Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

ગ્રામ પંચાયત ચૂંટણી,વાઇબ્રન્ટ સમિટ અને ઓમીક્રોનના હાહાકાર વચ્ચે પ્રતિબંધ હટાવવા મુદ્દે સરકાર મુંજવણમાં

કોરોના વાયરસના કેસોમાં ઘટાડો થતા સરકાર દ્વારા છુટછાટ આપી દેવાઈ ત્યારે ઓમિક્રોન વેરિયન્ટે હાહાકાર મચાવતા લોકોમાં ભારે ભય

અમદાવાદ : ગુજરાતમાં હાલ કોરોના વાયરસના કેસોમાં ઘટાડો જોવા મળતા સરકાર દ્વારા છુટછાટ આપી દેવામાં આવી છે. ત્યારે ઓમિક્રોન વેરિયન્ટે હાહાકાર મચાવતા લોકોમાં ભારે ભય જોવા મળી રહ્યો છે. સરકાર દ્વારા વિદેશથી આવી રહેલા તમામ લોકોના RT-PCR ટેસ્ટ ફરજિયાત કરવા માટેના આદેશ આપી દેવામાં આવ્યા છે. બીજી બાજુ ગ્રામપંચાયતોની ચૂંટણી અને વાઈબ્રન્ટ સમિટ 2022ની તડામાર તૈયારીઓ વચ્ચે પ્રતિબંધો હટાવવા મુદ્દે સરકાર મૂંઝવણમાં મુકાઈ છે.

30 નવેમ્બર એટલે આજ રોજ રાત્રિ કર્ફ્યૂની મુદત પૂર્ણ થવા જઈ રહી છે. બીજી તરફ, વાઈબ્રન્ટ ગુજરાત સમિટ અને ગ્રામપંચાયતોની ચૂંટણી છે, જેથી સરકારને પણ હવે પ્રતિબંધ હટાવવા કે નહીં એ અંગે મૂંઝવણ થઈ રહી છે. ત્યારે રાજ્ય સરકાર હવે શું નિર્ણય કરે છે એના પર સૌની નજર છે.

અમદાવાદ સહિતનાં આઠ મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ અમલમાં છે. ગાંધીનગરમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી અને અધિક ગૃહ સચિવ વચ્ચે બેઠક યોજાઇ હતી, જેમાં રાત્રિ કર્ફ્યૂ સંપૂર્ણપણે ઉઠાવી લેવો કે પછી હજુય યથાવત્ રાખવો એ મુદ્દે ચર્ચા થઇ હતી.

અમદાવાદ એરપોર્ટ ખાતે યોજાયેલી બેઠકમાં અમદાવાદ એરપોર્ટ ઓથોરિટીના અધિકારી, એરપોર્ટનું સંચાલન કરતા અદાણીના જવાબદાર હોદ્દેદારો સાથે આરોગ્ય વિભાગના સચિવ જયપ્રકાશ શિવહરેએ બેઠક યોજી હતી, જેમાં વિદેશથી આવનારા અને તેમાં પણ ખાસ યુરોપ અને આફ્રિકાના 12 દેશમાંથી આવનારા પ્રવાસીઓ પર ખાસ ધ્યાન રાખવામાં આવે અને તેમનું ફરજિયાત કોવિડ ટેસ્ટિંગ પર ભાર મૂકવા તથા જરૂરી પગલાં લેવા માટે કહેવામાં આવ્યું છે.

હાલ અમદાવાદ એરપોર્ટ પર 12 દેશ સિવાય અન્ય દેશમાંથી આવતા પાંચ ટકા પ્રવાસીઓનો રેન્ડમલી ટેસ્ટ કરવામાં આવશે, જે વિનામૂલ્યે રહેશે. જ્યારે નોટિફાઇડ કરાયેલા બહાર દેશોમાંથી આવનારા પ્રવાસીઓનો કોવિડ ટેસ્ટ પ્રવાસીએ પોતાના ખર્ચે કરાવવાનો રહેશે.

(6:40 pm IST)