Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

ગાંધીનગરમાં ઘ-6 પાસે બે ગામના યુવાનો અગાઉના ઝઘડાની અદાવત રાખી સામસામે બાથડ્યા:તલવારના ઘા ઝીંકાતા મામલો બિચક્યો

ગાંધીનગર: શહેરના ઘ-૬ પાસે ગઇકાલ રાત્રે કોલવડા અને લીંબોદરા ગામના યુવાનો વચ્ચે અગાઉના ઝઘડાની અદાવતમાં ધીંગાણું સર્જાયું હતું અને કોલવડાના યુવાનોને તલવારના ઘા ઝીંકાતા ગંભીર ઘાયલ અવસ્થામાં સારવાર માટે ગાંધીનગર સિવિલથી અમદાવાદ લઇ જવાયા હતાં. હાલ ફરિયાદના આધારે સેક્ટર-૨૧ પોલીસે ગુનાહિત ષડયંત્ર અને હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરીને આરોપીઓને પકડવા માટે દોડધામ શરૃ કરી છે.

આ અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે કોલવડા ગામમાં રણજીબાપાના માઢમાં રહેતાં યુવાન કેતનસિંહ કરણસિંહ નરૃકાએ ફરિયાદ નોંધાવી હતી કે, ગઇકાલે રાત્રે મિત્રના ઘરેથી વાંચીને પરત ફરી રહ્યો હતો તે દરમિયાન અન્ય મિત્ર ત્યાં બાઇક લઇને આવ્યો હતો અને કહ્યું હતું કે, લીંબોદરા ગામના જગતસિંહ વાઘેલા અને બીલ્લો વાઘેલા બે વર્ષ અગાઉના ઝઘડાની અદાવત રાખીને આપણા મિત્ર કુલદિપસિંહને જેમ ફાવે તેમ ગાળો બોલે છે અને ગાંધીનગર બોલાવે છે, આપણે ગાંધીનગર જવાનું છે જેથી આ બંને જણા કોલવડા ત્રણ રસ્તા પાસે પહોંચ્યા હતા જ્યાં કુલદિપસિંહની કારમાં સેક્ટર-૨૩ શોપીંગમાં પહોંચ્યા હતા. જ્યાં કુલદિંપસિંહના અન્ય મિત્રો પણ આવી ગયા હતા. અન્ય વ્યક્તિઓએ સમાધાન કરવાનું નક્કી કર્યું હતું અને ઘ-૬ પાસે પહોંચ્યા ત્યારે જગતસિંહ અને બીલ્લો તેમજ અન્ય પાંચથી છ વ્યક્તિઓ ત્યાં ઉભા હતા. રાત્રે ૧૨.૩૦ કલાકે એક કાર તેમના નજીક આવી હતી અને તેમાંથી બુમ પડી હતી કે આ બધા અહીંયા ઉભા છે, તેમાંથી કોઇને છોડશો નહીં જેથી ત્યાં ઉભેલા જગતસિંહ અને બીલ્લો તથા અન્ય વ્યક્તિઓ તલવાર, ધોકા અને પાઇપો સાથે કુલદિપસિંહની કાર ઉપર તુટી પડયા હતા. જેમાં અન્ય લોકો ત્યાંથી ભાગી ગયા હતા જ્યારે કેતનસિંહ અને કુલદિપસિંહ ઉપર તલવાર અને ધોકાથી હુમલો કર્યો હતો જેમાં કુલદિપસિંહ બેભાન થઇને નીચે ઢળી પડયો હતો અને કેતનસિંહ થોડે દુર ભાગી જઇને ખાનગી વાહનમાં સારવાર માટે સિવિલ પહોંચ્યો હતો. જ્યાં બેભાન અવસ્થામાં કુલદિપસિંહને સારવાર માટે લવાયો હતો અને તેને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ ખાતે ખસેડાયો હતો. હાલ તો આ ફરિયાદના પગલે સેક્ટર-૨૧ પોલીસે જગતસિંહ વાઘેલા, બીલ્લો વાઘેલા, દાદુ વાઘેલા અને બીજા પાંચથી છ અજાણ્યા વ્યક્તિઓ સામે હત્યાના પ્રયાસ અને ગુનાહિત ષડયંત્રનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

(6:03 pm IST)