Gujarati News

Gujarati News

News of Saturday, 30th December 2017

ઉમિયા માતાજી ઉંઝાના પ્રમુખ-પૂર્વ ધારાસભ્ય વિક્રમભાઈ પટેલનું અવસાનઃ દેહદાન

બે મહિના પહેલા જ ઉમિયા માતાજી સંસ્થાન ઉંઝાના પ્રમુખ પદે કાર્યરત થયા હતાઃ કડવા પટેલ સમાજમાં ઘેરોશોક

પ્રથમ તસ્વીરમાં સ્વ. વિક્રમભાઈ પટેલ, બીજી તસ્વીરમાં ઉંઝા ઉમિયા માતાજી સેવા સંસ્થાનનો હોદો સંભાળ્યો તે પ્રસંગની તસ્વીરમાં વિક્રમભાઈ પટેલ સાથે પત્રકાર અને કારોબારી સભ્ય મનિષ ચાંગેલા, અંબાલાલ ચારી અને દિલીપભાઈ પટેલ નજરે પડે છે

રાજકોટ, તા. ૩૦ :. કડવા પટેલ સમાજના આસ્થાના પ્રતિક શ્રી ઉમિયા માતાજી મંદિરના ઉમિયા માતાજી સંસ્થાન-ઉંઝાના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય ચાણસ્માના વિક્રમભાઈ ધનજીભાઈ પટેલનું ૮૭ વર્ષની ઉંમરે  અવસાન થતા પટેલ સમાજમાં ઘેરો શોક છવાયો છે. તેમની ઈચ્છા મુજબ તેમના દેહનુ દાન વડનગર મેડીકલ કોલેજ ખાતે કરવામાં આવનાર છે.

વિક્રમભાઈ ધનજીભાઈ પટેલની પાંચેક દિવસ પહેલા નાદુરસ્ત તબીયતના કારણે અમદાવાદની હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી તેઓને રજા આપવામાં આવ્યા બાદ તેમના પુત્ર અનિલભાઈના ઘરે આરામ કરી રહ્યા હતા. તા. ૨૯ને શુક્રવારે મોડી રાત્રીના તેઓનો દેહવિલય થયો હતો.

તેમના પાર્થિવદેહને ૧૩-ગોકુલધામ, પાર્વતીનગર સોસાયટી પાસે, વિસનગર રોડ-ઉંઝા ખાતે આજે સવારના ૧૦.૩૦ સુધી દર્શનાર્થે રાખવામાં આવ્યા હતા.

ઉમિયાધામ ઉંઝાના પ્રમુખ પદે વિક્રમભાઈ પટેલે તા. ૨૯-૧૦-૨૦૧૭ના રોજ કાર્યભાળ સંભાળ્યો હતો. ત્યાર બાદ બે મહિના સુધી ઉંઝા ટ્રસ્ટના સેવાકાર્યો કરીને વિવિધ કામગીરી કરી હતી અને સમાજ માટે યોગદાન આપ્યુ હતું.

વિક્રમભાઈ પટેલે હરીદ્વાર ખાતે અતિથિ સંકુલના બાંધકામ ઈન્ચાર્જ તરીકે સેવા આપી હતી અને નરેન્દ્રભાઈ મોદીના હસ્તે તેઓનું રીમોટ કંટ્રોલથી ઉદઘાટન પણ કરવામાં આવ્યુ હતું. ગુજરાતમાં માં ઉમિયા જ્યોતિ રથ પરિભ્રમણ માટે સ્વ. કેશવલાલ પટેલ, વિક્રમભાઈ પટેલ અને મણીભાઈ પટેલે ખૂબ જ યોગદાન આપ્યુ હતું.

વિક્રમભાઈ પટેલ દરરોજ સવારે મંદિરે પોતાના સ્કૂટર ઉપર ૮૭ વર્ષની ઉંમરે પણ દર્શને જતા હતા.

વિક્રમભાઈ પટેલે રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર ભારતમાં કડવા પટેલ સમાજને સંગઠીત કરવા માટે ઓ.આર. પટેલ, પોપટભાઈ પટેલ સહિતના સાથે સેવા આપતા હતા. આ ઉપરાંત ૨૦૬ મંદિરનું નિર્માણ પણ કરવામાં આવ્યુ છે અને અમેરિકામાં એક મંદિરનું નિર્માણ થયુ છે. જ્યારે ૪ મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યુ છે. હાલમાં ઉમિયા ધામ ઉંઝાના ઉપપ્રમુખ પ્રહલાદભાઈ પટેલ (કામેશ્વર) પ્રમુખ પદે સેવા આપશે.

વિક્રમભાઈ પટેલના પુત્ર અનિલભાઈ પટેલના મોબાઈલ નં. ૯૮૨૫૬ ૨૦૫૧૩

(11:25 am IST)