પોલીસે મોબાઇલના લોકેશનના આધારે  આરોપીઓને ઝડપી લેવાયા હતા. ક્રાઇમબ્રાંચની તપાસમાં એવો પણ ચોંકાવનારો ખુલાસો થયો હતો કે, આરોપી દિપ પારેખને મોજશોખ પાછળ અઢી લાખ રૂપિયાનું દેવું થઇ ગયું હતુ અને તેથી તેની ભરપાઇ માટે તેણે ક્રાઇમ પેટ્રોલ સિરિયલ જોઇ રૂદ્રનું અપહરણ કરી સોના-ચાંદીનો વેપાર કરતાં તેના પિતા પાસેથી રૂ.૨૦ લાખ પડાવવાનો પ્લાન ઘડયો હતો. જો કે, આરોપીઓ સગીર હોવાના કારણે અને કાચી ઉંમર હોઇ તેમનું પ્લાનીંગ ફેલ ગયું હતુ. પોલીસે તેમને રંગેહાથ ઝડપી લીધા હતા. જો કે, આ સમગ્ર હત્યા પ્રકરણમાં હજુ કેટલીક કડીઓની વિગતો ખૂટતી હોઇ પોલીસે તેનો તાગ મેળવવાની દિશામાં પણ ચક્રો ગતિમાન કર્યા છે. દરમ્યાન આજે રૂદ્રનો મૃતદેહ તેના ઘરે લવાતાં સ્થાનિક લોકો અને આસપાસના વિસ્તારના લોકો ખૂબ મોટી સંખ્યામાં એકત્ર થઇ ગયા હતા. રૂદ્રની હત્યાને લઇ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો હતો. તેની અંતિમયાત્રામાં પણ લોકો સ્વયંભુ જોડાયા હતા. જો કે, સ્થાનિકોનો આક્રોશ પોલીસ પર ભભૂકી ઉઠયો હતો કે, પોલીસે ત્રણ દિવસ સુધી કર્યું શું? શા માટે પોલીસ ત્રણ દિવસ સુધી બેદરકાર રહી અને રૂદ્રને શોધી ના શકી. આ પોલીસની નિષ્ફળતાનું પરિણામ છે. સ્થાનિકોએ રૂદ્રના હત્યારાઓને ફાંસીની સજા આપવા ઉગ્ર માંગણી કરી હતી અને બેનરો દર્શાવી સૂત્રોચ્ચાર કરી પોલીસ સામે વિરોધ વ્યકત કર્યો હતો, જેને લઇ વાતાવરણ તંગ બનતાં પોલીસને સુરક્ષા વધારવી પડી હતી.

(7:56 pm IST)