Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

ધારાસભ્યો ચાર બેડરૂમના આલિશાન ફ્લેટમાં રહેશે

ગાંધીનગરમાં બનશે ૯ માળના ૧૨ ટાવર : પૂર્ણેશ મોદી સાથે સદસ્ય નિવાસ સમિતિએ ધારાસભ્યો માટે બનનારા નવા ક્વાર્ટર્સની સ્થળ મુલાકાત કરી હતી

ગાંધીનગર, તા.૩૦ : ગાંધીનગરમાં ધારાસભ્યો માટે નવા ફ્લેટ બનાવવાની સરકાર યોજના બનાવી છે. ગાંધીનગરના સેક્ટર ૧૭માં નવા એમએલએ ક્વાર્ટર્સ બનાવવામાં આવશે તેવી જાણકારી માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશ મોદીએ આપી હતી. જે અંતર્ગત ૯ માળના ૧૨ ટાવર બનાવવામાં આવશે. અંદાજિત ૧૪૦ કરોડ રૂપિયાના ખર્ચે ધારાસભ્યો માટે આ નવા ક્વાર્ટર્સ બનાવાશે, જેમાં દરેક ધારાસભ્યને ચાર બેડરૂમનો એક આલિશાન ફ્લેટ ફાળવવામાં આવશે. એમએલએ સદસ્ય નિવાસ સમિતિએ મંગળવારે તૈયાર થઈ રહેલા આ ક્વાર્ટર્સની સ્થળ મુલાકાત લીધી હતી. આ અંગે વાત કરતા મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે, આગામી બજેટ સત્ર દરમિયાન આ નવા એમએલએ ક્વાર્ટર્સનું ભૂમિપૂજન કરવામાં આવશે.

              ૧૪૦ કરોડના ખર્ચે અધ્યતન સુવિધાવાળા આ નવા ક્વાર્ટર્સ તૈયાર કરાશે. કુલ ૨૮ હજાર ચોરસ મીટરમાં આ નવા એમએલએ ક્વાર્ટર્સ તૈયાર કરાશે. એક ક્વાટર ૨૧૦ ચો.મી બિલ્ડઅપ એરિયામાં તૈયાર કરાશે. આ ફ્લેટમાં ચાર બેડરૂમ સહિત ૯ રૂમ બનાવવાનું આયોજન છે. જેમાં રીડિંગ રૂમ, હોલ, કિચન, ડ્રાઈવિંગ રૂમ, ડ્રાઈવર રૂમ સહિતની અન્ય સુવિધાઓ પણ હશે. નવા તૈયાર થઈ રહલા એમએલએ ક્વાર્ટર્સમાં આકર્ષક એમિનિટિઝ પણ ઊભી કરાશે. જેમાં બે લેન્ડ સ્કેપ ગાર્ડ, પ્લે એરિયા, એક ઓડિટોરિયમ, હેલ્થ ક્લબ, કેન્ટીન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે. તે ઉપરાતં દરેક બિલ્ડિંગમાં બે લિફ્ટની સુવિધા હશે. તે ઉપરાંત એન્ટ્રી-એક્ઝીટ માટે ચાર ગેટ હશે. ઉલ્લેખનીય છે કે, સદસ્ય નિવાસ સમિતિએ ક્વાર્ટર્સનો બિલ્ટઅપ એરિયા વધારવાની માગણી કરી હતી, જેને માર્ગ અને મકાન વિભાગના મંત્રી પૂર્ણેશ મોદીએ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

(7:57 pm IST)