Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

મહિલાના પેટમાંથી તરબૂચ જેવડી ગાંઠ કાઢવામાં આવી

બે વર્ષના અસહ્ય દુઃખાવાથી મળ્યો છૂટકારો : મહિલાને રાહત ન જણાતા સર્જનનો સંપર્ક કરતાં ડોક્ટરે પેટમાં ગાંઠ હોવાનું જણાવી ઓપરેશનની સલાહ આપી હતી

દાહોદ, તા.૩૦ : સામાન્ય રીતે શરીરમાં ગાંઠનું નામ પડે ત્યારે આપણા મનમાં સોપારી જેવડી છાપ ઉભી થાતી હોય છે પરંતુ દાહોદમાં એક મહિલાના પેટમાં સોપારી નહીં, નારંગી જેવડી નહીં પરંતુ તરબૂચ જેવડી ગાંઠ હતી. જેનું દાહોદની ખાનગી હોસ્પિટલમાં સફળ ઓપરેશન કરીને બહાર કાઢવામાં આવી હતી. આમ બે વર્ષથી ગાંઠના કારણે અસહ્ય પીડા ભોગવતી મહિલાને દુઃખાવામાંથી મૂક્તી મળી હતી. મળતી માહિતી પ્રમાણે દાહોદ જિલ્લામાં આવેલા ગરબાડા તાલુકાના શ્રમિક મુકેશ પલાસની પત્ની બેબીબેનને આશરે દોઢ વર્ષ પહેલા પેટમાં દુખાવાની તકલીફ થતાં દુઃખાવા માટેની દવા લીધી હતી.

             પરંતુ રાહત ન જણાતા સર્જનનો સંપર્ક કરતાં ડોક્ટરે પેટમાં ગાંઠ હોવાનું જણાવી ઓપરેશનની સલાહ આપી હતી. પરંતુ ઓપરેશન માટે પૈસાની સગવડ ન થતાં માત્ર દવા ઉપર નિર્ધાર રહ્યા હતા. અલગ અલગ હોસ્પિટલોમાંથી સારવાર લીધી પરંતુ પેટમાં રહેલી ગાંઠ ધીમે ધીમે વધતી ગઈ અને સાથે જ બેબીબેનની પીડામા પણ વધારો થતો ગયો હતો. છેવટે પાંચ દિવસ પહેલા દાહોદની ઇરા મલ્ટી સ્પેશયાલિટી હોસ્પિટલના સર્જન ડો.વિશાલનો સંપર્ક કરતાં જરૂરી તપાસ બાદ બે ગાઠ માલૂમ પડી હતી અને તેમાથી એક ગાંઠ ૧૧ કિલો ઉપરાંત વજનની અને બીજી નાની સાઇઝની દેખાતા ડોક્ટરે ઓપરેશનની સલાહ આપી બેબીબેનને દાખલ કર્યા હતા. અને ગત રોજ  ડો.વિશાલ અને તેમની ટીમે સફળ ઓપરેશન કરી ૧૩ કિલો વજન ની બે ગાંઠ બહાર કાઢી હતી ડોક્ટર નું કહેવું છે મોટી ગાંઠ અંડશયની છે જ્યારે નાની ગાંઠ કેન્સર ની હોઈ શકે છે જે તેના પરીક્ષણ બાદ નક્કી થઈ શકે ઓપરેશન પછી બેબીબેન સહિત પરિવારજનોમાં ખુશી જોવા મળી રહી છે.

(8:00 pm IST)